હેતાલી શાહ.નડિયાદઃ આણંદ જિલ્લાના ઉમરેઠના ડોક્ટર સાથે હનીટ્રેપની ઘટના સામે આવી છે. અમદાવાદની યુવતી સહિત સાગરિતોએ ડૉક્ટર પાસે 50 લાખની માંગણી કરી હતી. અમદાવાદની યુવતી સારવારના બહાને હોસ્પિટલમાં આવી હતી અને ડોક્ટરને પ્રેમ ભરી વાતો કરી ડોક્ટરને ફસાવ્યા હતા. ડોક્ટરના ઘરે કોઈ ના હોવાથી યુવતી ડોક્ટર સાથે તેમના ઘરે પહોંચી હતી. ડોક્ટર અને યુવતી વાત વાતમાં બેડરૂમ સુધી પહોંચી ગયા. એકાએક પાંચ યુવાનો અને એક યુવતી આવી જતા યુવતી પર બળાત્કારનો આરોપ લગાવ્યો અને ડોક્ટરને માર મારી આરોપમાંથી બચવા સાતેય લોકોએ 50 લાખની માંગણી કરતા ડૉક્ટર ચોંકી ગયા અને પોતે હનીટ્રેપમાં ફસાયા હોવાનો ખ્યાલ આવતા ઉમરેઠના ડોક્ટરે અમદાવાદમાં ચાંદખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
ADVERTISEMENT
નર્સ યુવતીની જાળમાં આવી રીતે ફસાયા ડોક્ટર
ઉદ્યોગપતિઓ, નેતાઓ કે કોઈ પક્ષના કાર્યકરોને હની ટ્રેપમાં ફસાવવાની ઘટના અવારનવાર સામે આવતી હોય છે. પરંતુ હવે આવા તત્વો ડોક્ટરને પણ છોડતા નથી. આવા તત્વોની જાળમાં એક ઓર્થોપેડીક સર્જન ડૉક્ટર ફસાતા ડૉક્ટર આલમમાં ચકચાર મચી છે. આણંદ જિલ્લાના ઉમરેઠમાં હોસ્પિટલ ધરાવતા ડોક્ટર જય શાહ (નામ બદલ્યું છે) હાલ ખેડા જિલ્લાના નડિયાદના ફતેપુરા રોડ પરની એક રેસીડેન્સીમાં અને મૂળ અમદાવાદના ચાંદખેડા ખાતે આવેલ વિલામાં રહે છે. સોમવારથી શુક્રવાર સવારે 9:00 થી સાંજના 6:00 વાગ્યા સુધી તેઓ હોસ્પિટલમાં હોય છે. એ દરમ્યાન નડીયાદમાં આવેલ ઘરમાં રહે છે. શનિવાર રવિવારના દિવસે ચાંદખેડા ખાતે આવેલા વીલામાં પરિવાર સાથે રહે છે. દરમિયાન ગત 10 જૂન શનિવારના દિવસે તેઓ દવાખાને હાજર હતા ત્યારે પેશન્ટ તરીકે અમદાવાદના ચાંખેડાની રહીશ સેજલબેન સોમાજી પોતાને ડાબા પગે રસોડીની ગાંઠ હોય ઓપરેશન કરવું પડશે તેમ જણાવી બતાવવા માટે આવ્યા હતા. ડોક્ટરને જણાવ્યું હતું કે તેઓ અમદાવાદની કેડી હોસ્પિટલ ખાતે છેલ્લા બે વર્ષથી નર્સ તરીકે નોકરી કરે છે. અને તેઓ ભાલેજ પોતાના સગાને ત્યાં આવ્યા હોવાથી અહીંયા બતાવ્યા આવ્યા હોવાનું જણાવ્યું હતું. બાદમાં તેઓ ઉમરેઠ આવવા માટે તમારી સાથે વાત કરીને અપોઈન્ટમેન્ટ લઈ શકું? તેમ કહી ડોક્ટર પાસેથી મોબાઈલ નંબર મેળવ્યો હતો. મોબાઈલ નંબર મેળવ્યા બાદ પેશન્ટ તરીકે આવેલી સેજલે ડોક્ટર સાથે મેસેજ થી વાતચીત કરવાની શરૂઆત કરી.
સુરત પોલીસે ફાંસી પર લટકતા એક વ્યક્તિનો જીવ બચાવ્યો, Video થયો વાયરલ
બેડરૂમમાં શારીરિક સંબંધો બાંધ્યા અને આવ્યા…
શરૂઆતમાં તો સારવાર અંગે વાતચીત થતી હતી. પરંતુ બાદમાં ડોક્ટરને વાતોમાં ફોસલાવી તેમની પાસેથી તેમની ફેમિલીની તમામ હકીકત અને તેઓ કેવી રીતે શનિવાર અને રવિવારે અમદાવાદથી અપડાઉન કરી હોસ્પિટલ જતા હોવાની વાત જાણી લીધી હતી. ત્યારબાદ મહિલા સોમવારે ડોક્ટરે ચાંદખેડા ખાતે મળી અને તેમની ગાડીમા બેસીને ઉમરેઠ દવાખાને પહોંચી આખો દિવસ ડોક્ટરની પાસે હોસ્પિટલમાં જ રોકાઈ અને ડોક્ટરની સાથે મીઠી મીઠી વાતો કરીને સંબંધને કેળવ્યો હતો. તેણે વાતોમાં ડોક્ટરને જણાવ્યું હતું કે, તેને કેનેડા જવાનું હોવાથી પૈસાની જરૂર છે અને રૂપિયા 50,000 ની માંગણી કરતા ડોક્ટરે તેને 50,000 રોકડા આપ્યા હતા. સાંજે અમદાવાદ પરત ફરતી વખતે તેને ચાંદખેડા ખાતે ઉતારીને ડોક્ટર ઘરે જવા નીકળી ગયા હતા. ત્યારબાદ સેજલે ડોક્ટર સાથે પ્રેમાલાપની વાતો કરવાનું શરૂ કરી દીધું અને ડૉકટર સાથે મુલાકાત કરવા માટે વાત કરવા લાગી. સેજલ તો ડોક્ટર સાથે ઉમરેઠ આખો દિવસ હોસ્પિટલમા રોકાવાની વાતો કરવા લાગી, જોકે સેજલે ડૉકટરને સાંજે મળવા માટે રાજી કરી લીધા. મંગળવારે સાંજે ડોક્ટર જય શાહ અમદાવાદ ચાંદખેડા પાસે સેજલને મળ્યા અને પોતાની ગાડીમાં બેસાડીને ચાંદખેડા વાળા વીલા ખાતેના પોતાના મકાનમાં લઈ ગયા. બંને પ્રેમાલાપની વાતચીત કરતા કરતા એટલા બધા ઓતપ્રોત થઈ ગયા કે બંનેવ બેડરૂમ સુધી પહોંચી ગયા અને એકબીજાની સંમતિથી શારીરીક સંબંધ બાંધ્યા. ત્યારબાદ બંને રાત્રિના 11:30 વાગ્યાની આસપાસ બેઠા હતા, દરમિયાન બે માણસો તેમના ઘરે આવ્યા અને મકાનનો દરવાજો ખખડાવવા લાગ્યા. દરવાજો ખોલતા તે માણસોએ ડોક્ટરને સેજલના ભાઈ તરીકે ઓળખાણ આપી હતી અને સેજલ અંદર જ છે તેમ કહેતા ડોક્ટર ચોંકી ગયા અને સેજલને કહ્યું કે તારા ભાઈને કેવી રીતના ખબર પડી ? ત્યારબાદ સુધીમાં અન્ય ચાર લોકો પણ ત્યાં આવી પહોંચ્યા. જોકે બાદમાં સેજલ પણ તે ટોળકી સાથે મળી ગઈ અને ઘરની અંદર આવી તેઓ કહેવા લાગ્યા કે સેજલ સાથે દુષ્કર્મ કર્યું છે. તેઓ તેમના પપ્પાને બોલાવી પોલીસ કેસ કરશે તેવી પણ ધમકી આપી હતી. આ ટોળકી માના એકે ડોક્ટરને છરી બતાવી ધાક ધમકી આપીને કહ્યું કે જો આ બધું પતાવું હોય તો 50 લાખ રૂપિયા આપવા પડશે. નહીંતર દુષ્કર્મના કેસમાં ફસાવી દઈશું અને બદનામ કરી નાખીશું. ડોક્ટર ન માનતા ચાર લોકોએ ડોક્ટરને માર માર્યો હતો. અત્યારે 15 લાખ રૂપિયા આપી દે તો તને છોડી દઈશું તેવું તેમાંથી એક ઈસમ કે જેનું નામ મહેશ વાઘેલા છે તેને જણાવ્યું હતું. તેણે પોતાની ઓળખ આપતા કહ્યું હતું કે તે મર્ડરમાં જેલમાં પણ જઈ આવેલો છે. જેથી મર્ડર કરતા વાર નહીં લાગે તેમ કહી ડોક્ટરને મારી નાખવાની ધમકી આપી હતી. જો કે ડોક્ટરે પૈસા આપવાની ના પાડતા તે ટોળકીમાંના એક માણસે પોલીસમાં ફોન કર્યો અને થોડીવાર પછી પોલીસની ગાડી આવતા ડોક્ટર પોલીસ સ્ટેશને પહોંચી તમામ ટોળકીઓ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં સેજલ ડાંગર, મહેશ વાઘેલા, નીતિન મકવાણા, રવિન્દ્ર ગોહિલ, જીગ્નેશ શ્રીમાળી, રોહન વચેટા અને એક અજાણી છોકરી એમ મળી કુલ સાત લોકો સામે ડોક્ટરે અમદાવાદના ચાંદખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
ADVERTISEMENT