અમદાવાદ: અમદાવાદના બુલિયન વેપારી સાથે કરોડો રૂપિયાની કિંમતના 25 કિલો સોનાની લૂંટની ઘટના બની છે. અમદાવાદથી બસમાં મુંબઈ સોનું લઈ જવાતું હતું. આ દરમિયાન ગાડીમાં આવેલા કેટલાક લૂંટારૂઓએ રસ્તામાં હોલ્ડ માટે ઊભેલી બસમાંથી કરોડોની કિંમતનું આ સોનું લઈને ફરાર થઈ ગયા હતા. આ ચોરીના બનાવમાં વેપારીના કર્મચારીની પણ સંડોવણી સામે આવી છે. સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાલમાં ક્રાઈમ બ્રાન્ચે લૂંટારૂઓની તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
અમદાવાદના વેપારીએ ખરીદ્યું હતું 25 કિલો સોનું
વિગતો મુજબ, સી.જી રોડ તેમજ માણેકચોકમાં ઓફિસ ધરાલવતા નિકોલના બુલિયન વેપારી વિજય ઠુંમરની ફરિયાદ મુજબ, તેમની ઓફિસમાં બે વર્ષથી યશ પંડ્યા કામ કરે છે. વેપારીએ 15થી 17 જાન્યુઆરીએ 2023ના રોજ 25 કિલો સોનું ખરીદ્યું હતું. આ સોનું મુંબઈ મોકલવાનું હોવાથી વેપારીના મિત્ર પાર્થ શાહ, કર્મચારી યશ પંડ્યા અને મિત્રના સાળાને માણેકચોકની દુકાનેથી 25 કિલો સોનું આપ્યું હતું.
કર્મચારી અને મિત્રના સાળાને આપ્યું હતું સોનું પહોંચાડવાનું કામ
સોનું લઈને તમામ શખ્સો સીટીએમ એક્સપ્રેસ હાઈવેના નાકે ગયા અને વેપારીને સોનું ભરેલી બેગ બતાવી હતી. જેમાં એક બેગમાં 10 કિલો સોનું ભરીને પાર્થના સાળા આદિત્યને આપી, બીજી બેગમાં 15 કિલો સોનુ ભરીને યશને આપ્યું હતું. બંને 19 જાન્યુઆરીએ 11 વાગ્યે ટ્રાવેલ્સમાં બેસીને મુંબઈ રવાના થયા. દરમિયાન આદિત્યએ 20મીએ વહેલી સવારે વેપારીને ફોન કરીને જણાવ્યું કે, ભરુચ અંકલેશ્વર વચ્ચે ટ્રાવેલ્સ ચા-નાસ્તા માટે ઊભી રખાઈ હતી. તે વોશરૂમમાં ગયો એટલીવારમાં યશ સોનાના પટ્ટા ભરેલી બેગ લઈને ઈનોવા કારમાં બેસી ફરાર થઈ ગયો. જેથી વેપારીએ તરત યશ પંડ્યાને ફોન કરતા તેનો ફોન સ્વીચ આવતો હતો.
કર્મચારી દગો આપી સોનું લઈને ફરાર થઈ ગયો
યશ પંડ્યા 25 કિલો સોનું લઈને ફરાર થઈ જતા વેપારીએ તેના પિતાને આ અંગે જાણ કરી હતી. જેથી યશના પિતાએ તેમને ખાતરી આપી હતી કે તેઓ દીકરાને શોધીને સોનું પાછું અપાવી દેશે. એટલે વેપારીએ પોલીસ કેસ નહોતો કર્યો પરંતુ દિવસો બાદ પણ યશ કે તેના સાથે ગુનામાં સામેલ અન્ય 4 આરોપીની કોઈ ભાળ ન મળતા વેપારીએ 23 જાન્યુઆરીએ આ મામલે અરજી કરી હતી. સમગ્ર મામલે હવે ક્રાઈમ બ્રાન્ચે ફરિયાદ નોંધાઈ છે.
ADVERTISEMENT