અમદાવાદ: શહેરના એસ.જી હાઈવે પર ઈસ્કોન બ્રિજ પર મોડી રાત્રે સર્જાયેલા અકસ્માતમાં બે પોલીસકર્મી સહિત 9 લોકોના કરુણ મોત થઈ ગયા. જ્યારે હજુ પણ 2થી 3 લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. અકસ્માત સર્જનાર તથ્ય પટેલ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને ડોક્ટરની પરમિશન મળતા જ તેની ધરપકડ કરવામાં આવશે. જોકે આ અકસ્માત પહેલા બ્રિજ પર અન્ય એક અકસ્માત સર્જાયો હતો, જેથી પોલીસ ત્યાં પહોંચી હતી અને લોકો પણ ત્યાં ઊભા હતા. આ અકસ્માત થાર અને ડમ્પર વચ્ચે થયો હતો.
ADVERTISEMENT
જગુઆર કારના અકસ્માત પહેલા બ્રિજ પર અકસ્માત થયો
હવે આ થાર કારના ચાલક વિરુદ્ધ ખાસ માહિતી પ્રાપ્ત થઈ રહી છે. જે મુજબ થાર કાર માત્ર 16 વર્ષનો સગીર ચલાવી રહ્યો હતો. જેની સામે એસ.જી હાઈવે 2 ટ્રાફિક પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આ કેસમાં પણ પોલીસ ફરિયાદી બની છે. બ્રિજ પર અકસ્માત રાત્રે 12.30 વાગ્યે થયો હતો, જેની સૂચના મળતા પોલીસ ત્યાં પહોંચી હતી અને પોતાની કામગીરી કરી રહી હતી. દરમિયાન કેટલાક લોકો પણ ત્યાં પહોંચ્યા હતા. આ જ સમયે પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી જગુઆર કાર જે તથ્ય પટેલ ચલાવી રહ્યો હતો, તેણે લોકોને અટફેટે લીધા હતા અને 9 લોકોના મોત થઈ ગયા, જ્યારે 10 જેટલા લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા.
16 વર્ષના સગીર સામે નોંધાઈ ફરિયાદ
પોલીસ દ્વારા આ થાર કારના સગીર ચાલક વિરુદ્ધ પણ ગુનો નોંધવામાં આવ્યો છે. જે મુજબ કર્ણાવતી ક્લબથી રાજપથ ક્લબ તરફ જતા ઈસ્કોન બ્રિજ પર થાર ચાલકે પૂર ઝડપે કાર હંકારી હતી અને ડમ્પરને પાછળથી ટક્કર મારી હતી. જેમાં કાર અને ડમ્પર બંનેને નુકસાન પહોંચ્યું હતું. ત્યારે આ 16 વર્ષના સગીર વિરુદ્ધમાં જાહેર રોડ પર બેદરકારીથી અન્ય લોકોની જિંદગી જોખમાય એ રીતે વાહન ચલાવવાની ફરિયાદ IPCની કલમ 177, 184 અને 181 હેઠળ નોંધવામાં આવી છે.
ADVERTISEMENT