અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર 9 લોકોના મોત બાદ વધુ એક અકસ્માત, એક સાથે ચાર ગાડીઓ અથડાઈ

અમદાવાદ: શહેરના ઈસ્કોન બ્રિજ પર મોડી રાત્રે થયેલા અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે. અકસ્માતની ઘટનાથી સૌ કોઈ હચમચી ગયું છે. ત્યારે બ્રિજ પર અકસ્માતમાં…

gujarattak
follow google news

અમદાવાદ: શહેરના ઈસ્કોન બ્રિજ પર મોડી રાત્રે થયેલા અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે. અકસ્માતની ઘટનાથી સૌ કોઈ હચમચી ગયું છે. ત્યારે બ્રિજ પર અકસ્માતમાં 9 લોકોએ જીવ ગુમાવ્યો ત્યાં ફરી ગણતરીના કલાકોમાં વધુ એક અકસ્માતની ઘટના બની છે. ઈસ્કોન બ્રિજ પર આજે સવારે ફરીથી અકસ્માત સર્જાયો હતો અને એક પછી એક એમ ચાર જેટલી કાર અથડાઈ હતી. જોકે અકસ્માતની આ ઘટનામાં સદનસીબે કોઈને ગંભીર ઈજાઓ પહોંચી નહોતી. તમામ ચાલકોને આબાદ બચાવ થયો હતો. ઘટનાની જાણ થતા જ ટ્રાફિક પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી.

બ્રિજ પર અકસ્માતની ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં એકસાથે લાઈનમાં ચાર કાર વચ્ચે ટક્કર બાદ નુકસાન થયેલું જોવા મળી રહ્યું છે. જ્યારે કારની બાજુમાં લોકો ઊભેલા દેખાય છે. અકસ્માતનો આ વીડિયો પણ ઈસ્કોન બ્રિજનો જ હોવાનું કહેવાઈ રહ્યું છે.

મોડી રાત્રે બ્રિજ પર અકસ્માત સર્જાયો હતો
શહેરના ઈસ્કોન બ્રિજ પર મોડી રાત્રે એક ભયંકર અકસ્માત સર્જાયો છે. જેમાં એક સાથે 9 લોકોના કમાકમાટીભર્યા મોત નિપજ્યા છે. મૃતકોમાં એક કોન્સ્ટેબલ, એક હોમગાર્ડ જવાન પણ શામેલ છે. રાજપથ ક્લબ તરફથી 160 કિમીની ઝડપે આવી રહેલી જગુઆર કારે ઊભેલા લોકોને અડફેટે લીધા હતા. જેના કારણે બ્રિજ પર ઊભેલા લોકો 25થી 30 ફૂટ સુધી દૂર ફંગોળાયા હતા.

કાર ચાલકને પણ ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયો
અકસ્માતની ઘટનામાં કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ સહિત 9 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 10થી વધુ લોકોને ઈજાઓ પહોંચી છે. તો કાર ચાલકને પણ ઈજા પહોંચી છે અને તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાલમાં કાર ચાલક વિરુદ્ધ અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને ઘટના પર કહ્યું કે, અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર ગત રાત્રે થયેલ અકસ્માત ખૂબ દુઃખદ છે. અકસ્માતમાં જીવ ગુમાવનાર મૃતકોના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂ. 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50,000 ની સહાય કરશે.

    follow whatsapp