અમદાવાદઃ ગુજરાતમાં લગભગ અમુક જ આંગળીએ ગણી શકાય તેટલા જ નેતાઓ હશે કે જેઓ કોઈ પ્રકારની માન્યતાઓ વગર જીવન ગાળતા હશે. ચૂંટણીમાં ફોર્મ ભરવાથી લઈ શપથ લેવા સહિતના કામોમાં ચોઘડિયા અને માન્યતાઓને આધારે કરતા હોય છે. ગુજરાત કોંગ્રેસ પણ એક ઘડિયાળને ઘણી લકી ઘડિયાળ માને છે.ગુજરાત કોંગ્રેસ દ્વારા અમદાવાદ સ્થિત ઓફિસ પર ઉંધા આંકડા ગણતી ઘડિયાળ મુકવામાં આવી છે. જે ઘડિયાળને તેઓ પરિવર્તનની ઘડિયાળ માને છે. તેઓનું કહેવું છે કે જેવું આ ઘડિયાળમાં 12 વાગશે કે તે સાથે ભાજપના સત્તામાંથી 12 વાગી જવાના છે અને ભાજપની સરકાર જાય છે તથા કોંગ્રેસની સરકાર આવે છે. હવે જોવું રહ્યું કે આ ઘડિયાળ કોંગ્રેસનું ભવિષ્ય બનાવે છે કે ભાજપનું વર્તમાનને યથાવત રાખે છે.
ADVERTISEMENT
8 ડિસેમ્બરે ઘડિયાળ બંધ, ભાજપ સત્તાવિહીનઃ કોંગ્રેસ
એક માન્યતા પ્રમાણે એવું કહેવાય છે કે આ એ જ ઘડિયાળ છે જેમાં 12 વાગતા વાજપેયી સરકાર ગઈ હતી. આ ઘડિયાળનો 12 નો આંકડો ગુજરાત કોંગ્રેસ લકી માને છે. અમદાવાદના કોંગ્રેસના મુખ્ય કાર્યાલય પર આ ઉંધી ગણતરીઓ ગણતી પરિવર્તન ઘડિયાળ લગાવવામાં આવી છે. કોંગ્રેસ વિધિવત્ આ ઘડિયાળનું ઉદ્ઘાટન પણ કર્યું છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ચિદમ્બરમ્ દ્વારા આ ઘડિયાળનું પોતાના હાથે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને કહેવામાં આવ્યું હતું કે આ ભાજપનું કાઉન્ટડાઉન છે અને ભાજપની છેલ્લી ઘડીઓ ઘણે છે. આગામી 8 ડિસેમ્બરના રોજ આ ઘડિયાળ બંધ થશે. તે વખતે ગુજરાતમાં પરિવર્તન આવશે અને કોંગ્રેસની સરકાર સ્થપાશે તેવો દાવો કોંગ્રેસ કરી રહી છે.
રાજસ્થાન વિધાનસભા વખતે કોંગ્રેસીઓનો વિશ્વાસ દૃઢ બન્યો
વર્ષ 2018માં આ ઘડિયાળ રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી વખતે કોંગ્રેસ જ્યારે વિપક્ષની ભૂમિકામાં હતી ત્યારે 174 દિવસ પહેલા લગાવવામાં આવી હતી. જે પછી કોંગ્રેસની સરકાર બની ગઈ હતી. જનાદેશમાં કોંગ્રેસ વિજય બનીને આવી ત્યારે આ ઘડિયાળ પર કોંગ્રેસીઓનો વિશ્વાસ વધુ મક્કમ બની ગયો હતો. કોંગ્રેસના નેતાઓનું માનીએ તો આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પરિણામ વખતે 12 વાગ્યે આ ઘડિયાળ બંધ થશે અને ભાજપ ગુજરાતમાં સત્તાવિહીન બનશે. ઉલ્લેખનીય છે કે આ ઘડિયાળમાં દિવસ, કલાક, મિનિટ અને સેકન્ડના ઉંધા આંકડાઓની ગણના થાય છે. એક પ્રકારે કહી શકાય કે આ એક રિવર્સ કાઉન્ટડાઉન કરતી ઘડિયાળ છે.
ADVERTISEMENT