અમરેલી: અમરેલી જિલ્લામાં ગુજરાતની આન બાન અને શાન ગણાતા સિંહોએ વર્ષોથી પોતાનો રહેણાંક બનાવ્યો છે. ત્યારે અમરેલીની રેલવે લાઇન સિંહો માટે અનેક વખત જોખમી પુરવાર બની ચુકી છે. ત્યારે વધુ એક વખત રેલવેએ સિંહનો ભોગ લીધો હોવાની ઘટના સામે આવી છે. ગઇકાલે રાત્રે સાવરકુંડલામાં જીરા સ્ટેશન ફાટક નંબર 50 પર 4 માસનું સિંહબાળનું ટ્રેનની અડફેટે ચડતા મોત થયું છે.
ADVERTISEMENT
અમરેલી જિલ્લામાં સિંહો જંગલ બાદ લોકોની વસાહતો તરફ જોવા મળી રહે છે. ત્યારે માનવ વસાહતમાં સિંહોના નેક વ્યકત આંટા ફર્યા જોવા મળે છે. આ દરમિયાન સિંહો હવે માનવ વસાહત તરફ આગળ વધતાં તેમના જીવ જોખમમાં મુકાવા લાગ્યા છે. આજે ભાવનગર મહુવા પેસેન્જર ટ્રેઈન હડફેટે વધુ એક સિંહબાળનું મોત થયુ હોવાની ઘટના સામે આવી છે. 3 સિંહબાળ સાથે માતા સિંહણ રેલવે ટ્રેક પર આવી જતા 1 સિંહબાળનું મોત થયું છે. જ્યારે 2 સિંહબાળ અને માતા સિંહણનો બચાવ થયો છે.
વન વિભાગ ઘટના સ્થળે
4 માસનું સિંહબાળ કપાઈ જતાં પેસેન્જર ટ્રેન રોકી દેવામાં આવી હતી. બીજી તરફ સિંહ બાળ કપાઈ જતા સિંહણ રેલ ટ્રેક આસપાસ રઘવાઈ બની હતી. ત્યારે ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ સાથે આર.પી.એફ. ઘટના સ્થળે પહોંચ્યા હતા. અમરેલી જિલ્લામાં ગત 21 તારીખના રાજુલા પીપાવાવ પોર્ટ રેલવે ટ્રેક ઉપર 4 સિંહો ટ્રેક પર આવી જતા ગુડ્સ ટ્રેનની હડફેટે 1 સિંહનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે અન્ય એક સિંહ ઘાયલ થયો અન્ય 2 સિંહો બચી ગયા ગયા હતા. ત્યારબાદ ઘાયલ સિંહનું સારવાર દરમ્યાન મોત થયું હતું. ત્યારે આજે ફરી એક વખત ટ્રેનની અડફેટે સિંહનું મોત થયું છે.
આ પહેલા પણ સિંહો આવી ચૂક્યા હતા રેલવે ટ્રેક પાસે
ગત 26 જુલાઇના સાવરકુંડલાના ગાધકડા રેલવે ટ્રેક પર સિંહ આવી ગયાની માહિતી પ્રાપ્ત થતા જ ટ્રેકર ડાયાભાઈ અને મેરુભાઈ તાત્કાલિક રેલ્વે ટ્રેક આગળ ગોઠવાઈ ગયાને વન વિભાગના અધિકારી સહિત આખો સ્ટાફ ગાધકડા રેલ્વે ટ્રેક પર પહોચ્યો હતો અને માલગાડી ટ્રેન આવતા વનવિભાગે ટ્રેન ઊભી રખાવી દીધી હતી અને સિંહને રેલવે ટ્રેક પરથી દૂર ખસેડ્યા હતા. બાદમાં માલગાડી ટ્રેન રવાના કરી . એટલું જ નહીં સિંહોને રવાના કર્યા બાદ પણ સતત આ રેલવે ટ્રેક પર સિંહોનો કોરિડોર હોવાથી વનવિભાગ આખી રાત ખડેપગે રહ્યો હતો.
(વિથ ઈનપુટ: હિરેન રવૈયા, અમરેલી)
ADVERTISEMENT