અમદાવાદ : રાજ્યમાં વરસાદનો ફરી એક નવો રાઉન્ડ ચાલી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ અને ભાવનગર જિલ્લામાં વરસાદે તોફાની બેટિંગ કરી હતી. તો દક્ષિણમાં સુરતમાં પણ મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી. પલસાણામાં વહેલી સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધીમાં સાડા ત્રણ ઇંચ પાણી પડ્યું હતું. પલસાણાના કડોદરા, ચલથાણ તાતીથૈયા સહિતના ગામોમાં વરસાદી માહોલ જામ્યો હતો. સવારથી જ અવિરત વરસાદી માહોલ સર્જાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
ADVERTISEMENT
રાજકોટ જિલ્લાનાં ધોરાજી અને ઉપલેટામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું હતું. ધોરાજી અને ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ધોરાજીના ચકલા ચોક, વોકળા કાંઠાના વિસ્તારોમાં તો ગોઠણ ગોઠણ પાણી ભરાયા હતા.
જુનાગઢના કેશોદ તાલુકાનાં પાણખાણગામે ધોધમાર વરસાદ પડતા નોરી નદીમાં પુર આવ્યું હતું. વરસાદ પડતા ગામના નિચાણવાળા વિસ્તારોના ઘરોમાં પાણી ઘુસ્યા હતા. વાવેતર કરેલો ઉભા પાકમાં પાણી ફરી વળ્યું હતું. મગફળી, કપાસ, એરંડા સહિતના વિવિધ પાકને વરાપની જરૂર હતી ત્યારે વરસાદ પડતા પાકને નુકસાનીની ભીતી ખેડૂતો સેવી રહ્યા છે.
ભાવનગર અને બોટાદ તાલુકામાં પણ મેઘરાજા મનમુકીનેવરસ્યા હતા. બોટાદના ગઢતાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો. ઢસામાં વરસાદ ખાબકતા પાણી ભરાયા હતા. ખાસ કરીને જલાલપુર અને જુનવદર સહિતના ગામડાઓમાં ભારે વરસાદ પડ્યો હતો.
ભાવનગર જિલ્લામાં ભારે વરસાદના પગલે ઠેરઠેર પાણી ભરાયા હતા. 3 ઇંચ વરસાદના પગલે પાણી ભરાયું હતું. પાનવાડી, મેઘાણી સર્કલ, રબર ફેક્ટરી સર્કલ પાસે પાણી ભરાયા હતા. નવાપરા સહિતના વિસ્તારમાં પાણી ભરાયા હતા. વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોએ મુશ્કેલી વેઠવાનોવારો આવ્યો હતો.
ADVERTISEMENT