અમદાવાદઃ બે તબક્કાઓમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓનું મતદાન થવાનું છે જેમાં 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું અને 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે. આ મતદાનના પરિણામો 8 ડિસેમ્બરે જાહેર થવાના છે. દરમિયાનમાં એડીઆરના એનાલીસીસ રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં પહેલા તબક્કાના કુલ 788 ઉમેદવારો પૈકીના 167 ઉમેદવારો એવા છે કે જેમની સામે ગુનાઓ નોંધાયા હોવાનું તેમણે સોગંદનામામાં દર્શાવ્યું છે. જોકે તે પૈકીના 100 ઉમેદવારો એવા છે કે જેમની સામે ગંભીર પ્રકારના ગુનાઓ નોંધાયા છે. હત્યાનો પ્રયાસ, રાજદ્રોહ, મારામારી, લૂંટ સહિતના ગુનાઓનો સમાવેશ ગંભીર ગુનાઓમાં થાય છે. તો આવો જાણીએ કે કઈ પાર્ટીના કેટલા ઉમેદવારો સામે ગંભીર ગુનાઓ દાખલ છે.
ADVERTISEMENT
35 અપક્ષ ઉમેદવારો સામે ગંભીર ગુનાઓ છે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પોતાના ઉમેદવાર અંગે જાણી લેવું મતદારો માટે ઘણું જરુરી છે. કયા ઉમેદવાર કેટલી મિલકત, કેટલું દેવું, કેટલી વાર્ષિક આવક, કેટલા ગુનાઓ, કેટલું ભણતર ધરાવે છે તે સહિતની વિગતોથી અમે આપને સતત અવગત કરાવતા રહ્યા છીએ. ત્યારે હાલમાં જ એડીઆર (એનાલીસીસ ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ)ના રિપોર્ટ પ્રમાણે ગુજરાતની 182 બેઠકો પૈકીની પહેલા તબક્કાની 89 બેઠકો પરના કુલ 788 ઉમેદવારો પૈકીના 167 ઉમેદવારોએ પોતાના ગુનાઓનો સોગંદનામામાં ઉલ્લેખ કર્યો છે. જે પૈકીના 100 ઉમેદવારો ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હોવાના કેસ તેમના પર છે. આ 100માંથી 35 ઉમેદવારો આ વિધાનસભાની ચૂંટણી દરમિયાન અપક્ષ ઉમેદવારી કરી રહ્યા છે.
રાજકીય પક્ષોના ઉમેદવારો પર કેટલા કેસ
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારી કરી રહેલા ઉમેદવારો પૈકીના સૌથી વધારે 26 ઉમેદવારો આમ આદમી પાર્ટીના છે કે જેમની સામે ગંભીરથી અતિગંભીર કલમો હેઠળ ગુનાઓ નોંધાયેલા છે. તે પછી સૌથી વધુ ગંભીરથી અતિગંભીર કેસ કોંગ્રેસના 18 ઉમેદવારો સામે નોંધાયેલા છે અને આ લિસ્ટમાં ભાજપ ત્રીજા નંબર પર આવે છે કે જેના 11 ઉમેદવારો એવા છે કે જેમની સામે ગંભીરથી અતિગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આ પછી તો બીજી પાર્ટીઓના ઉમેદવારો ઘણા દુર છે કે જેમની સામે એક બે ગંભીરથી અતિગંભીર ગુનાઓ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે ભાજપના 14 ઉમેદવારોએ પોતાની સામે ગુનાઓ નોંધાયા હોવાનું જાહેર કર્યું હતું. જે પછી કોંગ્રેસના 31 અને આમ આદમી પાર્ટીના 32 ઉમેદવારોની સામે કેસ નોંધાયેલા હોવાનું તેમણે કબુલ્યું હતું.
ADVERTISEMENT