અમદાવાદ: રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી કમોસમી વરસાદે ખેડૂતોની દશા બગાડી છે. કમોસમી વરસાદથી રાજ્યભરમાં ખેડૂતોને મોટાપાયે નુકસાન થયું છે. ત્યારે ખેડૂતો માટે પાક નુકસાનીના વળતરની રાહતની ખબર સામે આવી રહી છે. વિધાનસભામાં કૃષિમંત્રીએ ખેડૂતોને વળતર આપવા અંગે આજે જાહેરાત કરી હતી. સાથે જ તેમણે બગાયતી પાકમાં પણ નુકસાનીનો સર્વે કરીને સહાય ચુકવવાની વાત કરી.
ADVERTISEMENT
ખેડૂતોને સહાય અંગે કૃષિ મંત્રીએ શું કહ્યું?
રાજ્યમાં માવઠાના મારથી બેહાલ થયેલા ખેડૂતો માટે રાજ્ય સરકારે વળતર આપવાનો નિર્ણય કર્યો છે. વિધાનસભામાં બજેટ સત્રના અંતિમ દિવસે ચર્ચા દરમિયાન રાજ્ય કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, સાચી વિગતો આવ્યા બાદ સહાય કરવામાં આવશે. સાથે જ કેરી સહિતના બાગાયતી પાકના નુકસાનીનો પણ સર્વે કરીને સહાય ચુકવવામાં આવશે. નોંધનીય છે કે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં માવઠાના કારણે કેરીના તૈયાર થઈ ગયેલા ફળો ખરી પડ્યા હતા અને મોટા પાયે ખેડૂતોને વાડીમાં નુકસાન પહોંચ્યું છે.
રાજ્યમાં માવઠાના કારણે કેરીના પાકને નુકસાન
ગીરની વિશ્વ પ્રખ્યાત કેસર કેરી આ વખતે સામાન્ય માણસને કડવી લાગી શકે છે. તોફાની પવન સાથે વરસાદના કારણે કેરીનો ફાલ ખુબ જ ઓછો થયો છે. મોટા ભાગની કાચી કેરી આ વરસાદમાં કાં તો બગડી ગઇ છે અથવા તો પવનના કારણે ખરી પડી છે. કેસર કેરીનો પાક ખુબ જ ઓછો થવાના કારણે કિંમત ઉંચી રહેશે. તેમાં પણ સારી ક્વોલિટીની કેરી એક્સપોર્ટ થઇ જવાના કારણે પ્રમાણમાં થોડી ઉતરતી કક્ષાની કેરી ખાવાનો વારો ગુજરાતીઓને આવી શકે છે.
ADVERTISEMENT