અમરેલીઃ અમરેલીના લીલીયા ગામે એક કરુણાતિકા સર્જાઈ ગઈ છે. અહીં એક જુવાનજોધ આશાસ્પદ વ્યક્તિનં હાર્ટ એટેકના કારણે મૃત્યુ થતા તેના પરિવારજનો તો આઘાતમાં હતા જ પરંતુ આ આઘાત તેની પત્ની પણ સહન કરી શકી ન હતી. પતિના મૃત્યુના સમાચાર મળતા જ પત્ની સ્તબ્ધ થઈ ગઈ હતી. તેણે આઘાતમાં ગળેફાંસો ખાઈ લીધો હતો. આ ઘટનામાં બંનેની અર્થી સાથે જ નીકળી હતી. બંનેની લાશો સાથે નીકળતા ગામમાં પણ એક અલગ જ પ્રકારની ગમગીની જોવા મળી હતી.
ADVERTISEMENT
કડીની ચકચારી 52 લાખની લૂંટનો ભેદ ઉકેલાયોઃ ગોવામાં મજા કરવા લવરમુછીયાઓએ કર્યું આ કામ
છ મહિના પહેલા જ કર્યા હતા પ્રેમ લગ્ન
અમરેલીના લીલીયા ગામમાં ધવલ રાઠોડે છ મહિના પહેલા જ પ્રિંસી રાઠોડ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. હજુ તો તેઓ પોતાના લગ્ન જીવનમાં પાપાપગલી ભરી રહ્યા હતા. પ્રેમ સંબંધ પછી લગ્ન જીવનને માણવાનો સમય શરૂ થયો હતો ત્યાં તો તેમના માટે જાણે ઈશ્વરે કોઈ જુદા જ લેખ લખ્યા હોય તેમ પરિવારમાં ગમગીનીનો માહોલ ઊભો થયો હતો. અમરેલીના લીલીયા ગામે રહેતા આ પરિવારને જાણે કાળની નજર લાગી હોય તેમ જુવાનજોધ ધવલ રાઠોડનું હાર્ટ એટેક આવતા મૃત્યુ થયું હતું.
પતિનું મોત સહન ના થયું
પતિ ધવલ રાઠોડના હાર્ટ એટેકથી મૃત્યુના સમાચાર પ્રિંસીના કાને પડતા જ તે સ્તબ્ધ થઈ ગઈ હતી. પ્રેમ સંબંધોમાં સાથે વિતાવેલા સમય અને હજુ તો સુખી લગ્ન જીવનના ભાવી સપનાઓ જોતી પ્રિંસી આ વાતને જાણે સાચી માનવા તૈયાર ન હતી. પ્રિંસીને પતિના અવસાનનો એટલો આઘાત લાગ્યો હતો કે તેણે આ આયખુ ધવલ વગર ન જીવવાનું નક્કી કરી લીધું અને પોતે પોતાનું જીવન ટુંકાવી લેવા ફાંસો ખાઈ લઈને દુનિયા છોડી દીધી હતી. પરિવાર માટે એક તરફ ધવલનું મૃત્યુ અને બીજી તરફ તેની પત્ની પ્રિંસીનો આપઘાત બેવડી વજ્રઘાત બની ગયો હતો. પોલીસે પ્રિંસીનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો. બંનેની અર્થી સાથે જ કાઢવામાં આવી હતી. તે સમયે પરિવારનો આક્રંદ પણ વાતાવરણમાં કંપારી છોડાવી દેનારો હતો. એટલું જ નહીં જ્યારે તેમના મૃતદેહો સાથે અંતિમયાત્રા પર કાઢવામાં આવ્યા હતા ત્યારે ગામમાં પણ એક અજીબ પ્રકારની ગમગીનીનું વાતાવરણ જોવા મળ્યું હતું.
(ઈનપુટઃ હિરેન રાવિયા, અમરેલી)
ADVERTISEMENT