Amreli News: અમરેલીના ધારીમાં ભાજપના મહિલા સદસ્યએ તાલુકા પંચાયતની કચેરીમાં જ ફિનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી હતી. આ સમયે મહિલા સદસ્યની સાથે કચેરીમાં જિલ્લા પ્રમુખ, તાલુકા વિકાસ અધિકારી અને પોલીસ પણ હાજર હતા. સાથે જ તેમણે જિલ્લા પ્રમુખ પર ગંભીર આક્ષેપ લગાવ્યા હતા.
ADVERTISEMENT
ન્યાય સમિતિના ચેરમેન ન બનતા ફિનાઈલ પીધું
વિગતો મુજબ, અમરેલી જિલ્લાના ધારી તાલુકા પંચાયતમાં ન્યાય સમિતિના ચેરમેનને ફરીથી રિપીટ કરવામાં આવતા દાવેદાર મહિલા સદસ્યએ ફિનાઈલ ગટગટાવી લીધું હતું. સાથે જ તેમણે આક્ષેપ કર્યો હતો કે, સી.આર પાટીલે હોદ્દેદારોને રિપીટ નહીં કરવાનું કહ્યું હોવા છતાં ધારી તાલુકા પંચાયતની ન્યાય સમિતીના પ્રમુખને રિપીટ કરાયા. ભાજપના મહિલા સદસ્યએ જિલ્લા પ્રમુખ પર લાગવગ લગાવ્યાનો આક્ષેપ કર્યો હતો અને પોતાને હોદ્દો ન મળતા ફિનાઈલ ગટગટાવી લીધું.
સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
ખાસ છે કે ભાજપના મહિલા સદસ્યએ તાલુકા પંચાયતની કચેરીમાં ફિનાઈલ પીધું તે સમયે ત્યાં પોલીસ, જિલ્લા પ્રમુખ અને તાલુકા વિકાસ અધિકારી પણ હાજર હતી. જોકે તેમણે આપઘાતનો પ્રયાસ કરતા કચેરીમાં દોડાદોડ મચી ગઈ હતી. હાલમાં તેમને પહેલા તાત્કાલિક ધારી અને બાદમાં અમરેલીમાં રિફર કરવામાં આવ્યા છે.
(ઈનપુટ: હિરેન રવિયા, અમરેલી)
ADVERTISEMENT