Ambaji Temple News: અંબાજીમાં પ્રસાદ બનાવવાનું કામ જે નવી એજન્સીને સોંપાયું તેને અગાઉ થઈ ચૂક્યો છે દંડ

Ambaji Temple Latest News: મંદિરમાં અપાતો મોહનથાળના પ્રસાદમાં વપરાતા ઘીને લઈને વિવાદ સામે આવ્યો છે. મંદિર ટ્રસ્ટ દ્વારા જે મોહિની કેટરર્સને પ્રસાદ બનાવવાનો કોન્ટ્રાક્ટ અપાયો…

gujarattak
follow google news

Ambaji Temple Latest News: મંદિરમાં અપાતો મોહનથાળના પ્રસાદમાં વપરાતા ઘીને લઈને વિવાદ સામે આવ્યો છે. મંદિર ટ્રસ્ટ દ્વારા જે મોહિની કેટરર્સને પ્રસાદ બનાવવાનો કોન્ટ્રાક્ટ અપાયો હતો, તેની પાસેથી અમૂલના સ્ટીકર સાથે નકલી ઘીનો જથ્થો ઝડપાયો હતો. જે બાદ તેને કોન્ટ્રાક્ટ રિન્યૂ કરાયો નથી. મંદિર ટ્રસ્ટ દ્વારા ગઈકાલે જ મોહનથાળ બનાવવાનો કોન્ટ્રાક્ટ 6 મહિના માટે ટચ સ્ટોન ફાઉન્ડેશનને આપવામાં આવ્યો હતો. જોકે હવે આ ટચ સ્ટોન કંપની અગાઉ પણ વિવાદમાં સપડાઈ ચૂકી છે.

અગાઉ ટચ સ્ટોનને મળ્યું હતું પ્રસાદ બનાવવાનું કામ

અંબાજી મંદિરમાં ટચ સ્ટોન ફાઉન્ડેશન આ પહેલા 2012થી 2017 સુધી મોહનથાળ બનાવવાની કામગીરી કરતું હતું. જોકે તેણે મોહનથાળ બનાવવામાં દૂધની જગ્યાએ દૂધનો પાઉડર વાપર્યો હોવાથી જે તે સમયે તેને રૂ.60 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. પૂર્વ નાયબ મામલતદાર દ્વારા આ આક્ષેપો કરવામાં આવ્યા હતા જેનો બનાસકાંઠાના જિલ્લા કલેક્ટરે સ્વીકાર કર્યો છે.

દૂધની જગ્યાએ પાઉડર વાપરતા થયો હતો દંડ

બનાસકાંઠાના જિલ્લા કલેક્ટર વરુણ બરનવાલે જણાવ્યું કે, ભક્તોની આસ્થા સાથે ખીલવાડ કરતા મોહિની કેટરર્સના પોણા ત્રણ કરોડ રૂપિયાની રકમ અમે અટકાવી રાખી છે. ટચ સ્ટોન ફાઉન્ડેશન એમડીએમનું કામ તેમજ ઘણા બધા શહેરમાં કામ કરે છે તેની ખૂબ જ રેપ્યુટશન પણ છે. 2012 થી 2017 સુધી તેણે મોહનથાળ બનાવવાનું કામ કર્યું હતું. જ્યારે વધારે ભીડ હતી તે સમયે તેણે દૂધની જગ્યાએ પાઉડર મોહનથાળ બનાવવામાં વાપર્યો હતો, જે મામલે એને 60 હજારનો દંડ કરાયો હતો. આ સિવાય તેને જેટલો સમય કામ કર્યું તે દરમિયાન તેના સામે એવો બીજો કોઈ કિસ્સો બન્યો નથી.

કલેક્ટરે કહ્યું- ભક્તોના હિતમાં નિર્ણય લેવાયો

તેમણે ઉમેર્યું કે, પહેલા કરતા અત્યારે અમારી સિસ્ટમ વધારે મજબૂત છે એટલે સારી ગુણવત્તાનો પ્રસાદ ભક્તોને આપવા માટે પગલાં લેવાયા છે. જે લોકોએ આક્ષેપ કરવા હોય તેઓ કોઈપણ એજન્સીને કામ આપશું તો પણ આક્ષેપ કરશે. પૂર્વ નાયબ મામલતદાર મુકેશ પટેલે જે આક્ષેપ કર્યા તેનો અમે સ્વીકાર કરીયે છીએ અને અમે દંડ ફટકાર્યો હતો. તે સમયે પ્રસાદની વધારે માંગ હતી ત્યારે પ્રસાદની સેલ્ફ લાઈફ વધારવા ટચ સ્ટોન ફાઉન્ડેશને દૂધની જગ્યાએ પાઉડર વાપર્યો હતો અને એની મંજૂરી લીધી ન હતી જેથી તેને દંડ ફટકાર્યો હતો. અમે જે પણ નિર્ણયો લઈ રહ્યા છીએ એ ભક્તો અને મંદિરના હિતમાં લઈ રહ્યા છીએ.

(ઈનપુટ: શક્તિસિંહ રાજપૂત, અંબાજી)

 

    follow whatsapp