અમરેલી : જિલ્લામાં મધરાતે સિંહણે 15 વર્ષના કિશોર પર હુમલો કરતા ચકચાર મચી ગઇ હતી. સિંહ સામાન્ય રીતે કોઇ માણસ પર હુમલો કરતો નથી. જો કે સિંહ એવા કિસ્સામાં જ હુમલો કરે છે જ્યારે તે કોઇ મુદ્દે ખિજાયેલો હોય અથવા તો લોકોએ તેને રંજાડ્યો હોય. સિંહણ પોતાના 4 કતિલા (સિંહબાળ) સાથે અચાનક આવી ચડી અને વાડીમાં સુઇ રહેલા એક કિશોરને પળવારમાં ઉઠાવીને ભાગી હતી. પરિવારે સિંહનો પીછો કર્યો પરંતુ તેને બચાવી શક્યા નહોતા.
ADVERTISEMENT
સિંહણ એટલી આક્રમક કે બચાવવા જનાર પર હુમલો કર્યો
જો કે પરિવારે સ્થાનિક વનતંત્રને જાણ કરી હતી. RFO પોતાના SRP જવાનો સાથે દોડી આવ્યા હતા. રોષે ભરાયેલી સિંહણ કિશોરને છોડવા માટે તૈયાર નહોતી. વનવિભાગના કર્મચારીઓ પર પણ હુમલાનો પ્રયાસ કર્યો હતો. જેથી જેસીબીની મદદથી મહામહેનતે કિશોરને છોડાવવામાં આવ્યો હતો. કલાકો સુધી સિંહણ કિશોરના દેહને ચુંથતી રહી હતી. અત્રે નોંધનીય છે કે, હાલમા વન વિભાગના કર્મચારીઓ હડતાળ પર હોવાના કારણે પણ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.
વન કર્મચારીઓની હડતાળના કારણે RFO ને પણ તકલીફ પડી ગઇ
અત્રે ઉલ્લેખનીય છે કે, વન વિભાગના કર્મચારીઓની હડતાળ હોવાનાં કારણે વન્યપશુઓનું નિયમન અનિયમિત બન્યું છે. તેવામાં રાજુલા તાલુકાના વાવડી ગામે પરપ્રાંતિય મજુર પરિવાર પર સિંહે હુમલો કર્યો હતો. ખુબ જ આક્રમક અંદાજમાં સિંહણે 15 વર્ષીય કિશોરને પોતાનું નિશાન બનાવ્યું હતું. અત્રે નોંધનીય છેકે, સિંહણ ખુબ જ હિંસક મુડમાં હોવાના કારણે મૃતદેહ છોડાવવામાં ભારે તકલીફનો સામનો કરવો પડ્યો હતો. આખરે મહામહેનતે છોડાવ્યા બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.
ADVERTISEMENT