હેતાલી શાહ.આણંદઃ આણંદમાં હજારો, લાખો નહીં પણ કરોડોના દારુ પર પોલીસનું બુલ્ડોઝર ચાલ્યું છે. ગુજરાતમાં દારુબંધી હોવા છતા મોટી સંખ્યામાં દારુ પીવાય છે અને તે માર્કેટને પહોંચી વળવા સતત ગુજરાતમાં દારુ ઠલવાય છે. આ પૈકીનો ઘણો દારુ પોલીસ પકડી લે છે અને બાદમાં કોર્ટ કાર્યવાહી પછી તેનો નાશ કરવામાં આવે છે. આ આવી જ રીતે આણંદમાં 2.87 કરોડના દારુ પર બુલ્ડોઝર ફેરવાઈ ગયું છે. નિશ્ચિત જ ગુજરાતમાં જે લોકો દારુના રસીયાઓ છે તે આટી માત્રામાં દારુની બોટલો અને બિયરને ફૂટતા જોઈ બે ઘડી અવાક બની જવાના, પણ આ તરફ દારુનો વિરોધ કરનારા આ અહેવાલથી નિશ્ચિત જ ખુશ થવાના છે.
ADVERTISEMENT
દારૂની નદી વહેતી દેખાઈ
એક તરફ ગુજરાતમાં દારૂ બંધી છે. તો બીજી તરફ ગુજરાતમા અધધ… દારૂની હેરાફેરી થઈ રહી છે. પોલીસ પણ આવા તત્વો સામે સકંજો કસી રહી છે. જેને લઈ માત્ર આણંદ જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં 2 કરોડ 87 લાખ 7 હજાર 691 રૂપીયાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બીયરની બોટલોનો નાશ કરવામા આવ્યો. આજે આણંદ જિલ્લાના બેડવા એક્સપ્રેસ હાઈવે નજીક બેડવા ઓવરબ્રીજ પાસે છેલ્લા એક વર્ષ દરમ્યાન ઝડપાયેલ દારૂના જથ્થાનો નાશ કરવાની કામગીરી હાથ ધરવામા આવી. આ કામગીરી આણંદ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટના હુકમથી તેમના અધ્યક્ષ સ્થાને તથા આણંદ નાયબ પોલીસ અધિકક્ષકના સુપરવિઝન હેઠળ કરવામા આવી. જેમા કુલ 186 ગુનામા કબ્જે કરાયેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની તથા બીયરની 1 લાખ 35 હજાર 688 બોટલો જેની કિંમત રૂપીયા 2 કરોડ 87 લાખ 7 હજાર 691 નો નાશ કરવામા આવ્યો. બુલડોઝર દ્વારા જ્યારે દારૂનો જથ્થો નાશ કરવામાં આવતો હતો ત્યારે જાણે દારૂની નદીઓ વહેતી હોય એવો માહોલ જોવા મળ્યો હતો.
Virat Kohliએ WTC Finalમાં આઉટ થયા પછી જે કર્યું લોકો થઈ ગયા લાલઘૂમ
આ તો પકડાયેલો દારુ, જે નથી પકડાયો એ કેટલો હશે?
ગુજરાતમાં બુટલેગરો બિન્દાસ દારૂની હેરાફેરી કરી રહ્યા છે. જેને લઈ ગુજરાતમાં દારૂબંધીના કાયદાના લીરેલીરા ઉડી રહ્યા છે. પોલીસ આવા તત્વો સામે લાલ આંખ કરી કાર્યવાહી તો કરે છે. છતાંય જાણે બુટલેગરોને પોલીસ કે કાયદાનો કોઈ ખોફ ના હોય એમ દારૂની હેરાફેરી કરી પોલીસને જ પડકાર આપી રહ્યા છે. ખાસ કરીને આણંદના વાસદ ટોલ નાકા પાસેથી અવાર નવાર પોલીસ દારૂની હેરાફેરી કરવા અવનવી તરકીબો અપનાવતા તત્વોને ઝડપી પાડે છે. છતાંય દારૂની હેરાફેરી બંધ થતી નથી. એવામાં આણંદ પોલીસ દ્વારા આણંદ જિલ્લા પોલીસ મથક હદ વિસ્તારમાં છેલ્લા એક વર્ષ દરમિયાન પકડાયેલા દારૂનો નાશ કરવાની કામગીરી આજે કરવામાં આવી. છેલ્લા એક વર્ષ દરમ્યાન પકડાયેલા દારૂની કિંમત સાંભળી તમે પણ ચોંકી જશો, કારણકે માત્ર આણંદ જિલ્લામાં જ પોલીસે પોણા 3 કરોડ ઉપરાંતનો દારૂ ઝડપ્યો છે.
મહત્વનું છે કે, આ તો માત્ર પોલીસે પકડેલો દારૂનો જથ્થો છે. જેનો નાશ કરાયો. પરંતુ જે દારૂનો જથ્થો પોલીસના હાથે નથી લાગ્યો તે કેટલા રૂપીયાનો હશે? તે સવાલ હાલ લોક મુખે ચર્ચાઈ રહ્યો છે.
ADVERTISEMENT