અમદાવાદ: દેશમાં હાલ IPLનો ફીવર ચાલી રહ્યો છે. સાંજ પડતા જ ટીવી આગળ લોકો મેચ જોવા ગોઠવાઈ જતા હોય છે. ત્યારે અમદાવાદમાં પણ નારણપુરા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં ‘મિનિ IPL’નું આયોજન થવા જઈ રહ્યું છે. જેમાં IPLની જેમ જ સોસાયટીમાંથી કુલ 90 સભ્યોની ઓક્શન કરવામાં આવ્યું હતું, આ ખેલાડીઓને ટીમોના માલિક દ્વારા ખરીદવામાં આવ્યા હતા. જેમાં સૌથી મોંઘો ખેલાડી 1.80 લાખમાં વેચાયો હતો.
ADVERTISEMENT
9-9 ખેલાડીઓથી બની 10 ટીમો
શહેરના નારણપુરામાં આવેલી ધરતી સાકેતમાં સોસાયટીના જ રહીશો દ્વારા 7મી મેથી 14મી મે દરમિયાન ધરતી પ્રીમિયર લીગ-2 ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટૂર્નામેન્ટમાં IPLની જેમ જ નિયમો રાખવામાં આવ્યા છે અને ખેલાડીઓની ઓનલાઈન હરાજી પણ કરવામાં આવી હતી. જેમાં પૈસા નહીં પરંતુ તમામ ફ્રેન્ચાઈજીને 3-3 લાખ પોઈન્ટ આપી દેવામાં આવ્યા હતા, અને આ પોઈન્ટથી તેમણે 9-9 ખેલાડીઓ ખરીદીને પોતાની ટીમ બનાવી હતી અને કુલ 10 ટીમો ટૂર્નામેન્ટમાં રમશે.
10 વર્ષના બાળકથી 75 વર્ષના વૃદ્ધ રમશે
આ હરાજીમાં દરેક ખેલાડી માટે 5 હજારની બેસ પ્રાઈઝ રાખવામાં આવી હતી. હરાજીમાં 1.80 લાખમાં સૌથી મોંઘા ખેલાડી વેચાયો હતો. જ્યારે 5 ખેલાડીઓ 1-1 લાખ પોઈન્ટમાં વેચાયા હતા. ખાસ વાત એ છે કે ટૂર્નામેન્ટમાં 10 વર્ષના બાળકથી લઈને 75 વર્ષના વૃદ્ધ સુધીના લોકો રમતા જોવા મળશે.
સોસાયટીના 200થી વધુ પરિવારના ગેધરિંગ માટે ટૂર્નામેન્ટનું આયોજન
ધરતી સાકેત સોસાયટીના સભ્ય પ્રતીક શાહ અને કેયુર બ્રહ્મભટ્ટે ગુજરાત Tak સાથે વાત કરતા જણાવ્યું હતું કે, અમારી સોસાયટીમાં 200થી વધુ પરિવારો છે. બધા સભ્યોનું મેદાન પર ગેધરિંગ થાય અને બધા ભેગા થાય તે માટે આ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવાનું પ્લાનિંગ કર્યું હતું. સોસાયટીના જ 90 ખેલાડીઓનું IPLની જેમ ઓક્શન કરાયું હતું અને તમામ ખેલાડીની બેસ પ્રાઈઝ 5 હજાર રાખવામાં આવી હતી.
સ્પોન્સરશીપથી થશે કમાણી
ખાસ વાત તો એ છે કે, મિની IPLનું આયોજન સોસાયટીના સભ્યો ભેગા થાય તે માટે કરવામાં આવ્યું હતું, જોકે હવે ટૂર્નામેન્ટની લોકપ્રિયતા જોઈને ધરતી પ્રીમિયર લીગ-2માં સ્પોન્સર્સ મળવા લાગ્યા છે અને અત્યાર સુધીમાં સ્પોન્સરશિપથી સોસાયટીને પણ લાખોમાં સારી એવી આવક થઈ રહી છે.
શું હશે ટૂર્નામેન્ટના નિયમો?
સમગ્ર ટૂર્નામેન્ટમાં કુલ 13 મેચો રમાશે. જેમાં 10 લીગ મેચ હશે. બે સેમીફાઈનલ અને એક ફાઈનલ મેચ હશે. પ્રથમ ચરણની મેચો 10 ઓવરની રહેશે. જ્યારે આ પછીના તબક્કાની મેચો 12 ઓવરની રાખવામાં આવશે. IPLની જેમ દરેક ટીમ ડ્રેસ કોડમાં જોવા મળશે અને તમામ ટીમ ટૂર્નામેન્ટમાં 2-2 મેચ રમશે. જેમાં સેમિફાઈનલ અને ફાઈનલ મેચનું લાઈવ પ્રસારણ પણ કરવામાં આવશે.
ADVERTISEMENT