Ahmedabad-Dhrangadhra Highway News: ગુજરાતમાં એક બાદ એક નકલી વસ્તુઓ સામે આવી રહી છે. ક્યારેક મંત્રીના નકલી PA તો ક્યારેક નકલી ટોલનાકામાં લોકો પાસે પૈસા પડાવવાની ઘટનાઓ વચ્ચે હવે ખોટું ટ્રસ્ટ ઊભું કરીને વાહન ચાલકોને લૂંટવાનું કૌભાંડ સામે આવ્યું છે.
ADVERTISEMENT
ટ્રસ્ટના નામે યુવતીઓ માગે છે પૈસા
ધ્રાંગધ્રા-અમદાવાદ હાઈવેનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં કેટલીક યુવતીઓ કથિત રીતે વાહન ચાલકો પાસેથી અનાથ બાળકો માટે કામ કરતી સંસ્થાના ટ્રસ્ટના નામે પૈસાની માગણી કરે છે. જોકે બાઈક ચાલક દ્વારા યુવતીઓને ટ્રસ્ટ વિશે સવાલ પૂછતા તેઓ મોઢું સંતાડીને ત્યાંથી જતી રહે છે. યુવતીઓના હાથમાં માત્ર એક કાગળ છે, જેના પર તેઓ શા માટે પૈસા ઉઘરાવે છે, તે લખ્યું છે, પરંતુ સંસ્થા કે ટ્રસ્ટની તેમાં કોઈ માહિતી નથી, કેટલાક લોકોના નામ લખ્યા છે અને સામે 200,500નો આંક લખેલો છે. હાઈવે પર આ રીતે વાહન ચાલકોને હેરાન કરીને પૈસા ઉઘરાવાતા હોવાની અવાર નવાર રાવ ઉઠી છે. જોકે હજુ સુધી પોલીસ દ્વારા આ મામલે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી.
બાઈક ચાલકે ઉતાર્યો વીડિયો
નોંધનીય છે કે, આ પહેલા વાંકાનેરમાં પણ નકલી ટોલનાકું બનાવીને વાહન ચાલકો પાસેથી પૈસા પડાવવાનું કૌભાંડ સામે આવ્યું હતું. જેમાં ટોલનાકા પર વધારે પૈસા લેવાતા હોવાથી બંધ ફેક્ટરીમાં રસ્તો બનાવી તેમાંથી વાહને પસાર થવા દેવાતા હતા. આ માટે વાહન દીઠ 50, 100 અને 200 રૂપિયા લેવામાં આવતા હતા. જે મામલો સામે આવ્યા બાદ અધિકારીઓ દોડતા થયા હતા. ત્યારે જોવાનું રહેશે કે હવે હાઈવે પર ઉઘરાણી મામલે પોલીસ કોઈ કાર્યવાહી કરશે કે નહીં.
ADVERTISEMENT