અમદાવાદ : ચીનના ભેદી રોગે ફરી એકવાર દેશની ધબકારા વધારી દીધા છે. ગુજરાત સરકાર પણ સમગ્ર મામલે એલર્ટ મોડ પર જોવા મળી રહી છે. ચીનમાં ફેલાઇ રહેલા ભેદી વાયરસ મામલે AMC દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં AMC દ્વારા જરૂરી દવાઓનો સ્ટોક કરવા માટેની સુચના આપવામાં આવી છે. આ ઉપરાંત હોસ્પિટલમાં જરૂરી ઓક્સીજન, ઓક્સીજન પ્લાન્ટ કાર્યરત કરવા માટેની સુચના આપી દેવાઇ છે. આ ઉપરાંત વેન્ટિલેટર પણ ફરી એકવાર સજ્જ કરવા માટેની મૌખીક સુચના આપી દેવાઇ છે.
ADVERTISEMENT
ચીની રોગના લક્ષણો પણ જણાવવામાં આવ્યા
અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રાથમિક રીતે આ રોગના લક્ષણ તાવ, ઝાડા, ઉલટી જોવા મળે છે. આવા કોઇ પણ દર્દી આવા લક્ષણો સાથે આવે છે તે સેમ્પલ ઝીનોમ સિક્વન્સિંગ માટે મોકલવા માટેની સુચના આપવામાં આવી છે. આ અંગે અમદાવાદ મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી ડૉ.ભાવિન સોલંકીએ જણાવ્યું કે, હાલમાં પ્રાપ્ત માહિતી અનુસાર ચાઇનામાં આ પ્રકારના સેંકડો કિસ્સા આવી રહ્યા છે.
અમદાવાદ કોર્પોરેશન દ્વારા યુદ્ધના ધોરણે તૈયારીઓ શરૂ
જેના પગલે અમદાવાદ કોર્પોરેશન દ્વારા પણ તૈયારીઓ યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. કોર્પોરેશન આવતી તમામ હોસ્પિટલમાં તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. ખાસ લક્ષણના કોઇ પણ દર્દી હોય તો તત્કાલ તેમના ટેસ્ટ જિનોમ સિકવન્સિંગ માટે મોકલી આપવા માટેની સુચના આપવામાં આવી છે. આ ઉપરાંત તમામ પ્રકારની આનુષાંગીક તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
સિવિલ હોસ્પિટલમાં 300 બેડ ગોઠવવામાં આવ્યા
ચીનની બીમારી માટે આરોગ્ય વિભાગ સજ્જ છે. સિવિલ હોસ્પિટલમાં બાળકો માટે વોર્ડ બનાવાયા છે. આ બાબતે સિવિલ સુપ્રિટેન્ડન્ટ રાકેશ જોશીએ નિવેદન આપ્યું કે, ચીનની બીમારી ન્યૂમોનિયા પ્રકારનો રોગ છે. સિવિલમાં બાળકો માટે ખાસ તમામ સુવિધા સાથેના 300 બેડ ગોઠવવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટર, પીપીઇ કીટ, એન્ટી વાયરલ દવાઓનો જથ્થો પણ સ્ટોક કરવામાં આવ્યો છે. બાળકોમાં શરદી, ફેફસામાં બળતરા, ભારે તાવ જણાય તો તત્કાલ તબીબોનો સંપર્ક કરવા માટેની અપીલ કરવામાં આવી છે.
ADVERTISEMENT