અમદાવાદ: 21મી સદીમાં પણ અંધશ્રદ્ધામાં તાંત્રિક વિધિના નામે લોકો છેતરપિંડીનો શિકાર થઈ રહ્યા છે. શહેરના સાબરમતી વિસ્તારમાં રહેતી એક યુવતીએ બ્રેકઅપ બાદ પ્રેમીને પામવા માટે ભૂવાના ચક્કરમાં ફસાઈને પોતાના દાગીના ખોવાનો વારો આવ્યો છે. પ્રેમી તો ન મળ્યો પરંતુ દાગીના પણ છીનવાઈ જતા આખરે યુવતીએ પોલીસ સ્ટેશનમાં ભૂવા વિરુદ્ધ ફરિયાધ નોંધાવી છે.
ADVERTISEMENT
પ્રેમીને પામવા ભૂવાના ચક્કરમાં પડી યુવતી
વિગતો મુજબ, શહેરના સાબરમતી વિસ્તારમાં રહેનારી યુવતી કોલેજમાં અભ્યાસ કરે છે. અભ્યાસની સાથે તે નોકરી પણ કરતી હતી. દરમિયાન તેને ઓફિસમાં સાથે કામ કરતા યુવક સાથે પ્રેમ થઈ ગયો અને બંને રિલેશનશીપમાં હતા. જોકે યુવકે કોઈ કારણે તેની સાથે બ્રેકઅપ કરી નાખ્યુ હતું. પરંતુ યુવતી પ્રેમી સાથે જ રહેવા માગતી હતી. તેણે પ્રેમીને મનાવવા માટે ઘણા પ્રયાસ કર્યા પરંતુ તે માન્યો નહીં. એવામાં તે ભૂવાના ચક્કરમાં ફસાઈ ગઈ.
વિધિના બહાને ભૂવાએ પડાવ્યા દાગીના
સોશિયલ મીડિયામાં યુવતીને રાણા નામના જ્યોતિષ વિશે જાણ થઈ અને તે તેના સંપર્કમાં આવી. યુવતીએ ભૂવાને પોતાની સમસ્યા બતાવી જે બાદ તેણે પ્રેમી સાથે તેનો મેળાપ કરાવી આપવાનું વચન આપ્યું હતુ. પરંતુ આ માટે તેણે સોનાના દાગીના સાથે કેટલીક વિધિ કરવા કહ્યું અને યુવતી પણ તરત માની ગઈ. બાદમાં ભૂવાએ યુવતીને શાસ્ત્રીનગર મળવા બોલાવી અને તેણે પહેરેલા રૂ.80 હજારની કિંમતના સોનાના દાગીના વિધિના નામે લઈ લીધા. બીજા દિવસે યુવતીએ ફોન કરતા ભૂવાનો નંબર જ સ્વિચ ઓફ આવતો હતો. એવામાં તેને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતા આખરે યુવતીએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવી હતી.
ADVERTISEMENT