અમદાવાદ: વિદેશની ધરતી પર વધુ એક ગુજરાતીની હત્યાનો ચકચારી મામલો સામે આવી રહ્યો છે. અમદાવાદના મેમનગર વિસ્તારના 41 વર્ષના હિરેન ગજેરા નામનો યુવક દક્ષિણ અમેરિકામાં આવેલા ઈક્વોડોર દેશમાં ગયો હતો, જ્યાં એમ્પાલમે શહેરમાંથી કોલંબિયાના આતંકીઓએ તેનું અપહરણ કરી લીધું હતું અને પરિવાર પાસે 1 લાખ US ડોલર અથવા 70 કિલો ડ્રગ્સની ખંડણી માગી હતી. ચર્ચા બાદ પરિવારે અપહરણકારોની તમામ શરતો માની હોવા છતાં હિરેનની હત્યા કરી દેવાઈ હતી.
ADVERTISEMENT
2006માં ઈક્વાડોર ગયા હતા હિરેન ગજેરા
વિગતો મુજબ, હિરેન ગજેરા 2006માં દક્ષિણ અમેરિકાના ઈક્વાડોર શહેરમાં ગયા હતા. જ્યાં તેઓ 2006થી 2014 દરમિયાન એમ્પાલમે શહેરમાં રહીને સાગના લાકડાના એક્સપોર્ટમાં ધંધો કરતા હતા. આ બાદ તેઓ સ્વદેશ પરત આવી ગયા હતા અને 8 વર્ષથી અમદાવાદમાં રહેતા હતા. ગત વર્ષે માર્ચ મહિનામાં તેઓ ફરી ઇક્વાડોર ગયા હતા. ગત 3 જૂનના રોજ હિરેનભાઈના મિત્રાના પિતાનો જન્મદિવસ હતો, જેની પાર્ટીમાં તેઓ ગયા હતા.
કોલંબિયાના ત્રાસવાદીઓએ અપહરણ કરી ખંડણી માગી
જોકે બર્થડે પાર્ટીમાંથી તેઓ પાછા આવી રહ્યા હતા દરમિયાન કોલંબિયાના ત્રાસવાદીઓએ તેમનું અપહરણ કરી લીધું હતું. આ બાદ ત્રાસવાદીઓએ 1 લાખ અમેરિકન ડોલર અથવા 70 કિલો ડ્રગ્સની માગણી કરી હતી. જોકે આખરે પરિવારની સમજાવટ બાદ અપહરણકારો 20 હજાર ડોલર લેવા તૈયાર થયા હતા. પરિવારે અપહરણકારોની માગણી સ્વીકારી લીધી હોવા છતાં પણ હિરેન ગજેરાની હત્યા કરીને લાશને નદીમાં ફેંકી દીધી હતી. ત્યારે અમદાવાદ યુવકની આ રીતે ઘાતકી હત્યા થતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
ADVERTISEMENT