અમદાવાદ : પાટીદાર અનામત આંદોલનથી સુપર સ્ટાર બનેલા હાર્દિક પટેલે શરૂઆતમાં કોંગ્રેસ જોઇન કર્યું હતું. જ્યાં તેને ખુબ જ મોટુ વર્કિંગ પ્રેસિડેન્ટનું પદ આપવામાં આવ્યું હતું. કોંગ્રેસમાં તે અનેક દિગ્ગજ નેતાઓનો પરોક્ષ રીતે બોસ હતો તેમ કહીએ તો પણ અતિશયોક્તિ ન કહી શકાય. ગુજરાત કોંગ્રેસે તેના માર્ગદર્શન હેઠળ ચૂંટણી લડવાની તૈયારીઓ પણ શરૂ કરી દીધી હતી. જો કે અચાનક હાર્દિક પટેલને મોહભંગ થયો અને કોંગ્રેસ પર અનેક ચોંકાવનારા આરોપો લગાવીને તેણે કોંગ્રેસનાં ઉચ્ચ પદનો ત્યાગ કરીને પીએમ મોદી અને ભાજપમાં નાના કાર્યકર્તા તરીકેની જવાબદારી સ્વિકારી લીધી હતી.
ADVERTISEMENT
ચાર મહિના સુધી સામાન્ય કાર્યકર્તા તરીકે નિભાવી ફરજ
મે 2022 માં કોંગ્રેસનો ત્યાગ કર્યા બાદ હાર્દિક પટેલે જુન મહિનામાં ભાજપમાં એક સામાન્ય કાર્યકર્તા (રામ સેતુમાં એક નાનકડી ખિસકોલીની ભુમિકા) પર પસંદગી ઉતારી હતી. 4 મહિના જેટલો સમય રાહ જોયા બાદ આખરે ભાજપે તેને હવે એક પદ આપી દીધું છે. હાલમાં જ હાર્દિક પટેલને 12,700 સભ્યો ધરાવતા વીજળી કર્મચારી મહામંડળના કાર્યકારી પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે. આ બદલ હાર્દિક પટેલે ફેસબુક પોસ્ટ કરીને તમામનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.
લાખોની જનમેદની હોય તેવા કાર્યક્રમોમાં હાજર રહેતો હાર્દિક ભાજપમાં જોડાયા બાદ ચશ્મા વિતરણના કાર્યક્રમમાં ન માત્ર હાજર પરંતુ તેના માટે લોકોને આમંત્રણ આપતા પોસ્ટર શેર કરતો પણ જોવા મળ્યો હતો. આટલી આકરી મહેનત બાદ હવે તેને એક પદ પ્રાપ્ત થયું છે. જે બદલ તે ભાજપનો આભાર પણ વ્યક્ત કરી રહ્યો છે. જો કે હજી સુધી ચૂંટણીમાં ટિકિટ મળશે કે કેમ તે અંગે ન તો હાર્દિક ન તો કોઇ નેતા કાંઇ પણ બોલવા તૈયાર નથી.
ADVERTISEMENT