શક્તિસિંહ રાજપૂત/ અંબાજી: શક્તિપીઠ અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરવાની માઈભક્તોની માગં સ્વીકારી લેવામાં આવી છે. મંદિર ટ્રસ્ટ સાથે સરકારની બેઠક બાદ આ અંગે જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે ગઈકાલે રાતથી જ મંદિરની ગાદીમાં મોહનથાળ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આજે સવારે પણ મોહનથાળ બનાવવાની કામગીરી શરૂ છે અને બપોરે માતાજીને પ્રસાદ ધરાવ્યા બાદ તે ભક્તોને અપાશે.
ADVERTISEMENT
રાતથી જ મંદિરમાં મોહનથાળ બનાવવાનું શરૂ
અંબાજી મંદિરની ગાદી દ્વારા ગઈકાલે રાત્રે જ 1 ઘોણમાં 110 કિલો મોહનથાળ બનાવવામાં આવ્યો હતો. ભટ્ટજી મહારાજના જણાવ્યા મુજબ બપોરે માતાજીને ભોગ ધરાવ્યા બાદ ભક્તોને મોહન થાળનો પ્રસાદ ગાદી ઉપરથી મળશે. અંબાજીમાં મોહનથાળ શરૂ કરવામાં આવતા હિન્દુ રક્ષા સમિતિ દ્વારા અને ગ્રામજનો દ્વારા ખુશી મનાવવામાં આવી હતી. ખાસ બાબત છે કે, અંબાજી મંદિરની ગાદીમાં વર્ષોથી મોહનથાળ લાકડા ઉપર જ બને છે, આ માટે ગેસનો ઉપયોગ કરવામાં આવતો નથી. આ માટે બનાસ ડેરીનું ઘી, અમુલ દૂધ, ખાંડ અને બેસણનું મિશ્રણ કરી વર્ષોથી મોહનથાળ બનાવવામાં આવે છે.
મંદિરમાં ચિક્કી અને મોહનથાળ બંને પ્રસાદ મળશે
મંદિર ટ્રસ્ટ સાથે બેઠક બાદ સરકારે જાહેરાત કરી છે કે મંદિરમાં મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરાશે. આ સાથે ચિક્કીનો પ્રસાદ પણ ચાલું રહેશે. મંદિરના વહીવટદારો સાથે સરકારની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સાથે જ મોહનથાળની ક્વોલિટી સુધારવા પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
ADVERTISEMENT