અમદાવાદ: શહેરમાં પોલીસની સરાહનીય કામગીરીને પગલે એક બેંક મેનેજરનો જીવ બચી ગયો. પત્નીને આપઘાત કરવા જવાનો મેસેજ લખીને જતા રહેલા બેંક મેનેજરને અમદાવાદ પોલીસે સમય સુચકતા વાપરીને 1 કલાકમાં જ શોધી કાઢ્યો હતો અને આપઘાત ન કરવા માટે સમજાવીને પત્ની સાથે ઘરે મોકલી દીધો હતો.
ADVERTISEMENT
બેંક મેનેજરે પત્નીને મેસેજ કર્યો હતો
વિગતો મુજબ, બેંકમાં મેનેજર તરીકે નોકરી કરતા વ્યક્તિએ પત્નીને મેસેજ કર્યો હતો કે, ‘આત્મહત્યા કરવા માટે જઉં છું’. જે બાદ ચિંતિત થયેલી પત્નીએ નરોડા પોલીસ સ્ટેશન પહોંચીને ત્યાં હાજર પોલીસ ઈન્સ્પેક્ટરને મેસેજ વંચાવ્યો હતો. જેથી PI તરત જ એક્શનમાં આવી ગયા હતા અને મેનેજર પતિનું લોકેશન કઢાવવા પ્રયાસો શરૂ કર્યા હતા. જોકે શરૂઆતમાં પતિનો ફોન સ્વીચ ઓફ આવતા તે ફોન ચાલુ કરે તેની રાહ જોવાઈ રહી હતી.
કેવી રીતે બેંક મેનેજર સુધી પહોંચી પોલીસ?
જોકે થોડા સમય બાદ તેણે ફોન ચાલુ કરતા જ પોલીસને મોડાસાનું લોકેશન મળી આવ્યું હતું. આથી પોલીસની એક ટીમ મોડાસા જવા માટે તાત્કાલિક રવાના થઈ ગઈ હતી. બીજી બાજુ મોડાસા પોલીસને પણ આ અંગે જાણ કરી દેવાઈ હતી. જેથી પોલીસે ત્યાં પહોંચીને બેંક મેનેજરની અટકાયત કરીને તેને રોકી રાખ્યો હતો. બીજી તરફ નરોડા પોલીસ પણ ત્યાં 1 કલાકમાં પહોંચી ગઈ હતી અને બેંક મેનેજરનો સમજાવતા અંતે તે આપઘાત ન કરવા માટે માની ગયો હતો. આખરે પોલીસે તેને સમજાવીને પત્ની સાથે ઘરે મોકલી દીધો હતો.
ADVERTISEMENT