અમદાવાદ: અમદાવાદમાં ભ્રષ્ટાચારના કારણે ચર્ચામાં રહેલા હાટકેશ્વર બ્રિજને લઈને AMC દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં વિજિલન્સની ચાર્જશીટમાં હવે ખુદ AMCના અધિકારીની પોલ ખુલી જતા કાર્યવાહી કરવામાં આવી છે. મહાનગરપાલિકાના અધિકારી અને હાટકેશ્વર બ્રિજ પ્રોજેક્ટના આસિસ્ટન્ટ ઈજનેર મનોજ સોલંકીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
ADVERTISEMENT
વિજિલન્સની ચાર્જશીટમાં AMCના અધિકારીનું નામ
વિજિલન્સની ચાર્જશીટમાં થયેલા ખુલાસા મુજબ, મનોજ સોલંકી પર બ્રિજના બાંધકામ દરમિયાન યોગ્ય દેખરેખ ન રાખવાનો આરોપ લાગ્યો છે. જેના કારણે કોર્પોરેશનને કરોડો રૂપિયાનું નુકસાન થયું. ચાર્જશીટ મુજબ બ્રિજ નિર્માણ માટે સિમેન્ટની આવક તો દર્શાવાઈ હતી, પરંતુ તેનો ઓરિજનર કે ઝેરોક્ષ બિલ રજૂ કરવામાં આવ્યા નહોતા. સાથે જ બ્રિજના ટેસ્ટિંગમાં બ્રિજ બનાવવા માટે જેટલી સિમેન્ટનો ઉપયોગ કરાયો છે, તેટલી સેમ્પમાં મળી નહોતી.
સતત નોટિસ ફટકારવા છતાં નહોતો આપતો જવાબ
ચાર્જશીટ મુજબ, મ્યુનિ. વિજિલન્સ વિભાગે ગંભીર બેદરકારી બદલ મનોજ સોલંકીને સતત નોટિસ ફટકારી હતી, જોકે તેઓ પોતાનું બચાવનામું રજૂ કરી શક્યા નહોતા. આથી આખરે તેમને સસ્પેન્ડ કરવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી.
40 કરોડનો બ્રિજ 5 વર્ષમાં નકામો થઈ ગયો
નોંધનીય છે કે, હાટકેશ્વર બ્રિજને રૂ. 40 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. 2017માં તૈયાર કરાયેલો આ બ્રિજ 50 વર્ષ સુધી ચાલે દેવા દાવા કરાયા હતા, પરંતુ બ્રિજ બન્યાના 5 વર્ષમાં અત્યાર સુધી 3થી વધુ વખત રીપેરિંગ માટે બંધ કરવો પડ્યો હતો. જે બાદ બ્રિજનો વચ્ચેનો ભાગ જ નમી જતા ટેકો મૂકવો પડ્યો હતો. આખરે સમગ્ર બ્રિજનો ઉપરનો ભાગ હલકી ગુણવત્તાથી બન્યો હોવાના કારણે તોડવામાં આવશે તેમ નક્કી કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT