Amreli News: ગુજરાતમાંથી એક બાદ એક નકલી વસ્તુઓ પકડાઈ રહી છે. ખાણી-પીણીની નકલી વસ્તુઓ ગ્રાહકોને વેચીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા લેભાગુ તત્વોને જાણે કાયદોનો પણ ડર ન હોય તેમ ક્યારેક નકલી જીરું તો ક્યારેક નકલી પનીર સહિત અન્ય વસ્તુઓ પકડાઈ રહી છે. આ વચ્ચે અમરેલીમાં હવે નકલી ઘી બનાવવાની આખી ફેક્ટરી મળી આવી છે. પોલીસની ટીમે દરોડા પાડીને નકલી ઘી બનાવવાનું નેટવર્ક ઝડપી લીધું છે.
ADVERTISEMENT
વોટર પ્લાન્ટના નામે નકલી ઘીની ફેક્ટરી ચાલતી
વિગતો મુજબ, અમરેલી જિલ્લાના લીલીયાના પીપળવા ગામે નકલી ઘીની ફેક્ટરી ચાલી રહી હોવાની બાતમી પોલીસને મળી હતી. જેના આધારે પોલીસની ટીમે પીપળવા ગામે અમૃત મિનરલ વોટરના નામે પાણીના પ્લાન્ટની આડમાં ચાલતી ફેક્ટરી પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન ફેક્ટરીમાંથી મોટા પ્રમાણમાં નકલી ઘીનો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી.
ફૂડ વિભાગે ઘીના સેમ્પલ લીધા
નકલી ઘીની ફેક્ટરીમાં મોડી રાતથી સવાર સુધી નકલી ઘીના જથ્થાની ગણતરી શરૂ કરી હતી. બીજી તરફ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે પણ ઘીના સેમ્પલ લીધા હતા. ઘીના પેકેટ પર રાજુલા શહેરનું એડ્રેસ છે એવામાં નકલી ઘીનું કનેક્શન રાજુલા પણ પહોંચી શકે છે. આરોપીઓ દ્વારા ભેળસેળ વાળું ઘી સસ્તામાં બનાવીને ઊંચી કિંમતે તેને વેચીને પૈસા માટે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવામાં આવે છે.
ડીસામાં પણ મળી હતી નકલી ઘીની શંકાસ્પદ ફેક્ટરી
આ પહેલા ગઈકાલે બનાસકાંઠાના ડીસા GIDCમાં પણ શંકાસ્પદ ઘી બનાવતી 2 ફેક્ટરી પર ફૂડ વિભાગની રેડ પડી હતી. જેમાં શંકાસ્પદ ઘી અને વનસ્પતિ ઘી સહિત આઠ નમૂના લેવાયા હતા. ફૂડ વિભાગે 9.50 લાખનું 3200 કિલો ઘી જપ્ત કર્યું હતું. છેલ્લા ત્રણ માસમાં ઘી બનાવતી ડીસા જીઆઇડીસીની ચાર ફેક્ટરીઓમાં ફૂડ વિભાગની રેડ પડી હતી.
ADVERTISEMENT