અમદાવાદ: રાજ્યમાં ખાતરને લઈ અનેક સમસ્યા છે તેવી વાત વહેતી થઈ હતી ત્યારે આ મામલે રાજયના ખેતી નિયામક એ જણાવ્યું છે કે, રવી ઋતુમાં ખેડૂતોને સમયસર અને પૂરતુ ખાતર મળે તે માટે આયોજન કરાયું છે. રાજ્યમાં ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે એટલે ખેડૂતોએ સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી. આથી ખેડૂતો એ જરૂરીયાત મુજબ જ ખાતર ખરીદવા તથા સંગ્રહખોરી ન કરવા અનુરોધ કરવામાં આવે છે.
ADVERTISEMENT
સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે
રાજ્યમાં મુખ્ય ખાતર તરીકે યુરિયા, ડી.એ.પી. અને એન. પી.કે.નો ઉપયોગ કરવામાં આવે છે. ખેડૂતોને વ્યાજબી ભાવે ખાતર મળી રહે તે માટે ભારત સરકાર દ્વારા ખાતર પર માતબર રકમની સબસીડી આપવામાં આવે છે.
સારા વરસાદના કારણે વધુ વાવેતર
ચાલુ વર્ષે રાજ્યમાં સારો વરસાદ થવાથી રવી ઋતુમાં વાવેતરમાં પણ વધારો થયેલ છે. ખેતી માટે ખાતર મુખ્ય જરૂરીયાત હોઇ, રવી ઋતુમાં ખેડૂતોને સમયસર અને પૂરતુ ખાતર મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે.
સરકારે મંજૂર કર્યો ખાતરનો જથ્થો
ભારત સરકાર દ્વારા રવી/ઉનાળુ ઋતુ માટે યુરિયા 12.50 લાખ મે.ટન, ડી.એ.પી. 2.50 લાખ મે.ટન, એન.પી.કે. 2.85 લાખ મે.ટન તથા એમ.ઓ.પી. 60 હજાર મે.ટન જથ્થો રાજ્ય માટે મંજૂર કર્યો છે.
જરૂરિયાત કરતાં વધુ ખાતર ઉપલબ્ધ
રવી ઋતુમાં ડિસેમ્બર માસ સુધીની યુરિયાની 7.50 લાખ મે.ટન જરૂરિયાત સામે 8.71 લાખ મે.ટન, ડી.એ.પી.1.80 લાખ મે.ટન સામે2.49 લાખ મે.ટન, એન.પી.કે. 1.87 લાખ મે.ટન સામે 2.66 લાખ મે.ટન તથા એમ. ઓ.પી. 46 હજાર મે. ટન સામે 50 હજાર મે. ટન અત્યાર સુધીમાં ઉપલબ્ધ છે. આમ, ડિસેમ્બર માસ સુધીની કુલ જરૂરિયાત કરતાં વધુ ખાતર ઉપલબ્ધ કરાવેલ છે.
પૂરતો સ્ટોક
કૃષિ નિયામકે કહ્યું કે, તાજેતરમાં કેટલાક પ્રચાર માધ્યમમાં રાસાયણિક ખાતરની અછત અંગેના અહેવાલ પ્રસિદ્ધ થયેલ છે, તે અન્વયે જણાવવાનું કે રાજ્યમાં હાલમાં રાસાયણિક ખાતરનો પૂરતો સ્ટોક ઉપલ્બ્ધ છે. રાજ્યમાં હાલમાં 1.98 લાખ મે.ટન યુરિયા, 43 હજાર મે.ટન ડી.એ.પી., 97 હજાર મે.ટન એન.પી.કે. તથા 25 હજાર મે.ટન એમ.ઓ.પી.નો જથ્થો ઉપલ્બ્ધ છે.
કરી આ અપીલ
કૃષિ નિયામકે કહ્યું કે, રાજ્યમાં ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોઇ ખેડૂતોને વણજોઈતી સંગ્રહખોરી ન કરવા અપીલ છે તેમજ ખાતરની અછત અંગેની ચિંતા કરવાની જરૂર નથી. ખાતર અંગેની કોઇ ફરિયાદ હોય તો ખેડૂતોએ જિલ્લા કક્ષાએ નાયબ ખેતી નિયામક અથવા જે તે તાલુકાના ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવા કહ્યું હતું.
ADVERTISEMENT