અમદાવાદઃ અમદાવાદના સૈજપુર બોઘા વોર્ડના શહેર કોટડા વિસ્તારમાં ભાજપના કાઉન્સીલરના ઘર અને ઓફીસ પર અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. તોડફોડ કરીને ધંધો કરવા માટે હપ્તો પણ માગ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. બનાવની જાણ થતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી અને પોલીસે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા.
ADVERTISEMENT
લોકોને પરેશાન કરતા શખ્સો ભાજપ નેતાના ઘર-ઓફીસ સુધી
અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી ગુંડાતત્વોનો આતંક વધ્યો છે. ઘણી વખત આવા શખ્સોમાં કાયદાનો જાણે કોઈ ડર ન હોય તેવો માહોલ જોવા મળ્યો છે. છડે ચોક હપ્તા ઉઘરાવવાથી લઈને હુમલા કરી દેવા સહિતની ઘટનાઓ બની રહી છે ત્યારે લોકો પાસેથી હપ્તા ઉઘરાવતા શખ્સો સૈજપુર બોઘધા વોર્ડના કાઉન્સીલરના પતિ પાસેથી પણ હપ્તો માગવા લાગ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગુનાનું દુષણ ઘર સુધી પહોંચી જતાં નેતાના પરિવાર પર જોખમ આવ્યું હતું. આ અસામાજિક તત્વો એટલા આક્રમક બની ગયા હતા કે તેમણે ઓફીસ, ઘર અને વાહનોની તોડફોડ કરી હતી. ઉપરાંત અહીં નોકરી કરતા એક ટીઆરબી જવાન પર પણ હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો.
શું કહ્યું કોર્પોરેટરના પતિએ
સૈજપુર બોઘા વોર્ડના ભાજપના કોર્પોરેટર વિનોદકુમારીના પતિ સુરેશ ચૌધરીનું કહેવું છે કે, હુમલાખોરો અસામાજિક તત્વો છે અને પોતાનો ખૌફ વિસ્તારમાં ઊભો કરવા માગે છે, ખંડણીઓ ઉઘરાવવા અને બીજા ગેરકાયદે કામો કરે છે. અમે ઘટના સંદર્ભે પોલીસ ફરિયાદ કરી છે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
ADVERTISEMENT