અમદાવાદ: અમદાવાદમાં બેફામ બનેલા બુટલેગરો પોલીસથી ડરવાની વાત તો દૂર પોલીસના ઘર સુધી પહોંચીને તેમના પર હુમલો કરી રહ્યા છે. શહેરમાં બેફામ બનેલા બુટલેગરે પોતાના સાગરીતો સાથે મળીને હોમગાર્ડ જવાન અને તેના પરિવાર પર હુમલો કર્યો. આટલું જ નહીં વાહનોમાં પણ તોડફોડ કરી હતી. હુમલામાં હોમગાર્ડ જવાન પણ ઈજાગ્રસ્ત થઈ ગયો છે.
ADVERTISEMENT
હામગાર્ડ જવાન બાતમી આપતો હોવાની શંકાએ હુમલો
વિગતો મુજબ, રામોલમાં કેવડાવાડી સોસાયટીમાં બુટલેગરે સાગરીતો સાથે મળીને પોલીસ પરિવાર પર હુમલો કર્યો હતો. સોસાયટીમાં રહેતો હોમગાર્ડ જવાન પોલીસને બાતમી આપતો હોવાની શંકાએ બુટલેગર તેના સાગરીતોને લઈને ઘર બહાર પહોંચ્યો હતો. જ્યાં તેણે વાહનમાં તોડફોડ કરી હતી. આટલું જ નહીં લાકડી, તલવાર અને પાઈપો વડે હુમલો કર્યો હતો જેમાં વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા રવિકાંત નામના હોમગાર્ડ જવાનને ઈજા પહોંચી છે.
ગઈકાલે ગીર સોમનાથમાં પોલીસકર્મીઓ પર હુમલો થયો
નોંધનીય છે કે, આ પહેલા ગઈકાલે જ ગીર સોમનાથના કોડિનાર ખાતે બુટલેગર અને તેના મળતિયાઓએ મળીને પોલીસ પર હુમલો કર્યો હતો. કોડિનાર પીઆઈ તેમજ બે કોન્સેટબલ પર હુમલો કરવામાં આવ્યો હતો. કોડિનારમાં હાલમાં જ નવા આવેલા પીઆઈ આર એ ભોજાણીને આ બાબતે માહિતી મળતા તેઓ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. આખી પોલીસ ટુકડી અને બુટલેગર પર તેના સાગરિતોએ હુમલો કરી દીધો હતો. હુમલામાં ઈજાગ્રસ્ત પોલીસ કર્મચારીઓ અને પી આઈ ભોજાણીને સારવાર માટે કોડિનારની આર એન વાળા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ADVERTISEMENT