અમદાવાદમાં 1973માં થયેલી હત્યાના આરોપીને પોલીસ 50 વર્ષ બાદ મહારાષ્ટ્રથી કેવી રીતે શોધી લાવી?

અમદાવાદ: અમદાવાદ પોલીસ હાલમાં એક ખાસ કારણના લીધે ચર્ચામાં આવી છે. શહેર પોલીસે 50 વર્ષ પહેલા થયેલી હત્યાના ગુનાને ઉકેલીને આરોપીને ઝડપી પાડ્યો છે. શહેરના…

gujarattak
follow google news

અમદાવાદ: અમદાવાદ પોલીસ હાલમાં એક ખાસ કારણના લીધે ચર્ચામાં આવી છે. શહેર પોલીસે 50 વર્ષ પહેલા થયેલી હત્યાના ગુનાને ઉકેલીને આરોપીને ઝડપી પાડ્યો છે. શહેરના સૈજપુરમાં મહિલાની લૂંટના ઈરાદે હત્યા બાદ મહારાષ્ટ્ર ફરાર થઈ ગયેલા આરોપી પોલીસ ત્યાં જઈને પકડી લાવી. જોકે સવાલ એ થાય છે કે, 26 વર્ષની ઉંમરે હત્યા કરનારો સીતારામ નામનો આરોપી 50 વર્ષ બાદ કેવી રીતે ઓળખાયો?

શું હતો સમગ્ર મામલો?
અન્ય રાજ્યમાંથી કમાણી માટે અમદાવાદ આવેલા સીતારામ તાંતિયા પોતાના ભાઈઓ સાથે સૈજપુરમાં રહેતો હતો. 1973માં સીતારામ મણીબહેન શુક્લા નામના 70 વર્ષના વૃદ્ઘાના ઘરમાં ત્રણેય ભાઈઓ રહેતા હતા. એક દિવસ લૂંટના ઈરાદે સીતારામ આ વૃદ્ધાના ઘરમાં ઘુસ્યો, જોકે વૃદ્ધા જાગી જતા સીતારામે તેમની હત્યા કરી નાખી અને દાગીના સહિતની કિંમતી મતા લઈને ફરાર થઈ ગયો હતો. 3 દિવસ બાદ ઘરમાંથી દુર્ગંધ આવતા લોકોએ પોલીસ બોલાવી અને તપાસ કરતા વૃદ્ધાનો મૃતદેહ મળી આવ્યો હતો. આરોપી હત્યા બાદ મહારાષ્ટ્રમાં જઈને છુપાઈ ગયો હતો.

અમદાવાદ પોલીસને કેવી રીતે મળી હત્યારાની વિગત?
ગુજરાત પોલીસ દ્વારા દર વર્ષે ભાગેડુ ગુનેગારોને શોધવા માટે અન્ય રાજ્યના ગુનેગારોની વિગત અલગઅલગ રાજ્યની પોલીસને મોકલવામાં આવે છે. જેથી ફરાર આરોપીઓની ભાળ મેળવી શકાય. અમદાવાદ પોલીસે 1973ના કેસની આ વિગતમાં વોન્ટેડ આરોપીનું નામ મહારાષ્ટ્ર પોલીસને મોકલી હતી. જેમાં મહારાષ્ટ્રના અહમદનગરમાં પાથરડી તાલુકાના રાજની ગામમાં આ નામની વ્યક્તિ હોવાની જાણકારી મળી હતી.

પોલીસ પાસે 26 વર્ષના આરોપીનો ફોટો હતો, 50 વર્ષે કેવી રીતે થઈ ઓળખ?
સિતારામ તાંતિયાના નામના વ્યક્તિનું લોકેશન તો મળ્યું પરંતુ પોલીસ પાસે આરોપીનો 26 વર્ષ જૂનો ફોટો હતો અને અત્યારે તે 75 વર્ષનો હતો. આથી તેની ઓળખ કરવી એ પણ મોટો પ્રશ્ન હતો. એવામાં અમદાવાદથી પોલીસની એક ટીમ ત્યાં પહોંચી અને તેનું આધારકાર્ડ ચેક કર્યું, બાદમાં તેના પરિવારજનો સાથે વાતમાં માલુમ પડ્યું કે સિતારામ સામે ગુજરાત પોલીસ દ્વારા હત્યાના ગુનામાં વોરંટ આવ્યું હતું, આ બાદ પોલીસે પૂછપરછ કરતા સિતારામ ભાંગી પડ્યા અને તેમણે પોતાનો ગુનો કબૂલ્યો હતો.

 

    follow whatsapp