આણંદ કલેક્ટરના કાંડ મામલે નહેરમાં ઉતરી પોલીસઃ જુઓ શું મળ્યું?

હેતાલી શાહ.આણંદઃ છેલ્લા કેટલાય સમયથી આણંદ જિલ્લામાં એક મુદ્દો ચર્ચાઈ રહ્યો છે, અને મુદ્દો છે આણંદ જિલ્લા કલેકટરનો અશ્લીલ વીડિયો વાયરલ થવાનો સાથે જ સસ્પેન્ડ…

gujarattak
follow google news

હેતાલી શાહ.આણંદઃ છેલ્લા કેટલાય સમયથી આણંદ જિલ્લામાં એક મુદ્દો ચર્ચાઈ રહ્યો છે, અને મુદ્દો છે આણંદ જિલ્લા કલેકટરનો અશ્લીલ વીડિયો વાયરલ થવાનો સાથે જ સસ્પેન્ડ થવાનો. તે મુદ્દે જે આરોપીઓ પકડાયા છે તે આરોપીઓ આણંદ જિલ્લા કલેકટર કચેરીમાં કલેકટરની સાથે જ કામ કરતા બે અધિકારીઓ અને અન્ય એક વકીલ સંડોવાયેલા છે. આ તમામ મુદ્દે આજે આણંદ એલસીબી પોલીસ નાયબ મામલતદાર જેડી પટેલને લઈને સંદેશર નહેર પહોંચી કે જ્યાં પોલીસ એક ખાસ પુરાવાની શોધમાં હતી અને નાળામાં ફેંકી દેવાયેલો એ ખાસ પુરાવો પણ પોલીસને મળી આવ્યો છે. જેમાં અશ્લીલ વીડિયોને લઈને અનેક પુરાવાઓ પણ હોઈ શકવાની સંભાવનાઓ જોવા મળી રહી છે. એટલું જ નહીં આરોપી જે ડી પટેલ પર હવે આય થી વધુ સંપત્તિનો કેસ થાય તો પણ નવાઈ નહીં લાગે. કારણ કે જે ડી પટેલ ક્લાસ થ્રી કર્મચારી છે. પરંતુ તેમનુ આલીશાન ઘર તેમના ઉપલી કમાણીનો પુરાવો પૂરો પાડી રહ્યું છે.

શું મળ્યું સંદેશર નહેરમાંથી

આણંદ જિલ્લાના સસ્પેન્ડેડ કલેકટર ડી એસ ગઢવી નો થોડા સમય પહેલા એક અશ્લીલ વીડિયો સરકાર સુધી પહોંચ્યો અને ત્યારબાદ તાત્કાલિક અસરથી તેમને સસ્પેન્ડ કરાયા અને સમગ્ર અશ્લીલ વીડિયો કાંડની તપાસ મહિલા અધિકારીઓની ટીમને સોંપવામાં આવી. એટલું જ નહીં ઘટનાની ગંભીરતાને જોતા ગુપ્ત રાહે આ ઘટનાની તપાસ અમદાવાદ એટીએસને પણ સોંપવામાં આવી હતી. જેમાં અમદાવાદ એટીએસના પીઆઈ જે.પી. રોજીયાએ આણંદ જિલ્લા કલેકટર કચેરીના રેસીડેન્ટ અધિક કલેક્ટર તરીકે તે વખતે ફરજ બજાવતા કેતકી વ્યાસ, નાયબ મામલતદાર જયેશ પટેલ તથા તેમના મિત્ર હરીશ ચાવડાને ઝડપી પાડ્યા. ત્યારબાદ તમામને સાથે રાખીને આ કૌભાંડ કેવી રીતે આચરવામાં આવ્યું તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. અને તેમાં પણ અનેક ખુલાસા થયા. જેમાં જે જગ્યાએ સીસીટીવી તથા spy કેમેરા બાળીને ફેંકવામાં આવ્યા હતા તે જગ્યાએથી અનેક પુરાવા પણ પોલીસે લીધા છે. સાથે જ જે ડી પટેલનું લેપટોપ અને સીપીયુ પણ પોલીસે જપ્ત કર્યું છે. પુરાવાનો નાશ કરવા તમામ વસ્તુઓ બાળી દેવામાં આવતા હવે આણંદ એલસીબીએ એફ.એસ.એલ ની મદદ લીધી છે. ત્યારે આજે આ ઘટનામાં જે ડી પટેલને સાથે રાખીને આણંદ એલસીબી પોલીસ સંદેશર નહેરમાં પહોંચી હતી. જ્યાં જે ડી પટેલે બાળેલી હાર્ડ ડિસ્ક નહેરમાં નાખી દીધી હતી. પુરાવાનો નાશ કરવા માટે નખાયેલી આ હાર્ડડિસ્ક હવે પોલીસે ફાયર વિભાગના તરવૈયાઓની મદદથી શોધી કાઢી છે. જેને લઈને હવે જે ડી પટેલ પર પણ શકંજો કસાઈ ગયો છે. એમાંય ખાસ કરીને વાત કરીએ તો જે ડી પટેલ કે જેઓ નાયબ મામલતદાર એટલે કે વર્ગ ત્રણ કર્મચારી છે. પરંતુ તેમના શોખ અને તેમની રહેણીકરણી તેમના આયથી વધુ સંપત્તિનો પુરાવો પૂરો પાડે છે. આણંદ એલસીબી પોલીસ જે ડી પટેલને સાથે રાખીને કરમસદમાં આવેલા શાલીગ્રામના મકાન નંબર 101માં પહોંચી કે જ્યાં જે ડી પટેલનું આલીશાન ઘર છે. પરંતુ આ ઘર તેમની પત્નીના નામે છે. પોલીસે તેમના ઘરે પણ અનેક પુરાવાઓ શોધવા માટે તપાસ હાથ ધરી. સવારે 10:30 વાગે પહોંચેલી પોલીસ પોણા અગિયાર વાગ્યા સુધી જે ડી પટેલ ના ઘરે તપાસ કરી હતી. આ ઘટનામાં મહત્વની બાબત એ છે કે જે એફ.આઈ.આર થઈ છે તેમાં મદદગારીમાં ગૌતમ ચૌધરીનું નામ છે. પરંતુ ક્યાંક સરકાર દ્વારા ગૌતમ ચૌધરીને સરકારી સાક્ષી બનાવવામાં આવ્યા હોય તે વાત સામે આવી રહી છે. ગૌતમ ચૌધરી કેતકી વ્યાસનો પીએ હતો. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટેટ કોર્ટમાં પોલીસ દ્વારા CRPC 164 મુજબ નિવેદન નોંધાવવા માટે અરજી કરાઈ છે. પરંતુ અરજી મામલે હજુ સુધી કોર્ટે કોઈ નિર્ણય લીધો નથી. કોર્ટ ગમે તે સમયે હિયરિંગ કરી ગૌતમ ચૌધરીને CRPC 164 મુજબના નિવેદન માટે બોલાવી શકે છે.

રશિયા-યુક્રેન યુદ્ધની સુરતમાં અસરઃ હીરા ઉદ્યોગમાં દોઢ વર્ષથી મંદી, કામના કલાકો ઘટ્યા અઠવાડિયામાં 2 દિવસ રજા

‘ડી એસ ગઢવી વગર કામે સર્કિટ હાઉસમાં બોલાવતા’

અમદાવાદ એટીએસ પીઆઈ જે પી રોજીયાએ આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે તે ફરિયાદ અનુસાર, ” તેમની ટીમે ખાનગી રાહે તપાસ કરાતા અગાઉ આણંદ જિલ્લાના કલેક્ટર કચેરીમાં રેસીડેન્ટ અધિક કલેક્ટર તરીકે ફરજ બજાવતા કેતકી વ્યાસ તથા નાયબ મામલતદાર જયેશ પટેલ અને તેમના મિત્ર હરીશ ચાવડા કે જેઓ આણંદ જિલ્લા કલેકટર કચેરી ખાતે રેવન્યુને લગતા કેસો લડે છે. તેઓ તમામની ભૂમિકા શંકાસ્પદ હોવાનું જણાઈ આવ્યું હતું. તેમજ તેમની વિગતવાર પૂછપરછ તથા નિવેદનો લેતા સામે આવ્યું કે, ઓક્ટોબર 2022થી આણંદ જિલ્લાના કલેક્ટર તરીકે ડી એસ ગઢવી ફરજ બજાવતા હતા. તેમજ તેઓની કચેરીમાં રેસીડેન્ટ અધિક કલેકટર તરીકે કેતકી વ્યાસ ફરજ બજાવતા હતા. તે દરમિયાન કલેકટર ડી એસ ગઢવી દ્વારા રેસીડેન્ટ અધિક કલેક્ટર કેતકી વ્યાસને તેમની સાથે બહાર ફરવા જવાનું તથા હોટલમાં જમવા જવાનું તથા હું તમારા ઘરે મળવા આવું, તેમ અવાર નવાર કહીને તેમજ વગર કામે આણંદ સર્કિટ હાઉસમાં બોલાવતા હોવા બાબતોની જાણ કેતકી વ્યાસે આજ થી છ સાત મહિના પહેલા પોતાની કચેરીમાં ફરજ બજાવતા પોતાના પી એ ગૌતમ ચૌધરી તથા નાયબ મામલતદાર જયેશ પટેલને કરી હતી. આ બાબતે કંઈક કરવું પડશે તેમ જણાવ્યું હતું. ત્યારબાદ આજથી ચાર મહિના અગાઉ રેસીડેન્ટ અધિક કલેક્ટર કેતકી વ્યાસે બપોરના બે વાગ્યે કલેક્ટર કચેરીમાં ચીટનીશ તરીકે ફરજ બજાવતા જયેશ પટેલને બોલાવીને જણાવ્યું હતું કે, કલેક્ટર ગઢવી સાહેબ તેઓને અવારનવાર ખોટી રીતે હેરાન કરે છે જેથી તેઓની ઓફિસમાં ગુપ્ત કેમેરા ગોઠવીને કોઈ છોકરીને મોકલીને તેઓને પ્રેમ જાળમાં ફસાવી તેનો વીડિયો રેકોર્ડિંગ કરી તે વીડિયો કલેકટર સાહેબને બતાવી તેઓને આ વીડિયો રેકોર્ડિંગ ન્યુઝ ચેનલોમાં તથા અન્ય જગ્યાએ વાયરલ કરાવવાની અને રેપનો કેસ દાખલ કરાવવાની ધમકીઓ આપી તેઓ પાસેથી વિવાદાસ્પદ જમીનોના કેસોની ફાઈલો ક્લિયર કરાવીએ. જે તે પાર્ટી પાસેથી ઘણી મોટી રકમ લઈ સરખે ભાગે વહેંચી લેશે અને જો કલેક્ટર ગઢવી સાહેબ જમીનોના કેસોની ફાઈલો ક્લીયર ન કરે તો તેઓના વીડિયોને વાયરલ કરાવવાથી તેઓની અન્ય સ્થળે બદલી થઇ જશે. તેવો પ્લાન કર્યો અને આ કામ માટે કેમેરા તથા કોઈ છોકરીને તૈયાર કરવા તેઓની કચેરીના નાયબ મામલતદાર જયેશ પટેલને જણાવ્યું હતું. ત્યારે તેઓએ પોતાના મોબાઈલ ફોનમાં google માં સર્ચ કરી સ્પાઈ કેમેરા શોધ્યા અને તે કેમેરા મંગાવી કલેકટરની ઓફિસમાં ગુપ્ત રીતે રાખી તેઓનું વીડિયો રેકોર્ડિંગ કરવાનું નક્કી કર્યું હતું.

છોકરીને 5000 એક સિટિંગના આપવાનું નક્કી કર્યું અને…

ત્યારબાદ દસ દિવસ પછી નાયબ મામલતદાર જયેશ પટેલે તેમની ઓફિસના કોમ્પ્યુટરમાં google પર ઓનલાઇન સર્ચ કરી તેઓના મિત્ર હરીશ ચાવડા અને તેઓના ઓળખીતા ગણેશ દુગ્ધાલયના સરનામે ત્રણ સ્પાઈ કેમેરા મંગાવ્યા અને આ બાબતે હરીશ ચાવડાને જાણ કરી તેને પણ કાવતરામાં સામેલ કર્યો હતો. ત્યારબાદ બીજા દિવસે હરીશ ચાવડા ત્રણ કેમેરાનું google pay તથા રોકડથી પેમેન્ટ કરી આ પાર્સલ છોડાવી લઈને કલેક્ટર કચેરીએ જઈ નાયબ મામલતદાર જયેશ પટેલને આપ્યો હતો. ત્યારબાદ તે કેમેરા તેમણે કેતકી વ્યાસને બતાવતા, તેઓએ પોતાના પીએ ગૌતમ મારફતે સ્પાય કેમેરાનું ટેસ્ટિંગ કરાવ્યું. ત્યારબાદ કેતકી વ્યાસની સૂચનાથી કલેકટરની ઓફિસમાં એક મહિલાને મોકલવા માટે કલેક્ટર કચેરીના જયેશ પટેલે તપાસ કરી તેમના મિત્ર હરેશ ચાવડા મારફતે એક છોકરીને કલેકટરની ઓફિસમાં જવા માટે તૈયાર કરી અને તેણે એક સીટિંગના 5000 રૂપિયા તથા એક જમીનની ફાઈલ ક્લિયર કરાવવાના ₹25,000 આપવાનું નક્કી કર્યું. તે બાબતે જયેશ પટેલે કેતકી વ્યાસને જાણ કરી અને જયેશ પટેલે બીજા દિવસે પોતાના કલેક્ટરની ઓફિસમાં સવારના 10:00 વાગે જઈ એક સ્પાઈ કેમેરો કલેક્ટરની ખુરશીની જમણી તરફ દીવાલમાં આવેલા ઇલેક્ટ્રીક સ્વીચ બોર્ડના પ્લગમાં લગાવ્યો અને બીજો કેમેરો એન્ટી ચેમ્બરમાં આવેલા ઇલેક્ટ્રીક સ્વીચ બોર્ડના પ્લગમાં લગાવ્યો. ત્યારબાદ તે જ દિવસે બપોરના એકાદ વાગે હરીશ ચાવડા પોતાની એકટીવા પર એક યુવતીને બેસાડી કલેકટર કમ્પાઉન્ડમાં ઉતારી તેને જમીન મેટરની બે ફાઈલના કાગળ આપી કલેકટરની ઓફિસમાં મોકલી અને થોડા સમયમાં યુવતી પરત આવી અને કલેક્ટરે પોતાનો મોબાઈલ નંબર તેને આપ્યો હોવાનું તેને જણાવ્યું. ત્યારબાદ થોડા દિવસ પછી જયેશ પટેલ કલેક્ટર ઓફિસમાં ગોઠવેલા સ્પાય કેમેરા લઈ કેતકીની ઓફિસમાં ગયા અને કેતકી તથા તેમના પી.એ ગૌતમની હાજરીમાં તેઓના કોમ્પ્યુટરમાં ચેક કરતા કલેક્ટર પોતાની ઓફિસમાં યુવતીનો હાથ પકડી તેઓની એન્ટી ચેમ્બરમાં લઈ જતા દેખાયા. જે સ્પાઈ કેમેરાની ફૂટેજ કેતકીના કહેવાથી તેમના પીએ ગૌતમએ તેમની પેન ડ્રાઈવમાં કોપી કરી, જયેશ પટેલને આપી. તેમજ કલેકટરની એન્ટી ચેમ્બરમાં આવેલી ઇલેક્ટ્રિક સ્વીચ બોર્ડ બંધ હાલતમાં હોય તેમાં લગાડેલો સ્પાય કેમેરો બંધ હાલતમાં હતો.

ત્યારબાદ દસ દિવસ પછી કેતકી વ્યાસની સૂચનાથી ફરીથી નાયબ મામલતદાર જયેશ પટેલે સવારના 10:30 વાગ્યે કલેકટરની ઓફિસમાં ગયા. તેમની ખુરશીની જમણી તરફના ઇલેક્ટ્રીક સ્વીચ બોર્ડના પ્લગમાં એક સ્પાઈ કેમેરો ગોઠવ્યો અને ત્યારબાદ સાત એક દિવસ પછી તે spy કેમેરો કાઢી જયેશ પટેલે તેમની ઓફિસમાં લઈ ગયા અને કેતકી વ્યાસ તથા તેમના પી.એ ગૌતમની હાજરીમાં પોતાની ઓફિસના લેપટોપમાં ચેક કરતા ડી એસ ગઢવી તેઓની ઓફિસમાં કોઈ મહિલા સાથે ગંદી હરકતો કરતા દેખાયા. જે સ્પાઈ કેમેરાની ફૂટેજ કેતકીના કહેવાથી તેમના પી.એ ગૌતમએ પેન ડ્રાઈવમાં કોપી કરી નાયબ મામલતદાર જયેશ પટેલને આપી હતી. તે દરમિયાન નાયબ મામલતદાર જયેશ પટેલ તથા તેમના મિત્ર હરીશ ચાવડાની સૂચના મુજબ એક યુવતીએ 15 દિવસમાં કલેક્ટર ગઢવી સાથે ખૂબ જ ગાઢ સંબંધો કેળવી લીધા હતા અને એકબીજા સાથે મોબાઈલ ફોન ઉપર પણ ચેટ કરતા હતા. જે ચેટ યુવતીએ હરીશને સ્ક્રીનશોટ પાડીને મોકલી દીધી હતી. નાયબ મામલતદાર જયેશ પટેલે હરીશના ફોનમાંથી તેનો ફોટો પાડી લીધા હતા. તે દરમિયાન નાયબ મામલતદાર જયેશ પટેલ તથા કેતકી અને હરીશ ચાવડાએ ભેગા મળી ખડોલ ઉમેટા ગામની જમીનની બે ફાઈલો તથા કરમસદની જમીનની ત્રણ ફાઈલો કલેકટર પાસે ક્લિયર કરાવવા યુવતીને આપી હતી. પરંતુ કલેક્ટરે તે ફાઈલો ક્લિયર કરી નહીં. જેથી જયેશ પટેલ તથા કેતકી અને હરીશ ચાવડાએ યુવતીને ચારથી પાંચ વખત કલેકટર ગઢવીની ઓફિસમાં મોકલી હતી. જે પેટે દરેક મિટિંગના 5000 લેખે હરીશ ચાવડા મારફતે આપવામાં આવ્યા હતા. આ મીટીંગ દરમિયાન કલેક્ટર ગઢવી દ્વારા યુવતી સાથે શારીરિક સંબંધ પણ બંધાયો હતો. દરમ્યાન કેતકી વ્યાસ તથા હરીશ ચાવડા અને જયેશ પટેલે ભેગા મળી એકબીજા સાથે વાતચીત કરી, એકબીજાની સહમતિથી જયેશ પટેલે કલેક્ટરને ધમકી આપવા તેઓની ઓફિસમાં મોકલી આપી. જયેશ પટેલે કલેકટરે યુવતી સાથે કરેલી ગંદી હરકતોની કોપી લીધી, પેન ડ્રાઈવમાંથી છોકરી સિવાયની અન્ય એક મહિલા સાથે કલેક્ટર ગઢવી ગંદી હરકત કરતા હતા. તે ફૂટેજની પેન ડ્રાઈવમાં કોપી કરી અને પાંચ આસમાની રંગના કવરમાં એક એક પેન ડ્રાઈવ મૂકી અને તેની સાથે ગૌતમ એ કોમ્પ્યુટર ઉપર કેતકી વ્યાસના લખાવ્યા મુજબ કલેકટર ડી એસ ગઢવી વિરુદ્ધ નનામો પત્ર લખાયો અને તે પત્રની એક એક કોપી દરેક કવરમાં પેન ડ્રાઈવ સાથે મૂકી અને તમામ કવરો ઉપર અલગ અલગ ટીવી ચેનલોના નામ લખી હરીશ ને નડિયાદ મોકલી પોસ્ટ કરાવ્યા હતા. જે તમામ વીડિયો ફૂટેજ અમુક ન્યુઝ ચેનલમાં પ્રસારી પણ થયા હતા.”

મહત્વનું છે કે, આ ઘટનામા ટેકનીકલ સપોર્ટ પૂરો પાડનાર ગૌતમ ચાવડા સામે હાલ કોઈ ફરિયાદ નોંધાઈ નથી. કારણ કે પોલીસે તેને સરકારી સાક્ષી બનાવ્યો હોવાનું સામે આવ્યું છે. જે અંતર્ગત પોલીસ દ્વારા CRPC 164 મુજબ નિવેદન નોંધાવવા માટે અરજી કરાઈ છે. પરંતુ અરજી મામલે હજુ સુધી કોર્ટે કોઈ નિર્ણય લીધો નથી.. કોર્ટ ગમે તે સમયે હિયરિંગ કરી ગૌતમ ચૌધરીને CRPC 164 મુજબના નિવેદન માટે બોલાવી શકે છે. ત્યારબાદ આ હની ટ્રેપ કાંડના તાર ક્યા સુધી પહોંચે છે તે જોવું રહ્યું. પરંતુ અત્યાર સુધી કેતકી વ્યાસ તથા જે ડી પટેલે કરેલા અનેક કૌભાંડ પણ સામે આવી શકે તો નવાઇ નહીં.

    follow whatsapp