ગાંધીનગર : હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ જોવા મળી રહી છે. અરબી સમુદ્રમાં ડીપ્રેશન સક્રિય થવાના કારણે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યના મોટા ભાગના તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ તેમજ સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
ADVERTISEMENT
ગુજરાતમાં જો કે 12 તારીખથી વરસાદનું જોર ઘટે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી હતી. પરંતુ અરબી સમુદ્રમાં ફરી એકવાર ડિપ્રેશન સિસ્ટમ શરૂ કરતા હવામાન વિભાગ દ્વારા નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આગામી 2 દિવસ સામાન્યથી ભારે વરસાદની શક્યતા છે. એટલે જે લોકો આજથી વરસાદ નહી પડે તેવું માનતા હોય તે લોકો ચેતી જાય કારણ કે હજી પણ 2 દિવસ સુધી વરસાદ આવશે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. 15 અને 16 મોટા ભાગે ગુજરાતમાં વાતાવરણ સ્વચ્છ રહેશે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન હોવાથી માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સુચના આપી દેવાઇ છે. આગાહી અનુસાર દરેક બંદર પર અલગ અલગ સિગ્નલો લગાવી દેવામાં આવ્યા છે. સ્થાનિક તંત્રને પણ આ અંગે સુચના આપી દેવામાં આવી છે. હાલ રાજ્યના બંદરો ઉપર 1 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે.
ગુજરાતમાં તમામ સ્થળો પર દરિયો ગાંડોતુર બન્યો છે. ઉંચા ઉંચા મોજા ઉછળી રહ્યા છે. ભારે પવન ફૂંકાવવાની સાથે ઊંચાં મોજાં પણ ઊછળી રહ્યાં છે. દરિયામાં ઊછળતાં મોજાંઓની સાથે 50 થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. અરબી સમુદ્રમાં ભારે કરંટથી અનેક બોટને નુકસાન પણ પહોંચ્યું છે. બોટો લાંગરી દેવાયા બાદ તોફાની દરિયાના કારણે બોટો આંતરિક રીતે અથડાતા નુકસાન પહોંચ્યું છે. દ્વારકામાં ગોમતીઘાટ સહિતના કિનારે અંદાજે 12 થી 15 ફૂટ ઉંચા મોજા ઉછળી રહ્યા છે. દીવ સહિત ગુજરાતના તમામ ફરવા લાયક દરિયા કિનારા પર દરિયો ગાંડોતુર બન્યો છે.
ADVERTISEMENT