Ambaji Temple Prashad: અંબાજી મંદિરમાં પ્રસાદ બનાવવા માટે મોહનથાળમાં વપરાતું ઘી ભેળસેળવાળું હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે. નકલી ઘી પ્રસાદમાં વપરાતા આ મામલે ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મંદિર પ્રશાસન દ્વારા આ બાદ મોહિની કેટરર્સનો કોન્ટ્રાક્ટ રિન્યૂ કરવામાં આવ્યો નથી અને હાલ પ્રસાદ બનાવવાની કામગીરી મંદિર હસ્તક લઈ લેવામાં આવી છે.
ADVERTISEMENT
મંદિર દ્વારા પ્રસાદ બનાવવાનું કામ કોને અપાયું?
શક્તિપીઠ અંબાજીમાં મોહનથાળ બનાવવામાં વપરાતું નકલી ઘી સામે આવ્યા બાદ મોહિની કેટરર્સનો કોન્ટ્રાક્ટ રિન્યૂ કરાયો નથી. બીજી તરફ મંદિરમાં આવતા ભક્તો માટે પ્રસાદ ખૂટે નહીં તે માટે અંબાજી મંદિર દ્વારા જાતે જ આ કામગીરી શરૂ કરવામાં આવી છે. મંદિરે મોહનથાળનો પ્રસાદ બનાવવાની કામગીરી પોતાના હસ્તક લીધી છે. 50 જેટલી બહેનો પ્રસાદ બનાવવાના કામમાં જોડાઈ છે. ખાસ છે કે ભાદરવી મેળા બાદ નવો પ્રસાદ બનાવાયો નથી તથા આ માટે નવું ટેન્ડર પણ બહાર પડાયું નથી.
અમદાવાદમાંથી ઘી ખરીદવામા આવ્યું હતું
અમદાવાદના માધુપુરામાં આવેલા નીલકંઠ ટ્રેડર્સ પાસેથી મોહિની કેટરર્સ દ્વારા અમુલ ઘીના 300 ડબ્બાની ખરીદી કરવામાં આવી હતી. આમાંથી 120 ઘીના ડબ્બાનો ઉપયોગ મોહનથાળનો પ્રસાદ બનાવવામાં થઈ ગયો હતો. જ્યારે 180 જેટલા ડબ્બા વપરાય તે પહેલા જ તેને સીલ કરીને મૂકી દેવાયા હતા.
કેવી રીતે ગઈ ઘી નકલી હોવાની શંકા?
અહેવાલ મુજબ, પાલનપુરમાં ફૂડ વિભાગમાં ફરજ બજાવતા ફૂડ ઈન્સ્પેક્ટર પ્રિયંકા આર. ચૌધરી અને એલ. એન ફોક મેળા પૂર્વે અંબાજીમાં સેમ્પલ લેવાની રૂટીન કામગીરીમાં ગયા હતા. જેમાં તેમની નજર અમૂલના બ્રાન્ડવાળા લેબલ પર પડી. જે ડબ્બા પર ઈન્કજેટથી પ્રિન્ટિંગ કરેલી નહોતી. શંકા જતા તેમણે ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન દોર્યું. તો 28મી ઓગસ્ટના રોજ 8 લાખની કિંમતનું નકલી ઘી જપ્ત કરવામાં આવ્યું હતું.
મોહિની કેટરર્સના મેનેજર સહિત 6 સામે ફરિયાદ
ખાસ છે કે, 28 ઓગસ્ટે જ ઘીના નમૂના લેવામાં આવ્યા હતા અને નકલી ઘીનો જથ્થો સીઝ કરી દેવામાં આવ્યો હતો. જે બાદ નમૂનાના રિપોર્ટમાં ઘી નકલી અને ભેળસેળ યુક્ત હોવાનું જણાઈ આવ્યું હતું. હવે સમગ્ર મામલે મોહિની કેટરર્સના મેનેજર સહિત 6 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
(ઈનપુટ: શક્તિસિંહ રાજપૂત, અંબાજી)
ADVERTISEMENT