અમદાવાદ: અમદાવાદમાં આજે IPLની ફાઈનલ મેચ રમાવાની છે. રવિવારે પડેલા ભારે વરસાદ બાદ મેચને રદ કરી દેવામાં આવી હતી અને આજના રિઝર્વ ડેમાં તેને રમાડવાનો નિર્ણય કરવમાં આવ્યો હતો. ત્યારે હવે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ મુજબ મેચમાં વરસાદનું વિધ્ન નડી શકે છે. હવામાન વિભાગ મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આજે પણ IPLની મેચમાં વરસાદ પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ દરમિયાન 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
ADVERTISEMENT
આજે વરસાદને લઈને શું આગાહી કરવામાં આવી?
અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આજે પણ IPLની ફાઈનલ મેચ વરસાદમાં ધોવાઈ જશે. તો અમદાવાદમાં મોસમ વૈજ્ઞાનિક વિજીત લાલ મુજબ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર આજે અને કાલે રહેશે. આગાહી મુજબ, અમદાવાદમાં સાંજથી રાત સુધીના સમયમાં જ ભારે પવન સાથે વાવાઝોડાની આગાહી છે અને વીજળીના કડાકા-ભડાકા પણ થઈ શકે છે. આ અસર આજે અને આવતીકાલ સુધી રહેશે. આ બાદ વાતાવરણ સૂકું રહેશે.
રવિવારે વરસાદના કારણે મેચ રિઝર્વ-ડેમાં ગઈ હતી
નોંધનીય છે કે, ગઈકાલે રવિવારે વરસાદના કારણે પાંચ વખતની વિજેતા ચેન્નાઈ સુપર કિંગ્સ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સની મેચ આજે શિફ્ટ કરાઈ હતી. IPLના 15 વર્ષના ઈતિહાસમાં આ પ્રથમ વખત બન્યું છે કે જ્યારે કોઈ ફાઈનલ મેચ રિઝર્વ-ડેમાં ગઈ હોય. આઈપીએલની છેલ્લી 15 સિઝનમાં રમાયેલી ફાઈનલ મેચો નિર્ધારિત દિવસે જ પૂર્ણ થઈ હતી અને તે તમામ મેચોમાં વરસાદ કે અન્ય કારણોસર કોઈ અડચણ આવી ન હતી. આજે, રિઝર્વ-ડેમાં આ અંતિમ મેચ ભારતીય સમયાનુસાર સાંજે 7.30 વાગ્યે શરૂ થશે, જ્યારે ટોસનો સમય સાંજે 7 વાગ્યે રહેશે. જો રિઝર્વ-ડેમાં એક પણ બોલ ફેંકવામાં નહીં આવે, તો ગુજરાત ટાઇટન્સની ટીમ ચેમ્પિયન બની જશે કારણ કે તે પોઇન્ટ ટેબલમાં ટોચ પર છે.
ADVERTISEMENT