Ahmedabad News: અમદાવાદ (Ahmedabad) શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બેફામ પણે કથળી રહી છે. લોકોમાં પોલીસ (Police)નો હવે ડર રહ્યો નથી. ચોરી અને લૂંટ સહિત હત્યાના બનાવો પણ વધી રહ્યાં છે. તો શહેરમાં ચેઈન સ્નેચિંગની ઘટનાઓમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેરમાં વધુ એક ચેઈન સ્નેચિંગની ઘટના સામે આવી છે. જોકે, સ્નેચરો આ વખતે અલગ જ મોડસ ઓપરેન્ડી વાપરીને વૃદ્ધાના ગળામાંથી સોનાનો ચેઈન ખેંચીને પલાયન થઈ ગયા હતા. હાલ આ મામલે ખોખરા પોલીસની ટીમે તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
સોનાની ચેઈન ખેંચી બે શખ્સો ફરાર
મળતી માહિતી અનુસાર, અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન ડે સ્કૂલ પાસે એક વૃદ્ધા પોતાના ઘરે ફળીયામાં લગાવેલી ખાટ પર બેઠા હતા. આ દરમિયાન એક અક્ટીવા પર બે શખ્સો તેમના ઘર પાસે આવ્યા હતા અને વૃદ્ધાને સરનામું પૂછ્યું હતું. જે બાદ આ બંને શખ્સોએ પીવા માટે વૃદ્ધા પાસે પાણી માંગ્યુ હતું. જેથી તેઓ ઘરમાંથી પાણી લઈને આવ્યા હતા.આ દરમિયાન આ શખ્સો વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેઈન ખેંચીને ફરાર થઈ ગયા હતા.
પોલીસની ટીમ દોડી આવી
ત્યારબાદ વૃદ્ધાએ બુમાબુમ કરતા આજુબાજુના રહેવાસીઓ ભેગા થઈ ગયા હતા. આ અંગેની પોલીસ કંટ્રોલમાં જાણ કરવામાં આવતા ખોખરા પોલીસની ટીમ પણ દોડી આવી હતી. જે બાદ પોલીસે વૃદ્ધાના નિવેદનના આધારે ફરિયાદ નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
પોલીસે હાથ ધરી તપાસ
હાલ ખોખરા પોલીસની ટીમ ચેઈન સ્નેચરોની શોધખોળ કરી રહી છે. નોંધનીય છે કે, ચેઈન સ્નેચિંગની ઘટનાઓ દિવસે દિવસ વધી રહી છે અને જે ચિંતાજનક છે.
ADVERTISEMENT