અમદાવાદઃ ગુજરાતમાં હાલમાં વિધાનસભાની ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જ્યાં સુરક્ષિત અને શાંતિમય રીતે ચૂંટણી પુરી થાય તે માટે તંત્ર પણ એટલી જ તૈયારીઓમાં છે. આવા સંજોગોમાં એક આઈએએસ અધિકારીની અમદાવાદમાં ઓબ્ઝર્વર તરીકે નિમણૂક કરવામાં આવી હતી પરંતુ જ્યારે તેમણે સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધી ખાંટવા ઓબ્ઝર્વર લખેલી કારની બાજુમાં ઊભા રહી પોઝ આપ્યો અને પોસ્ટ મુકી ત્યાં જ ચૂંટણી પંચે કાર્યવાહી હાથ ધરી અને તેમને ઓબ્ઝર્વરની ડ્યૂટી પરથી હટાવી દીધા એટલું જ નહીં તેમને મળેલી સુવિધાઓ પણ પાછી ખેંચી લીધી.
ADVERTISEMENT
તુરંત નોડલ ઓફિસરને રિપોર્ટ કરો
યુપી કેડરના આઈએએસ અધિકારી અને અભિનેતા અભિષેક સિંહ સામે ચૂંટણી પંચ દ્વારા પગલા લેવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર વર્ષ 2011 બેચના આ અધિકારીને ઓબ્ઝર્વર તરીકેની ચૂંટણી દરમિયાનની જવાબદારી સોંપવામાં આવી હતી. જોકે તે જવાબદારી સાથે તેમણે સોશિયલ મીડિયા પર ફોટોઝ શેર કરીને પ્રસિદ્ધી ખાંટવાનો પ્રયાસ કર્યો હતો. જે પછી ચૂંટણી પંચ તેમના આ પગલાથી નારાજ થયું હતું. તેમણે તુરંત ગુજરાતની ચૂંટણીમાં તેમની ઓબ્ઝર્વર તરીકેની જવાબદારી પાછી ખેંચી લીધી હતી અને તેમને તુરંત ચૂંટણી ક્ષેત્ર છોડીને પોતાના નોડલ અધિકારીને રિપોર્ટ કરવાનો આદેશ કર્યો હતો.
હવે નવા ઓબ્ઝર્વર તરીકે…
ઉલ્લેખનીય છે કે અભિષેક સિંહને અમદાવાદના બાપુનગર તથા અસારવા વિધાનસભા વિસ્તાર માટે જનરલ ઓબ્ઝર્વર તરીકેની ફરજ સોંપવામાં આવી હતી. ચૂંટણી પંચે ન ફક્ત તેમની જવાબદારીઓ પાછી ખેંચી પણ તેમની પાસેથી તેમને મળતી ઓબ્ઝર્વર તરીકેની તમામ સરકારી સુવિધાઓ પણ પાછી ખેંચી લીધી હતી. હવે તેમની જગ્યાએ કૃષ્ણ વાજપેયીને અમદાવાદના આ બંને વિસ્તારમાં ઓબ્ઝર્વર તરીકેની કામગીરી સોંપવામાં આવી છે.
ADVERTISEMENT