અમદાવાદઃ રાજ્યમાં સતત વધતા જતા રખડતા ઢોરના ત્રાસને પગલે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ દરમિયાન અનેક અકસ્માતો પણ થાય છે. તેવામાં અમદાવાદ ઝાયડસ ખાતે આવેલા બ્રિજ પર ભેંસ વચ્ચે આવી ગઈ હોવાથી ટ્રક પલટી મારી ગઈ હતી. નોંધનીય છે કે આ દુર્ઘટનામાં ડ્રાઈવરને સારવાર હેઠળ ખસેડવાની ફરજ પડી છે. તો બીજી બાજુ રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે.
ADVERTISEMENT
અમદાવાદમાં 500થી વધુ માર્ગ અકસ્માત
રખડતા ઢોરના કારણે અમદાવાદમાં અત્યારસુધી 500થી વધુ માર્ગ અકસ્માતો થઈ ચૂક્યા છે. તેવામાં સોમવારે ભેંસના કારણે અમદાવાદ ઝાયડસ બ્રિજ પર ટેમ્પો અને ટ્રક ટક્કર થઈ ગઈ હતી. આ ટક્કરના કારણે ટ્રક ડ્રાઈવરને સારવાર માટે સિવિલ મોકલી દેવાયો હતો. નોંધનીય છે કે આ દરમિયાન ટેમ્પો-ટ્રક પલટી ખાઈ ગયા હતા. જ્યારે ટ્રકનો ફ્રન્ટ મિરર પણ તૂટી ગયો હતો.
રખડતા ઢોર મુદ્દે તંત્ર મોડુ જાગ્યું
અત્યારે રખડતા ઢોર મુંદ્દે તંત્ર સફાળુ જાગી ગયું છે. તેવામાં અત્યારસુધીમાં 200થી વધુ રખડતા ઢોર તંત્ર દ્વારા પકડી પડાયા છે. આ કાર્યવાહી દરમિયાન ઘણા લોકોએ વિરોધ પણ નોંધાવ્યો હતો. જેના ભાગ રૂપે કુલ કામગીરીમાં વિઘ્ન નાખનારા 6 લોકો તથા ઢોરને રખડતા મૂકી દેનારા 50થી વધુ લોકો સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આમ આદમી પાર્ટીની મીટિંગમાં બળદ ગાડુ ઘુસ્યું
માંગરોળના શેખપુર ગામે આમ આદમી પાર્ટીની મીટિંગમાં બળદ ગાડુ ઘુસી ગયુ હતું. જેના કારણે સ્થાનિકોમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આ દરમિયાન બે ઘડી તો લોકોના શ્વાસ અઘ્ધર થઈ ગયા હતા. નોંધનીય છે કે બળદ ગાડાને કારણે 15થી વધુ ખુરશીઓ તૂટી ગઈ હતી. જોકે કોઈ મોટી જાનહાની થઈ નથી.
ADVERTISEMENT