સુરતમાં વધુ એક બ્રિજમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, પ્રમુખસ્વામી બ્રિજ પર ખાડા પડતા સળિયા બહાર નીકળ્યા

સંજયસિંહ રાઠોડ/સુરત: સુરતમાં ચોમાસામાં વરસાદ બાદ એક બાદ એક બ્રિજના કામમાં ભ્રષ્ટાચારના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તાજેતરમાં જ 118 કરોડના ખર્ચે બનેલો વેડ-વરિયાવ બ્રિજનો…

gujarattak
follow google news

સંજયસિંહ રાઠોડ/સુરત: સુરતમાં ચોમાસામાં વરસાદ બાદ એક બાદ એક બ્રિજના કામમાં ભ્રષ્ટાચારના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તાજેતરમાં જ 118 કરોડના ખર્ચે બનેલો વેડ-વરિયાવ બ્રિજનો ભાગ બેસી ગયો હતો. ત્યારે હવે વધુ એક બ્રિજ પર 50 જેટલા ખાડા પડી ગયા છે. ખાડાના કારણે બ્રિજમાંથી સળિયા પણ બહાર આવી ગયા છે. એવામાં પૂર્વ કોર્પોરેટર દ્વારા વિજીલન્સ તપાસની માગણી કરવામાં આવી રહી છે.

કતારગામ-અશ્વિની કુમારને જોડાતા બ્રિજ પર ખાડા
સુરતના કતારગામ અને અશ્વિનીકુમારને જોડતા પ્રમુખ સ્વામી બ્રિજની તસ્વીરો જોઈને તમે પણ ચોકી જશો. 8 વર્ષ પહેલા બનેલા આ પ્રમુખ સ્વામી બ્રિજ પર 50થી વધુ ખાડા પડી ગયા છે. ખાડાના કારણે બ્રિજમાંથી સળિયા પણ બહાર આવી ગયા છે. એવામાં જીવના જોખમે વાહન ચાલકો આ ખાડા પરથી પસાર થવા માટે મજબૂર બન્યા છે. તો બીજી તરફ બ્રિજ બનાવવા માટેના કામમાં પણ ભ્રષ્ટાચાર થયો હોય અને હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવ્યું હોય તેમ લાગી રહ્યું છે. બ્રિજના ખાડાને લઈને AAPના પૂર્વ કોર્પોરેટર દિનેશભાઈ કાછડીયાએ ખુદ સુરત મ્યુનિસિપલ કમિશનરને લિખિતમાં ફરિયાદ કરી હતી. પણ એમની ફરિયાદની કોઈ પણ અસર સુરત મહાનગરપાલિકાના કમિશનર પર ના થઈ અને લોકો આ ખાડાઓમાંથી પસાર થવા મજબૂર બન્યા છે.

વિજિલન્સ તપાસની માંગ
ત્યારે બ્રિજના મટીરીયલના સેમ્પલ લઈને આ મામલે વિજિલન્સ તપાસ કરાવવામાં આવે તેવી માગણી ઉઠી છે. હાલમાં પાલિકા દ્વારા બ્રિજ પરના ખાડા પુરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સુરતમાં બ્રિજ સેલ દ્વારા શહેરના તમામ બ્રિજનું ઈન્સ્પેક્શન કરવામાં આવી રહ્યું છે. તેવામાં સવાલ થાય છે કે પ્રમુખસ્વામી બ્રિજ પર ઠેર-ઠેર ખાડા હોવા છતા તંત્રને તેની સ્થિતિ અંગે ધ્યાન દોરવામાં કેમ નથી આવતું.

    follow whatsapp