Anand kidney scam news: 8 વર્ષ પછી આણંદનું કિડની કૌભાંડ ફરી ચર્ચામાં, જુગાર અને વ્યાજખોરીનું ડરામણું સ્વરૂપ

Anand kidney scam news: આઠ વર્ષ પહેલાં આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના પંડોળી ગામમાંથી કિડની કૌભાંડનો પડદાફાશ થયો હતો. હવે આઠ વર્ષ બાદ આ કૌભાંડના જે…

gujarattak
follow google news

Anand kidney scam news: આઠ વર્ષ પહેલાં આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના પંડોળી ગામમાંથી કિડની કૌભાંડનો પડદાફાશ થયો હતો. હવે આઠ વર્ષ બાદ આ કૌભાંડના જે ભોગ બનનારા છે તે ચર્ચામાં આવ્યા, જેનું કારણ એક જુગારી છે. જી હા ગત સવારથી ખેડા જિલ્લાના મહુધામાંથી કિડની રેકેટનો પર્દાફાશ થયો હોવાની ઘટના ટોક ઓફ ધ ટાઉન બની હતી. ત્યારબાદ ખેડા ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસ કરતા સમગ્ર ઘટના પાછળનું રહસ્ય સામે આવ્યું છે. શુ છે સમગ્ર મામલો જોઈએ આ અહેવાલમાં..

જુગારનો શોખ પુરો કરવામાં થઈ હતી આ કહાની

ખેડા જિલ્લાના મહુધામાંથી એક એવી ઘટના બની જેમાં એક વ્યાજખોર પોતાના વ્યાજના પૈસા પરત ન મળે તો વ્યાજ લેનાર પાસેથી ગમે એ રીતે પૈસા પરત મેળવે છે અને તે પણ કિડની વેચાવીને. જેને લઇને કિડની વેચવાના કૌભાંડની આશંકાએ સમગ્ર ઘટનાએ જોર પકડ્યું હતું. અને ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની હતી. આ ઘટનામા વાત જાણે એમ છે કે, મહુધામાં રહેતા ગોપાલભાઈ જુગારના શોખીન છે. અવારનવાર તેઓ જુગાર રમતા હોય છે. અને જુગાર રમવામા તેમને વારંવાર દેવું થઈ જતું હોય છે. અને દેવુ ચૂકતે કરવા માટે પોતાના ઘરબાર પણ વેચી દે છે. ત્યારે ગોપાલભાઈને ફરી પૈસાની જરૂરિયાત ઊભી થઈ હતી. ત્યારે તે અશોકભાઈ પાસે જાય છે. એ જ અશોકભાઈ કે જેમણે આઠ વર્ષ પહેલાં જે આણંદ જિલ્લામાંથી કિડની કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. તેમાં પોતે પણ કિડની વેચી હતી. તેમની પાસે આ ગોપાલભાઈ જાય છે. અને તેમને કહે છે કે, મારે કિડની વેચીને પણ પૈસા ચૂકતે કરવા છે. કારણ કે દેવું થઈ ગયું છે. ત્યારે અશોકભાઈ કહે છે કે હવે આ બધું અશક્ય થઈ ગયું છે. પહેલાની જેમ કિડની વેચાતી નથી. અને હું કોઈના પણ સંપર્કમાં નથી. ત્યારે ગોપાલભાઈ આજીજી કરે છે, અને અશોકભાઈ તપાસ શરૂ કરે છે. થોડા દિવસ બાદ અશોકભાઈને કિડની વેચવા માટે કોઈ એક એજન્ટનો સંપર્ક થાય છે. અને બંને તે વ્યક્તિની જોડે વાતચીત કરે છે. વાતચીત બાદ ₹4,00,000 માં કિડની વેચવાનું નક્કી થાય છે. જોકે કિડની વેચતા પહેલા ગોપાલભાઈને અમુક ટેસ્ટ કરાવવાના હોય છે. જેની માટે તેઓ અમદાવાદ જાય છે. અને બધા ડોક્યુમેન્ટ્સ તૈયાર કરે છે. ત્યારબાદ તેઓ કલકત્તા જવા માટે નીકળી જાય છે. કારણ કે કલકત્તામાં ગોપાલભાઈને કિડની વેચવાની હોય છે. દરમિયાન કલકત્તામાં પણ કિડની વેચતા પહેલા ગોપાલભાઈના ટેસ્ટ કરવામાં આવે છે. ત્રણ મહિના કલકત્તામાં રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. દરમિયાન ગોપાલભાઈને પૈસાની જરૂરિયાત હતી. કારણ કે લેણદારોના પૈસા માંગવા માટે ફોન આવે છે. જેને લઈને તે અશોકભાઈ ને કહે છે કે, થોડા પૈસાની વ્યવસ્થા કરી આપે અને અશોકભાઈ કિડની જે લેવાના હોય છે, તેમને કહેતા તેઓ એક લાખ રૂપિયા google pay ના માધ્યમથી ગોપાલભાઈના અલગ અલગ એકાઉન્ટમાં ચૂકવી આપે છે.

એ રૂપિયામાંથી ગોપાલભાઈ જેની પાસેથી પૈસા લીધા હોય છે, તેમને પરત આપી દે છે. ત્યારબાદ ગોપાલભાઈને વિચાર આવે છે કે જે પૈસા આપવાના હતા એ તો ચૂકવાઇ ગયા. હવે કિડની વેચવાની જરૂર નથી. એટલા માટે તેઓ અશોકભાઈને સમજાવીને મહુધા ઘરે કામ હોય પરત જવું પડશે તેમ કહી મહુધા પરત આવી જાય છે. તે દરમિયાન ગોપાલભાઈએ અશોકભાઈ પાસેથી ₹20,000 ઉછીના લીધા હોય છે એ પણ એટલા માટે કારણ કે બે લાખ રૂપિયામાં જમીન ગોપાલભાઈને લેવાની હતી જેમાં ₹20,000 ખૂટતા હોય અશોકભાઈએ ઉછીના ₹20,000 આપ્યા હતા. થોડો સમય જતા અશોકભાઈએ પોતાના ₹20,000 પરત માંગતા ગોપાલભાઈએ પૈસાની વ્યવસ્થા નથી જેથી તે નહીં આપી શકે તેમ કહેતા અશોકભાઈએ તેમના ઘરે જઈ અપશબ્દો બોલ્યા હતા. જેને લઇને ગોપાલભાઈએ મહુધા પોલીસ મથકે અશોકભાઈ સામે લેખિતમાં વ્યાજે આપેલા પૈસા ચૂકવવા ધાકધમકી આપવાની તથા અપશબ્દો બોલવાની અરજી કરી હતી. પરંતુ ગોપાલભાઈને ખબર પડતાં કે અરજીથી અશોકભાઈ ને કંઈ ખાસ ફેર નહીં પડે. એટલે અશોકભાઈને ફસાવવા માટે ગોપાલભાઈએ બીજે દિવસે મહુધા પોલીસ મથકે બીજી અરજી કરી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, અશોકભાઈ પાસેથી તેમણે વ્યાજે પૈસા લીધા હતા. જે ન ચૂકવી શકતા તેમની કિડની વેચવા માટે પહેલા તેઓ દિલ્હી લઈ ગયા અને બાદમાં કલકત્તા ગયા. અને તેઓ મહા મહેનતે અશોકભાઈની તથા કિડની લેનારાઓની ચુન્ગાલમાંથી ભાગીને મહુધા આવી ગયા. એટલું જ નહીં ગામમાં રહેતા અન્ય 10 લોકો સાથે પણ અશોકભાઈએ આવી જ રીતનું કામ કર્યું છે. અને દસ લોકોની કિડની વેચી દીધી છે. કારણ કે તે લોકોએ અશોકભાઈના વ્યાજે લીધેલા પૈસા પરત નહોતા આપ્યા.

માનવ અંગોની તસ્કરીને લઈ ક્રાઈમ બ્રાન્ચ કરશે તપાસ

માનવ અંગોની તસ્કરીના આક્ષેપોને લઈને આ સમગ્ર ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી. અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે સમગ્ર ઘટનામાં અરજદાર ગોપાલભાઈ, જેમની પર આક્ષેપ કરાયો હતો તે અશોકભાઈ તથા અરજીમાં જે દસ લોકોના નામનો ઉલ્લેખ કરાયો હતો તે તમામને બોલાવી, તમામના કોલ રેકોર્ડિંગ ચેક કરી, સીડીઆર ચેક કરી તપાસ કરતા સામે આવ્યું કે, જે ગોપાલભાઈ છે તે ખોટું બોલી રહ્યા છે. પોતાને વ્યાજના પૈસા ન ચૂકવવા પડે તે માટે અશોકભાઈ ને ખોટા કેસમાં ફસાવી રહ્યા છે. અશોકભાઈ મહુધામાં ચા ની લારી ચલાવે છે. અને અશોકભાઈએ કોઈની સાથે વાત કરી નથી. એટલુ જ નહીં જે 10 લોકોના નામનો ઉલ્લેખ અરજીમાં કરવામાં આવ્યો હતો. એ તમામે પોલીસને જણાવ્યું કે, અમે તો 7-8 વર્ષ પહેલા કિડની અમારી મરજીથી વેચી હતી. બાદમાં ગોપાલભાઈને થયું કે હવે તેની પોલ ખુલી ગઈ છે, ત્યારે તેણે કબુલ્યું કે , આવું કશું થયું જ નથી. મને ધમકીઓ આપી હતી અશોકભાઈએ એટલે બદલો લેવા મેં આવી ફરિયાદ કરી હતી.

જોકે આ સમગ્ર ઘટનામાં પોલીસ હજી પણ તપાસ કરી રહી છે, કારણ કે જે વ્યકિત દ્વારા અશોકભાઈ અને ગોપાલભાઈ કલકત્તા પહોંચ્યા હતા. કિડની વેચવાની વાત થઈ હતી, તે વ્યકિત કોણ છે? શું તે કિડની વેચવાનું રેકેટ ચલાવી રહ્યો છે? તે તમામ અંગે હાલ ખેડા ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી છે. જો આ ઘટનામા ઉંડાણપૂર્વક તપાસ થશે તો કિડની કૌભાંડ પ્રકાશમાં આવે છે કે કેમ તે તપાસ બાદ સામે આવી શકે છે.

    follow whatsapp