અમદાવાદઃ આપણે ત્યાં ઘણી એવી ઘટનાઓ સામે આવતી રહે છે જેના પછી માનવીય અભિગમ પર પણ શંકા થવા લાગે. શહેરમાં આપણે ક્યારેક કોઈ મદદગારને લિફ્ટ આપી હોય અથવા કોઈએ આપણને જરૂરીયાત સમયે લિફ્ટ આપી હોય તેવા ઘણા કિસ્સા બન્યા હશે. પણ આ ઘટના અંગે જાણ્યા પછી લિફ્ટ આપવા અને લિફ્ટ લેતા પહેલા આપ પણ ધ્રુજી જશો. યુવાનને કોઈ વ્યક્તિએ લૂંટના બહાને લિફ્ટ આપીને અવાવરું વિસ્તારમાં લઈ ગયા, જોકે લૂંટ પુરતી આ ઘટના સિમિત રહેતી તો સારું થતું તેવું આપ પોતે પણ માનશો. કારણ કે આ યુવાનને લૂંટના ઈરાદે લઈ ગયેલા શખ્સોએ મોટા ધારદાર હથિયારથી મોતને ઘાટ ઉતારી દીધો. પોલીસે આ સમગ્ર ઘટના પરથી પડદો ઉચક્યો અને તમામ આરોપીઓને પકડી પાડ્યા છે. હવે તેમના રિમાન્ડ માગી આગળની કાર્યવાહી પોલીસ કરશે.
ADVERTISEMENT
પોલીસના હાથે ઝડપાયા આ શખ્સો
અમદાવાદના શાહિબાગ વિસ્તારમાં આવેલી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી.ની સામે આવેલી અનાજના ગોડાઉનની દિવાલ પાસે કેટલાક શખ્સો દ્વારા 25થી 30 વર્ષના વ્યક્તિની હત્યા કરી દેવાઈ હતી. આ ઘટના ગત 14મી તારીખે બની હતી. આ ઘટનામાં પકડાયેલા ત્રણ શખ્સો પાસેથી પોલીસે વિગતો કઢાવી હતી. પોલીસે આ ઘટનામાં 22 વર્ષિય અક્ષય ઉર્ફે રાઈડર ઉર્ફે આકાશ મનોજ રાઠોડ (રહે જુના વાડજ), 20 વર્ષિય સન્ની ઉર્ફે ઢાંગી ઉર્ફે ગટી ઉર્ફે પુષ્પા વિજય દંતાણી (રહે. જુના વાડજ) અને 23 વર્ષિય રૂપેશ ઉર્ફે રાહુલ શ્રીકાંત દાતણીયા (રહે. જુના વાડજ)ને પકડી પાડ્યા છે.
યુવરાજસિંહ જાડેજાનો પડકાર, જેલમાં નાખી દો તો પણ લડીશ, વ્યાપમ કરતાં પણ મોટું કૌભાંડ સામે
પોલીસની પુછપરછમાં તેમણે કહ્યું કે
પોલીસ પુછપરછમાં તેમણે કહ્યું કે, તે ત્રણેય રૂપેશનું બાઈક લઈને 14મીની રાત્રે અઢી વાગ્યાના સુમારે લૂંટ કરવા માટે સુભાષબ્રીજ આરટીઓ થઈને શાહીબાગ નમસ્તે સર્કલ તરફ જતા હતા. ત્યારે સ્વામીનારાયણ મંદિર પાસે એક છોકરો ચાલતો જતો હતો. તેને તેમણે પુછ્યું ક્યાં જવું છે. તેણે કહ્યું અસારવા જવાનું છે. તો આ શખ્સોએ તેને બાઈક પર લિફ્ટ આપી અસારવા મુકી જવાનું કહ્યું હતું. જોકે તે પછી બાઈકને અસારવાને બદલે ઘોડા કેમ્પ રોડ પર લઈ જઈ અનાજ ગોડાઉન પાસેના સુમસામ રસ્તા પર લઈ ગયા હતા.
એક શખ્સે પકડી રાખ્યો બીજાએ છરા માર્યા
ત્યાં આ શખ્સોએ એક મોટો છરો બતાવીને છોકરાને કહ્યું કે, પૈસા મોબાઈલ જે હોય તે આપી દે. છોકરાએ પ્રતિકાર કરતા આ શખ્સોએ તેની સાથે મારામારી કરી હતી. દરમિયાન સન્નીએ છોકરાને પકડી રાખ્યો અને અક્ષયે છરા વડે પેટના ભાગે તથા પગમાં ઘા મારતા તે ત્યાં જ ઢળી પડ્યો હતો. તે પછી આ શખ્સો તેની પાસેથી ફોન, બેગ સહિતનું બધુ લઈ બાઈક લઈ ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
(ઈનપુટઃ ગોપી ઘાંઘર, અમદાવાદ)
ADVERTISEMENT