Anand: તથ્ય કાંડ જેમ 7 લોકોને કચડનાર જેનીશ પટેલ જેલ હવાલે, દારૂના નશામાં કારથી 3 બાઈક ઉડાવ્યા હતા

Yogesh Gajjar

• 05:13 AM • 07 Feb 2024

આણંદના નાવલી ગામમાં દારૂના નશામાં કાર હંકારતા જેનીશ પટેલે 3 બાઈકને અડફેટે લીધા હતા. અકસ્માતમાં બાઈક પર સવારે 7 લોકોને ઈજા પહોંચી હતી, જેમાંથી 4ના…

Jenish Patel Photo

Jenish Patel Photo

follow google news
  • આણંદના નાવલી ગામમાં દારૂના નશામાં કાર હંકારતા જેનીશ પટેલે 3 બાઈકને અડફેટે લીધા હતા.
  • અકસ્માતમાં બાઈક પર સવારે 7 લોકોને ઈજા પહોંચી હતી, જેમાંથી 4ના મોત થઈ ગયા હતા.
  • પોલીસે આરોપીની ધરપકડ બાદ રિમાન્ડ પૂરા થતા આણંદની સબ જેલમાં ધકેલી દીધો.

Anand Accident News Update: આણંદમાં નાવલી ગામ નજીક અમદાવાદના તથ્ય કાંડની ઘટના જેવી વધુ એક ઘટના બની હતી. જેમાં રાત્રે દારૂ પીને પૂરપાટ કાર હંકારતા યુવકે 3 બાઈકને અડફેટે લીધા હતા. જેમાં 4 લોકોના મોત થઈ ગયા અને અન્ય 3 ઈજાગ્રસ્ત થઈ ગયા. અકસ્માત સર્જનર જેનીશ પટેલને ઝડપીને પોલીસે 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પૂરા થતા જેનીશ પટેલને કોર્ટમાં રજૂ કરીને કોર્ટના આદેશ મુજબ આણંદની સબજેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. જેનીશ પટેલ વિરુદ્ઘ માનવવધ અને પ્રોહિબિશનની પણ કલમો ઉમેરવામાં આવી છે.

આ પણ વાંચો

શું હતી સમગ્ર ઘટના?

નાપાડ ગામનો જેનીશ પટેલ લંડન અભ્યાસ કરવા જવાનો હોવાથી આ પહેલા મિત્રો સાથે પાર્ટી કરી હતી અને બાદમાં દારૂના નશામાં પોતાની કાર લઈને નાવલી ગામ નજીક 3 બાઈકને ટક્કર મારીને અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં 4 લોકોના કરુણ મોત નિપજ્યા હતા, તો 3 લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે વાહનોના ફુરચા ફુરચા વળી ગયા હતા. કારનો પણ કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

પરિજનોએ ઘટનાને દબાવવાનો કર્યો પ્રયાસ

અકસ્માત બાદ રોડ પર રાહદારીઓના ટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. જે બાદ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જનાર જેનીશ પટેલને લંડન જવાનું હોવાથી પરિવારને તેને બચાવવા માટે એવી અફવા ફેલાવી હતી કે અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર થઈ ગયો છે.

હોસ્પિટલમાંથી પકડાયો નબીરો

જોકે પોલીસને કારની તપાસમાં એરબેગ પર લોહીના ડાઘ મળી આવ્યા હતા. એવામાં કાર ચાલક પણ ઈજાગ્રસ્ત થયો હોવાનું માનીને આણંદની જુદી જુદી હોસ્પિટલોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં આણંદની આયરીસ હોસ્પિટલમાં અકસ્માત સર્જનાર જેનીશ પટેલ મળી આવતા પોલીસે હોસ્પિટલમાં જાપ્તો ગોઠવી દીધો હતો અને તેના ડિસ્ચાર્જ કરાયા બાદ ધરપકડ કરી લીધી હતી.

લંડન જતા પહેલા મિત્રો સાથે કરી પાર્ટી

ખાસ છે કે આરોપી જેનીશ પટેલના પિતા નાપાડ ગામના સહકારી આગેવાન છે અને દૂધ મંડળીમાં ડિરેક્ટર પદે કાર્યરત છે. જેનીશ પટેલ 2 વર્ષ પહેલા સ્ટુડન્ટ વિઝા પર લંડન ગયો હતો અને થોડા દિવસ પહેલા જ પરત ફર્યો હતો. તે ફરીથી લંડન જવાનો હોઈ આ અગાઉ મિત્રો સાથે દારૂની મહેફિલ માણવા ગયો હતો અને બાદમાં નશામાં જ પોતાની કાર લઈને પોતાના ગામમાં પરત જઈ રહ્યો હતો, આ દરમિયાન તેણે અકસ્માત સર્જ્યો હતો.

(ઈનપુટ: હેતાલી શાહ, આણંદ)

    follow whatsapp