Gujarat Politics News: આગામી થોડા મહિનામાં લોકસભા ચૂંટણી 2024 યોજાવા જઈ રહી છે. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ સહિત તમામ પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ દરમિયાન એક જ અઠવાડિયામાં 2 ધારાસભ્યોએ રાજીનામા આપી દેતા ગુજરાતની રાજનીતિમાં ભૂકંપ આવ્યો છે. પહેલા આપ નેતા અને વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણી બાદ હવે કોંગ્રેસ ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે પણ રાજીનામું આપી દીધું છે. આ વચ્ચે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
ADVERTISEMENT
AAPના ધારાસભ્ય આપી શકે છે રાજીનામું!
સૂત્રોના જણાવ્યા અનુસાર, આમ આદમી પાર્ટીના વધુ એક ધારાસભ્ય પાર્ટીનો સાથ છોડી શકે છે. જામજોધપુરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવા આવતીકાલે રાજીનામું આપી શકે છે. જો હેમંત ખવા ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે તો વિધાનસભામાં આમ આદમી પાર્ટીનું સંખ્યાબળ ઘટીને 3 થઈ જશે.
ફેલાઈ રહી છે ખોટી અફવાઃ ઈસુદાન ગઢવી
આમ આદમી પાર્ટીના વધુ એક ધારાસભ્ય પાર્ટીનો સાથ છોડશે તેવા સમાચાર મીડિયામાં પ્રસારિત થતાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા સામે આવી છે. તેઓએ વાતને અફવા ગણાવી છે. તેઓએ જણાવ્યું છે કે, હાલ ખોટી અફવાઓ ફેલાઈ રહી છે કે આમ આદમી પાર્ટીના કોઈ ધારાસભ્ય રાજીનામું આપી શકે છે. પરંતુ આ અફવાઓમાં કોઈ તથ્ય નથી.
‘ધારાસભ્યો પાર્ટી સાથે મક્કમતાથી જોડાયેલા છે’
તેઓએ જણાવ્યું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યો જનસેવાના દૃઢ નિશ્ચય સાથે પાર્ટી સાથે મક્કમતાથી જોડાયેલા છે. મીડિયાને વિનંતી છે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો વિશે ખોટી અફવાઓ ફેલાવવાનું બંધ કરે.
આજે ચિરાગ પટેલે ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામું
અત્રે ઉલ્લેખનીય છે કે, આજે ખંભાતના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરસિંહ ચૌધરીને રાજીનામું આપી દેતા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ચિરાગ પટેલના રાજીનામા બાદ વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ ઘટીને 16 થઈ ગયું છે. એવી ચર્ચા ચાલી રહી છે કે, ચિરાગ પટેલ સત્તાવાર રીતે ભાજપમાં જોડાઈ શકે છે.
ADVERTISEMENT