સાવરકુંડલામાં યુવકની અંતિમક્રિયાના દિવસો બાદ પોલીસે કેમ બહાર કઢાવ્યો યુવકનો મૃતદેહ?

હિરેન રવિયા/અમરેલી: તાજેતરમાં જ કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને અમરેલીમાં દલિત વ્યક્તિના મોત મામલે પોલીસની બેદરકારીના આક્ષેપો કર્યા હતા. જે બાદ અમરેલી…

gujarattak
follow google news

હિરેન રવિયા/અમરેલી: તાજેતરમાં જ કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને અમરેલીમાં દલિત વ્યક્તિના મોત મામલે પોલીસની બેદરકારીના આક્ષેપો કર્યા હતા. જે બાદ અમરેલી પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું હતું અને મૃતક દલિત યુવકના પરિજનોને મળીને યુવકની દફનવિધિ થઈ ગયા બાદ મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

શું હતો સમગ્ર મામલો?

હકીકતમાં ગત 21 જુલાઈના રોજ સાવરકુંડલાના બગોયા ગામની સીમમાંથી અરવિંદ પરમાર નામના યુવકની લાશ મળી આવી હતી. જોકે આ મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો હતો. યુવકના મોત બાદ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઈરલ થયો હતો. જેમાં અરવિંદ પરમાર પોતાના જીવને જોખમ હોવાનું કહે છે અને હત્યા થવાની આશંકા દર્શાવે છે. જે બાદ જીગ્નેશ મેવાણીએ આક્ષેપ કર્યો હતો કે, અમરેલીના સાવરકુંડલામાં અરવિંદ પરમાર નામના યુવકે પોતાની અગાઉથી હત્યા થઈ શકે તેમ જણાવ્યું હતું છતાં તેને પોલીસ પ્રોટેક્શન આપવામાં ન આવ્યું. આગોતરી જાણ હોવા છતાં પગલા ન ભરવા બદલ અમરેલીના SPને સસ્પેન્ડ કરવામાં આવે અને તેમની વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવે.

જીગ્નેશ મેવાણીના આક્ષેપો બાદ એક્શનમાં આવેલી પોલીસે આ મામલે તપાસના આદેશ આપ્યા હતા. જે બાદ પ્રાંત કલેક્ટર, સમાજ કલ્યાણ અધિકારી, મામલતદાર, DySPની હાજરીમાં મૃતકના શબને ફરીથી બહાર કાઢવામાં આવ્યું હતું અને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યું હતું. જેથી હત્યાનું સાચું કારણ જાણી શકાય. પ્રાંત કલેકટરની આગેવાનીમાં DYSP હરેશ વોરા દ્વારા સમગ્ર મામલે જીણવટ ભરી તપાસ હાથ ધરાઇ છે.

વાઈરલ વીડિયો મામલે મૃતકના ભાઈ ગુણવંત પરમારે જણાવ્યું હતું કે, મારા ભાઈની આ ઘટના બની છે, અમે તેને દવાખાને લઈ ગયા હતા. અમે અમારી જાતે જ પોલીસને નિવેદન આપીને લેતા આવ્યા હતા. જે વીડિયો બનાવ્યો છે તે 2 વર્ષ પહેલાના હતા.2 વર્ષ પહેલા ગામમાં ચૂંટણી હતી ત્યારે વીડિયો બનાવ્યો હતો અત્યાર હાલનો વીડિયો નથી.

તો સાવરકુંડલાના પ્રાંત કલેક્ટર ધારાબેન ભલાલાએ જણાવ્યું હતું કે,જોકે વીડિયો વાઈરલ થતા હત્યાની શંકાના આક્ષેપો થતા આજે પંચોની હાજરીમાં મૃતદેહ બહાર કઢાવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. મૃતકના પરિજનોને હજી પણ કોઈ ફરિયાદ નથી. તો બીજી તરફ પોલીસનું પણ કહેવું છે કે, પરિવારને સમજાવવા છતા તે પોસ્ટમોર્ટમ માટે તૈયાર નહોતો અને મૃતદેહને ઘરે લઈ જઈને તેની દફન વિધિ કરી હતી.

    follow whatsapp