અમદાવાદ: ગત વર્ષે જાન્યુઆરીમાં કેનેડાથી અમેરિકા બોર્ડર ક્રોસ કરતા ડિંગુચા ગામના એક જ પરિવારના 4 લોકોના મોત નિપજ્યા હતા. જે બાદ અમેરિકામાં ગેરકાયદેસર કબૂતરબાજીનો પર્દાફાશ થયો હતો. આ મામલે હવે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. ડિંગુચા ગામના પરિવારને અમેરિકા મોકલનારા બે મુખ્ય એજન્ટને અમદાવાદ અને કલોલથી ઝડપી લેવામાં આવ્યા છે.
ADVERTISEMENT
અમદાવાદ-કલોકથી ઝડપાયા બે એજન્ટ
ક્રાઈમ બ્રાન્ચની ટીમે કલોલના પલસાણા ગામના ભાવેશ પટેલ અને અમદાવાદના મેમનગરમાંથી યોગેશ પટેલ નામના બે એજન્ટોને ઝડપી પાડ્યા છે. પોલીસની તપાસમાં સામે આવ્યું કે, વર્ષ 2022માં 7 લોકોના એક ગ્રુપને મેક્સિકોથી અને 11 લોકોના બીજા ગ્રુપને કેનેડાથી અમેરિકા ઘુસાડવા રવાના કરાયું હતું. જેને દિલ્હીથી દુબઈ થઈને કેનેડા મોકલાયું અને વિનીપેગથી અમેરિકન બોર્ડરમાં એન્ટ્રી કરાવાની હતી. બિટ્ટુ પાજી અને ફેનિલ નામના યુવકોએ બોર્ડર ક્રોસ કરાવવાની વ્યવસ્થા કરી હતી અને અમેરિકાથી સેન્ડી નામનો યુવક આ 11 લોકોને લેવા આવવાનો હતો. જોકે બોર્ડર પર ભારે બરફ વર્ષાના કારણે તાપમાન -35 ડિગ્રીએ પહોંચી ગયું હતું.
આ પણ વાંચો: ગુજરાતમાં ઠંડીનો ચમકારો, બનાસકાંઠામાં ખેતરોમાં બરફની ચાદર છવાઈ, આબુમાં પાણી થીજી ગયું
ભાવેશ પટેલે ડિંગૂચાના પરિવારને અમેરિકા મોકલ્યો હતો
એવામાં બોર્ડર ક્રોસ કરતા સમયે ડિંગુચા ગામના એક જ પરિવારના 4 સભ્યોના મોત નિપજ્યા હતા. ઝડપાયેલા યોગેશ પટેલ દ્વારા જ અમેરિકા ઘુસણખોરી કરતા 11 લોકોના આ ગ્રુપને મોકલાયા હતા. યોગેશ પટેલ અને ભાવેશ પટેલ બંને 10 વર્ષથી એજન્ટ તરીકે કાર્યરત છે અને અત્યાર સુધીમાં ઘણા લોકોને ગેરકાયદેસર અમેરિકામાં ઘુસણખોરી કરવામાં મદદ કરી ચૂક્યા છે. ભાવેશ પટેલ દ્વારા જ ડિંગુચાના જગદીશભાઈ અને તેમનો પરિવાર અમેરિકા જવા કેનેડા માટે રવાના થયા હતા અને રસ્તામાં તેમનું મૃત્યુ થયું હતું.
કેનેડા બોર્ડરે ઘુસણખોરી કરાવતા આરોપીઓ પર હવે પોલીસની નજર
ભાવેશ અને યોગેશ બંને ગ્રાહકો શોધીને બોબીન આપતા હતા. જ્યારે કેનેડાથી બિટ્ટુ અન ફેનિલ બોર્ડર ક્રોસ કરાવીને ઘુસણખોરી કરાવતા. ભાવેશ અને યોગેશ પકડાતા હવે ટૂર્સ અને ટ્રાવેલ્સ તથા વિઝા કન્સલ્ટન્સીનું કામ કરનારા તથા અનેક લોકોને અમેરિકામાં ઘુસણખોરી કરાવતા કબૂતરબાજીના નેટવર્કનો પર્દાફાસ થઈ શકે છે. હાલમાં કબૂતરબાજીના આ મામલે પોલીસે બોબી પટેલ ઉર્ફે ભરત પટેલ તથા બોગસ પાસપોર્ટ બનાવનારા રાજીવ પ્રજાપતિ અને રજત ચાવડાને ઝડપી લીધા છે. ત્યારે હવે ક્રાઈમબ્રાન્ચનું આગામી લક્ષ્યાંક બોર્ડર ક્રોસ કરાવતા બિટ્ટુ પાજી અને ફેનિલ નામના યુવકો સુધી પહોંચવાનું છે.
ADVERTISEMENT