અમદાવાદ: શહેરમાં સાયબર ફ્રોડના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. ગઠિયાઓ મોટી ઉંમરના વૃદ્ધોને ટાર્ગેટ કરીને તેમને છેતરતા હોવાના અનેક બનાવો અત્યાર સુધીમાં સામે આવી ચૂક્યા છે. આ વચ્ચે શહેરમાં વધુ એક વૃદ્ધ ઓનલાઈન ઠગાઈનો ભોગ બન્યા છે. જેમાં ગઠિયાએ વેપારીને 5 રૂપિયાનો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરાવ્યું અને બાદમાં તેમના ખાતામાંથી 17.84 લાખ રૂપિયા કાઢી લીધા હતા. આખરે વેપારીએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે.
ADVERTISEMENT
વીમા એજન્ટે લેન્સનો ઓર્ડર કર્યો હતો
ઘટનાની વિગતો મુજબ, પાલડી વિસ્તારમાં રહેતા મયુરભાઈ દવે વિમા એજન્ટનું કામ કરે છે. તેમને સાબરકાંઠાના ઈડરમાં શ્રીમદ જેસિંગ બાપા હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન માટે લેન્સનો ઓર્ડર મળ્યો હતો. મયુરભાઈના ભાઈ મુંબઈ રહે છે અને તેઓ લેન્સ માટેની હોલસેલમાં ડિસ્ટ્રીબ્યુશનશીપ ધરાવે છે આથી તેમણે વોટ્સએપ પર ઓર્ડર માટેનો મેસેજ કર્યો હતો.
કુરિયર કર્મચારીએ 5 રૂપિયા નખાવી 17.84 લાખ પડાવી લીધા
ત્યારે મયુરભાઈને તેમના ભાઈએ કહ્યું હતું કે, લેન્સ માટેનો ઓર્ડર આપી દીધો છે અને ટ્રેકોન કુરિયર મારફતે તે તમારા સુધી આવી જશે. જોકે બે દિવસ થવા છતા કુરિયર ન મળતા મયુરભાઈએ ટ્રેકોન કુરિયરના કર્મચારી સાથે વાત કરી હતી. જેણે રૂ.5નું ટ્રાન્ઝેક્શન કરીને ઓર્ડર મેળવી લેવા માટે કહ્યું હતું. બાદમાં તેણે મોબાઈલ નંબર અને એડ્રેસ પણ માગ્યું હતું. આથી તેમણે રૂ.5 ટ્રાન્સફર કરી દીધા. પરંતુ બીજા દિવસે જ તેમના ખાતામાંથી અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા 17.84 લાખ રૂપિયા ઉપડી ગયા હતા. આ પોતાની સાથે છેતરપિંડી થયાનું જણાતા તેઓ સાયબર ક્રાઈમ ખાતે દોડી ગયા હતા.
ADVERTISEMENT