Amreli News: ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ થતો હોવાના સરકારી દાવા થઈ રહ્યા છે. જોકે, તેમ છતાં હજુ પણ રાજ્યમાં પોલીસના હાથે દરરોજ લાખો રૂપિયાનો દારૂ ઝડપાય છે. પોલીસનું કડક પેટ્રોલિંગ હોવા છતાં બુટલેગરો બેફામ બની રાજ્યમાં દારૂ ઘુસાડવા માટે અવનવા કીમિયાઓ અજમાવતા હોય છે, પરંતુ ગુજરાત પોલીસની સર્તકતાના કારણે બુટલેગરોના કીમિયા ફ્લોપ જઈ રહ્યા છે. ત્યારે આવો જ એક બનાવ ઉનાના નવાબંદર દરીયાઈ વિસ્તારમાંથી સામે આવ્યો છે.
ક્રાઈમ બ્રાન્ચને મળી હતી બાતમી
કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાંથી બોટમાં ભરી દરિયાઈ માર્ગ મારફતે અમરેલીના જાફરાબાદ ખાતે વિદેશી દારૂ મોટી માત્રામાં લઈ જવાતો હોવાની જિલ્લા ક્રાઈમ બ્રાન્ચના પોલીસ સબ ઈન્સ્પેક્ટર વી.કે ઝાલા, પ્રવીણ મોરી, પ્રફુલ વાઢેર, રાજુ ગઢીયા, સંદીપ ઝણકાટ સહિતનાઓને બાતમી મળતા બોટ દ્વારા દરિયામાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
દરિયામાં સર્જાયા ફિલ્મી દ્રશ્યો
આ દરમિયાન નવાબંદરના દરિયામાં ત્રણ નોટિકલ માઈલ દૂર જીરી નામની બોટ નંબર (GJ32MO7628) પાસે જિલ્લા ક્રાઈમ બ્રાન્ચ ટીમ પહોંચતા દરિયામાં બુટલેગર અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. ભારે જહેમત બાદ આ બોટને ટીમે અટકાવી હતી. જે બાદ બોટમાં તપાસ કરવામાં આવતા બોટમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
7 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
જે બાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે કુલ 7 લાખ 61 હજાર 700નો મુદ્દામાલ ઝડપી પાડી ઇસ્માઈલ અબ્દુલ્લા પટેલિયા (રહે.ધામળેજ, તા.સુત્રાપાડા હાલ નવાબંદર), મયુર લક્ષ્મીચંદ કાપડિયા (રહે નવાબંદર, તા. ઉના), ભરત લાખાભાઈ સોલંકી (રહે.નવાબંદર, તા.ઉના), મહેશ ઉર્ફે મુન્નો લાખાભાઈ રાઠોડ (રહે.ખત્રીવાડા, તા.ઉના)ને ઝડપી પાડી જિલ્લા ક્રાઈમ બ્રાન્ચ ટીમે નવાબંદર પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.