તંત્ર જાગો! જો આ બ્રિજનું સમારકામ નહીં કરવામાં આવે તો અમદાવાદમાં પણ થશે મોરબીવાળી

અમદાવાદઃ અમદાવાદનો શાસ્ત્રી બ્રિજ, આમ તો રોજ આપણે તેને આવી ખખડધજ હાલતમાં જ જોઈએ છીએ પરંતુ જ્યારથી મોરબીની ઘટના બની છે ત્યારથી આ બ્રિજનો ઉપયોગ…

gujarattak
follow google news

અમદાવાદઃ અમદાવાદનો શાસ્ત્રી બ્રિજ, આમ તો રોજ આપણે તેને આવી ખખડધજ હાલતમાં જ જોઈએ છીએ પરંતુ જ્યારથી મોરબીની ઘટના બની છે ત્યારથી આ બ્રિજનો ઉપયોગ કરવામાં એક છૂપો ભય આપણને સતાવે છે. મોરબીનો ઝુલતો પુલ પડી ગયો અને મોતનો તાંડવ ત્યાં થયો. જોકે આ ઘટના પછી અમદાવાદના અટલ બ્રિજ પર પ્રવાસીઓની સંખ્યા ઘટાડાઈ પરંતુ અમદાવાદમાં આવેલા અન્ય બ્રિજની શું સ્થિતિ છે તે પણ હાલ જોવી રહી. વાત કરીએ અમદાવાદના શાસ્ત્રી બ્રિજની તો તેની હાલત ઘણા સમયથી જર્જરિત છે.

શાસ્ત્રી બ્રિજના સમારકામ પાછળ તંત્રના આંખ આડા કાન
મોરબીમાં બનેલી ઘટના પછી અમદાવાદના તંત્ર પણ એલર્ટ થાય તે જરૂરી છે. કારણ કે એવુ ભાસી રહ્યું છે કે તંત્ર મોરબી જેવી ઘટનાની અમદાવાદમાં રાહ જોઈ રહ્યું છે. અમદાવવાદના નારોલ અને વિશાલાને જોડતો શાસ્ત્રી બ્રિજ છેલ્લા ઘણા સમયથી ભંગાર જેવી હાલતમાં છે. અહીંથી રોજીંદા કેટલાય વાહન ચાલકો પસાર થાય છે. અમદાવાદ કોર્પોરેશન જાણે કે હાલ આ બ્રિજને લઈને ગંભીર હોય જ નહીં તેવું લાગી રહ્યું છે. આ બ્રિજના સમારકામ પાછળ તંત્ર આંખ આડા કાન કરીને બેઠું હોય તેવું જણાય છે.

બ્રિજની હાલતને લઈને સ્થાનીકોમાં ગણગણાટ
બ્રિજની હાલત એવી છે કે અહીં હાલ મોરબીની ઘટના પછી ઘણા સવાલો સુરક્ષાને લઈને ઊભા થઈ રહ્યા છે. નાગરિકોની સુરક્ષા અને સલામત મુસાફરી માટે આ બ્રિજ કેટલો સક્ષમ છે તેના તરફ પણ તંત્રએ એક વખત ધ્યાન આપવું જરૂરી બન્યું છે. અહીં બ્રિજની હાલતને લઈને સ્થાનીકોમાં પણ ગણગણાટ છે.

લોકો માટે જીવનો પ્રશ્ન
બ્રિજની કિનારીનો ઘણો ભાગ તૂટી પડ્યો છે. બ્રિજમાં ઘણી જગ્યાઓ પર તિરાડો જોવા મળી રહી છે. ઘણા સ્થાનો પર રેલિંગ પણ તૂટી પડી છે. બ્રિજના સળિયા દેખાય છે. તો આવી હાલતમાં રહેલા શાસ્ત્રી બ્રિજનું આયુષ્ય કેટલું તે પણ તપાસવું રહ્યું. તંત્ર માટે આ માત્ર બ્રિજ અને પરિવહન માટેનો એક રસ્તો હોઈ શકે છે પરંતુ તંત્રના ભરોસે આવતા લોકો માટે આ જીવનનો પ્રશ્ન છે. તંત્રએ આ બ્રિજ પર સમારકામ કરીને લોકોને સુરક્ષિત પરિવહન આપવા પગલા લેવા જોઈએ તેવી લોકોની માગ ઉઠી છે.

    follow whatsapp