તંત્રની બેદરકારીથી એક વૃદ્ધનો જીવ જાત, ગળામાં આરપાર ઝાડની ડાળખી અને જીવસટોસટની લડાઇ

હેતાલી શાહ/નડિયાદ : રામ રાખે તેને કોણ ચાખે આવી જ એક ઘટના આજે ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના જાવોલ નવાપુરા રસ્તા પર બની કે જ્યાં એક…

gujarattak
follow google news

હેતાલી શાહ/નડિયાદ : રામ રાખે તેને કોણ ચાખે આવી જ એક ઘટના આજે ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના જાવોલ નવાપુરા રસ્તા પર બની કે જ્યાં એક 45 વર્ષીય પુરુષ પોતાનું બાઈક લઈને જઈ રહ્યા હતા. દરમિયાન બાઇક સ્લીપ થઈ જતા રસ્તા પર પડ્યા અને ઝાડની ડાળખી ગળામાં ઘૂસી ગઈ હતી. જો કે તાત્કાલિક સારવાર મળી જતા તેમનો જીવ બચી ગયો હતો. જો કે સ્થાનિકોનો આક્ષેપ છે કે, એક દિવસ પહેલા આવેલા તોફાની વરસાદમાં આ ઝાડ પડી ગયું હતુ પરંતુ સ્થાનિક તંત્ર દ્વારા આ ઝાડને ખસેડવાનું યોગ્ય લાગ્યું નહોતું.

રમણભાઇ પડ્યાં અને ઝાડની ડાળખી ગળામાં ઘુસી
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર, નડિયાદ તાલુકાના જાવોલમાં રહેતા 45 વર્ષીય રમણભાઈ નાથાભાઈ સોલંકી તેમના નાના પુત્રને શાળાએ મૂકીને પરત આવી રહ્યા હતા. દરમિયાન જાવોલ નવાપુરા રસ્તા પર એકાએક બાઈક સ્લીપ થયું હતું. જ્યાં બાઈક સ્લીપ થતા રસ્તા પર પડેલા ઝાડની ડાળી તેમના ગળામાં ખુચી ગઇ હતી. ઝાડની ડાળખી 5 થી 6 ઈંચ જેટલી અંદર ઘૂસી ગઈ હતી. જેથી તત્કાલ તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. લોહી લુહાણ હાલતમાં જોઇને ડોક્ટર્સ પણ થોડા સમય માટે મુંઝવણમાં મુકાયા હતા.

નડિયાદની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
રમણભાઈને રેસ્ક્યુ કરી નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, પરંતુ તેમની હાલત વધુ નાજુક જણાતા રમણભાઈને નડિયાદની એક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાજર ડોક્ટરોની ટીમે તાત્કાલિક સર્જરી કરી રમણભાઈનો જીવ બચાવી લીધો છે. તેમનું ઓપરેશન સફળ રહ્યું છે. હાલ તેઓની સ્થિતિ પણ સ્થિર છે. મહત્વનું છે કે, હોસ્પિટલ પ્રશાસન દ્વારા રમણભાઈના ઓપરેશનનો ખર્ચો પણ માફ કરી દેવામાં આવ્યો છે. હોસ્પિટલ પ્રસાશનના જણાવ્યા અનુસાર રમણભાઈ પાસે આયુષ્યમાન કાર્ડ હશે તો કોઈ વાંધો જ નથી, પરંતુ જો ન પણ હોય તો હોસ્પિટલ તમામ ખર્ચ ઉઠાવશે.

હાલ દર્દીની સારવાર એકદમ ખતરાથી બહાર
ઓપરેશન બાદ ભાનમાં આવ્યા પછી રમણભાઈએ જણાવ્યું કે સવારે તેઓ પાંચ વાગ્યે બાઈક લઈને જઈ રહ્યા હતા. દરમિયાન અંધારાને કારણે રસ્તા પર પડેલું ઝાડ દેખાયું નહીં અને તેઓ ઝાડ સાથે અથડાઈ ગયા હતા. જેને લઈને ડાળખી સીધી તેમના ગળાના ભાગે ઘૂસી ગઈ હતી.

ખુબ જ ગુંચવણભર્યું ઓપરેશન પાર પાડવામાં આવ્યું
નડિયાદ સિવિલ હોસ્પિટલમાંથી ડોક્ટર મુકેશભાઈ કે જે સિવિલ હોસ્પિટલમાં ઇએનટી સર્જન છે, તેમનો ફોન આવ્યો હતો. અને તેમણે જણાવ્યું હતું કે એક પેનેટરીટી નેક ઇન્જરીનુ પેશન્ટ આવ્યું છે. એમાં લોહીની નસોની અંદર લાકડું જતું રહ્યું હોય તેવું લાગી રહ્યું છે અને ડાબો હાથ ઠંડો પડી ગયો છે. ડાબા હાથની કોઈ મુવમેન્ટ નથી. જ્યાં વાગ્યું છે ત્યાંથી લોહી સતત વહી રહ્યું છે. તેથી તાત્કાલિક પેશન્ટને ત્યાં લાવવા માંગીએ છે. જેથી જેવું પેશન્ટ આવ્યું અને તરત જ સર્જરી શરૂ કરવામાં આવી. ઓપરેશન શરૂ કર્યું ત્યારે ખબર પડી કે ડાબી બાજુ જે મગજની નસ છે એ અને ડાબી બાજુના હાથની નસ છે એને આરપાર લાકડું આખું જતું રહ્યું હતું અને સખત બ્લીડિંગ થઈ રહ્યું હતું.

કૃત્રિમ નસ નાખીને વૃદ્ધનું જીવન બચાવી લેવાયું
જેને લઈને લાકડું એકદમ ચીવટ પૂર્વક બહાર કાઢ્યું. ત્યારબાદ જે નસો ફાટી ગઈ હતી તે નસોને રીપેર કરી હતી. કૃત્રિમ નસ વડે બાયપાસ મૂક્યું અને એ રીતે દર્દીનો હાથ, દર્દીનો મગજ અને તેનો જીવ બચાવી લીધો છે અને હાલ દર્દીની સ્થિતિ સ્થિર છે. દર્દીના સગા પાસે અમે એક પણ પૈસો ભરાવ્યો નથી. દર્દીના સગાને પણ અમે જણાવ્યું હતું કે, દર્દીનો જીવ બચાવવો અમારી પ્રાથમિકતા છે. તમે પૈસા નહીં ભરો તો પણ તમારા દર્દીનો જીવ અમે બચાવીશું. પરંતુ દર્દી ભાનમાં આવ્યા બાદ દર્દીનું આયુષ્માન કાર્ડ મળી આવ્યું હતું. જેને હોસ્પિટલ પ્રશાસન દ્વારા મંજૂરી માટે મૂકવામાં આવ્યું છે. જો મંજૂરી નહીં મળે તો પણ હોસ્પિટલ પ્રશાસન તમામ સારવારનો ખર્ચો માફ કરી દેશે. મહા ગુજરાત હોસ્પિટલમાં અધ્યતન સારવાર અને અત્યંત ટેકનોલોજી હાલ ઉપલબ્ધ છે જેને લઈને આ પ્રકારની સર્જરી તુરંત જ થઈ શકે છે. જેથી કરીને અનેકોના જીવ બચાવી શકવામાં સફળતા મળી રહી છે.

    follow whatsapp