અમદાવાદઃ શહેરના ઈસ્કોન બ્રિજ પર સર્જાયેલ અકસ્માતની ગોઝારી ઘટના બની હતી. જેની વધુ તપાસ ચાલી રહી છે. ત્યારે શહેરમાં અકસ્માતોને રોકવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. રાજ્યના પોલીસ વડાએ સમગ્ર રાજ્યમાં એક મહિના માટે વાહન ચેકીંગના આદેશ આપ્યા છે. આદેશ બાદ પોલીસે ચાર દિવસની સ્પેશિયલ ડ્રાઈવમાં ઓવરસ્પીડ, ડ્રન્ક એન્ડ ડ્રાઈવ, રેસ તેમજ સ્ટન્ટ કરતા 376 નબીરાઓને ઝડપી લીધા હતા, જ્યારે ટ્રાફિકના અન્ય નિયમોના ભંગ બદલ કુલ 1327 કેસ કરવામાં આવ્યા હતા. આ સાથે એક મહિના સુધી આ ડ્રાઈવ ચાલુ રહેશે. 22 જુલાઈથી ટ્રાફિક પોલીસ દ્વારા આ સ્પેશિયલ ડ્રાઈવ શરુ કરવામાં આવી છે. 4 દિવસમાં ઓવરસ્પીડના 303 કેસ કરીને રૂ.6.07 લાખ દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
ચાર દિવસમાં કુલ 1327 કેસ નોંધાયા
એક તરફ રાજ્યમાં દારૂ બંધી છે. ત્યારે બીજી તરફ દારૂનું સેવન કરી અને કાર – બાઈક ચલાવતા 47 કેસ સ્પેશિયલ ડ્રાઇવ દરમિયાન દાખલ થયા છે. રોડ ઉપર સ્ટંટ – રેસ કરતા 26 લોકો પકડાયા હતા. ચાર દિવસ સુધી રાતના સમયે કરાયેલી ડ્રાઈવમાં કુલ 1327 કેસ કરીને નબીરાઓની ધરપકડ કરવામાં આવી હતી.
ઇસુદાન ગઢવીએ ઉઠાવ્યા સવાલો
રાજ્યમાં દારૂ બંધીને લઈને સતત ચર્ચાઓ ચાલી રહી છે. અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ સરકાર પર સવાલો ઉઠાવતા કહ્યું હતું કે, ગુજરાતમાં દિવસેને દિવસે નબીરાઓ દારૂ પીને અકસ્માત કરતા હોય તેવા કેસો વધી રહ્યા છે. જેગુઆર ગાડીનો અકસ્માત થયો એ મામલો શાંત નથી પડ્યો ત્યાં તો, BMW વાળાએ વધુ એક અકસ્માત કર્યો અને તપાસમાં જાણવા મળ્યું કે નબીરો દારૂ પીધેલી હાલતમાં હતો. ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઇવ ચલાવવામાં આવી તો તેમાં 200 થી વધુ લોકો દારૂ પીધેલી હાલતમાં ડ્રાઇવિંગ કરતા પકડાયા હતા. પણ કહેવાય છે કે ગુજરાતમાં તો દારૂબંધી છે, તો આ દારૂ આવે છે ક્યાંથી? અને આ તો ફક્ત અમદાવાદના એક વિસ્તારની વાત છે, તો આખા ગુજરાતમાં કેટલો દારૂ વેચાતો હશે? સવાલ એ થાય છે કે સરકાર શું કરી રહી છે? સરકાર દારૂબંધીના કડક અમલની વાતો કરી રહી છે, તો મારો સવાલ એ છે કે આ નબીરાઓ દારૂ પીને બેફામ અકસ્માતો કરી રહ્યા છે તો એ દારૂ ક્યાંથી આવી રહ્યો છે? શું ગરીબ અને મધ્યમ વર્ગના લોકોએ રોડ પર કચડાઈ જવા માટે જન્મ લીધો છે? આ ખૂબ જ દુઃખ ભરી વાત છે અને આ સ્થિતિને સુધારવાની જરૂરત છે. અમારી માંગ છે કે મુખ્યમંત્રી પોતે આ બાબતમાં રસ લે, કારણકે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ કથળી રહી છે.
ADVERTISEMENT