અમદાવાદના 8 વર્ષના આરવથી ટિમ કૂક થયા ઈમ્પ્રેસ, મોટા થઈને Apple કંપની ખરીદી CEO બનવાનું સપનું છે

યોગેશ ગજ્જર/અમદાવાદ: એપલે આજે ભારતમાં તેનો પ્રથમ એપલ સ્ટોર ખુલ્લો મૂક્યો છે. મુંબઈમાં એપલ સ્ટોરના ઉદ્ધાટન પ્રસંગે એપના CEO ટિમ કૂક ખાસ ભારત આવ્યા છે.…

gujarattak
follow google news

યોગેશ ગજ્જર/અમદાવાદ: એપલે આજે ભારતમાં તેનો પ્રથમ એપલ સ્ટોર ખુલ્લો મૂક્યો છે. મુંબઈમાં એપલ સ્ટોરના ઉદ્ધાટન પ્રસંગે એપના CEO ટિમ કૂક ખાસ ભારત આવ્યા છે. જેમણે આજે એપલના સ્ટોરને ગ્રાહકો માટે ખુલ્લો મૂક્યો હતો. જોકે આ દરમિયાન અમદાવાદનો એક છોકરો ચર્ચામાં આવ્યો છે. ભારત આવેલા ટિમ કૂક 8 વર્ષના આરવ શેલતનો એપલ પ્રોડક્ટ્સ પ્રત્યેનો પ્રેમ જોઈને એટલા ઉત્સાહિત થઈ ગયા કે તેને સામેથી મળવા માટે બોલાવ્યો હતો.

અમદાવાદનો 8 વર્ષનો આરવ શેલત હાલમાં 3 ધોરણમાં અભ્યાસ કરે છે. જોકે આટલી ઉંમરથી જ આરવ એપલ પ્રોડક્ટ્સનો મોટો ફેન છે અને ટિમ કૂકને પોતાના હિરો માને છે. બોલિવૂડના એક્ટર કે એક્ટ્રેસને તે નથી ઓળખતો પણ ટીમ કૂકને ઓળખે છે. આજે મુંબઈમાં એપલ સ્ટોરના ઓપનિંગમાં તેણે ટિમ કૂક સાથે મુલાકાત કરીને પોતાનું સપનું પૂરું કર્યું. 8 વર્ષની ઉંમરે તે પોતાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ @aaravtechtalks નામથી ચલાવે છે, જેમાં તે એપલ પ્રોડક્ટસ વિશે વાત કરે છે.

ન્યૂયોર્ક ગયા પણ ટિમ કૂક ન મળ્યા, 3 વર્ષ બાદ મુંબઈમાં સપનું પૂરું થયું
આ અંગે ગુજરાત Tak સાથેની વાતચીતમાં આરવના મમ્મી સેજલ શેલતે કહ્યું કે, તે ટિમ કૂક અને એપલ કંપનીથી ખૂબ જ પ્રભાવિત છે. ટિમ કૂક એના હિરો છે એટલે તેને કોઈપણ રીતે તેમને મળવું હતું. અમે 2-3 વર્ષ પહેલા ન્યૂયોર્ક ગયા ત્યાં પણ પ્રયાસ કર્યો હતો ટિમ કૂક સાથે મુલાકાત કરવાનો પણ મળી શક્યા નહોતા. અહીં તેને ખબર પડી કે ટીમ કૂક બોમ્બે આવે છે એટલે તેણે કહ્યું, મમ્મી મારે ટિમ કૂકને મળવું છે. એટલે અમે કાલે મુંબઈ આવ્યા. કાલે અહીં જિયો મોલમાં સેલેબ્રિશન નાઈટ હતી. બધા સેલેબ્રિટી હતા. અમે 3 કલાક ત્યાં રહ્યા, કદાચ ટિમ કૂક આવે, પણ તેઓ ન આવ્યા.

‘શાહીદ, ઋત્વિકને નથી ઓળખતો, ટિમ કૂક મારા હીરો છે’
તેમણે આગળ કહ્યું, પછી અમે સોશિયલ મીડિયામાં જોયું કે માધુરી દીક્ષિત સાથે સ્વાતિમાં ગયા પણ ત્યાં પણ હતા નહીં. પછી અમે પાછા અહીં આવ્યા ત્યાં શાહીદ કપૂર, સોનમ કપૂર, ઋત્વિક રોશન હતા તો એને કહ્યું ચાલ તને ઋત્વિક સાથે ફોટો પડાવવા લઈ જઉં, પણ એ કહે હું આ લોકોને ઓળખતો નથી, મારે મારા હીરો ટિમ કૂકને જ મળવું છે. આજે સવારે પણ અમે ન્યૂઝપેપરમાં જોયું કે ટિમ કૂક આજે એપલના પ્રથમ સ્ટોરને ખુલ્લો મૂકશે એટલે અમે સવારથી આવી ગયા.

ટી-શર્ટ જોઈને ટિમ કૂક આશ્ચર્યચકિત થઈ ગયા
તેઓ કહે છે, આરવનું સપનું છે કે મોટા થઈને એપલ કંપની ખરીદવી છે. આજે પણ તેને ખાસ ટી-શર્ટ બનાવડાવી. તેમાં લખ્યું હતું ફ્યુચર એપલ CEO. ટીમ કૂક આવ્યા તો તેઓ બધાનું અભિવાદન કરતા હતા અને તેમણે આરવને જોયો. પછી સામેથી અંદર બોલાવ્યો અને તેની સાથે વાત કરી. ટિમ કૂક સ્ટોરમાં 10 મિનિટ સુધી રહ્યા અને તેમાંથી 2 મિનિટ તેમણે આરવ સાથે વાત કરી.

ટિમ કૂકે આરવ સાથે શું વાત કરી?
ટિમ કૂકે આરવનું ટી-શર્ટ જોઈને તેને પૂછ્યું, તમારે ભવિષ્યમાં એપલના CEO બનવું છે? તો આરવે કહ્યું, હા આ મારું સપનું છે કે એપલ કંપની ખરીદું અને તમારો વારસો આગળ વધારું. જે સાંભળીને ટિમ કૂક પણ પ્રભાવિત થઈ ગયા અને તેને આ માટે શુભકામના પાઠવી હતી. આ બાદ તેમણે પૂછ્યું, એપલ વિશે તમને શું ગમે છે, ત્યારે આરવે કહ્યું, એપલની પ્રાઈવસી છે તે. જે સાંભળીને ટીમ કૂક પણ ઈમ્પ્રેસ થઈ ગયા હતા.

માતા જ્વેલરી ડિઝાઈનર, પિતા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટનું કામ કરે છે
આરવ અમદાવાદની ઉદગમ સ્કૂલમાં ધોરણ 3માં અભ્યાસ કરે છે. તેને બાળપણથી જ એપલ સ્ટોર ખૂબ જ ગમે છે. જ્યારે તેના માતા સેજલ શેલત જ્વેલરી ડિઝાઈનર છે અને પોતાની કસ્ટમાઈઝ્ડ જ્વેલરી ડિઝાઈન કંપની ચલાવે છે. જ્યારે તેના પિતા તારક શેલત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટનું કામ કરે છે. આરવના મમ્મી આગળ કહે છે, મારે ક્યાંય બહાર જવાનું થાય તો તે મને કહે, મમ્મી મને એપલ સ્ટોરમાં મૂકી જાઓ. એ ત્યાં એપલની કોઈપણ નવી પ્રોડક્ટ આવી હોય તેને જોશે, તેના ફીચર્સ પૂછશે અને આ રીતે રીસર્ચ કરતો હોય છે. મારે તેને 2-3 કલાક પછી સામેથી ફોન કરીને લેવા આવવાનું કહેવું પડે. તે ત્યાં જ બેસી રહે.

    follow whatsapp