ગાદોઈ ટોલનાકા વિવાદઃ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ટીમની રચના, બાયપાસ રોડ કરાયો બંધ

Junagadh News:  જૂનાગઢ જિલ્લાના વંથલીના ગાદોઈ ટોલનાકા નજીક વાહનોને ગામમાંથી ડાયવર્ટ કરીને રૂપિયાની વસુલાત કરાતી હોવાના સમાચાર પ્રસિદ્ધ થતાં જ અધિકારીઓ દોડતા થયા હતા. જિલ્લા…

gujarattak
follow google news
Junagadh News:  જૂનાગઢ જિલ્લાના વંથલીના ગાદોઈ ટોલનાકા નજીક વાહનોને ગામમાંથી ડાયવર્ટ કરીને રૂપિયાની વસુલાત કરાતી હોવાના સમાચાર પ્રસિદ્ધ થતાં જ અધિકારીઓ દોડતા થયા હતા. જિલ્લા કલેકટર અનિલ રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ ટીમની રચના કરવામાં આવી છે.જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ પ્રશ્નના કાયમી નિરાકરણ માટે સંબંધિત વિભાગોને આગળની કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી. જે બાદ ગાદોઈ ટોલનાકાના પ્રશ્નના નિરાકરણ માટે સંબંધિત અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

અધિકારીઓએ સ્થળ પર જઈને કર્યું નિરીક્ષણ

આ દરમિયાન અધિકારીઓને જાણવા મળ્યું હતું કે, જે સ્થળ પરથી વાહનોને ગેરકાયદે રીતે પસાર કરવામાં આવતા હતા. તે પહેલા સિંચાઈ વિભાગનો પાળો હતો. બાદમાં સિંચાઈ વિભાગના પાળાને તોડી આ રસ્તાનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી અધિકારીઓએ જેસીબી મશીનની મદદથી સિંચાઈ વિભાગ અધિકારીઓની હાજરીમાં પાળો મૂળ સ્થિતિમાં લાવી, પાળો કરી વિવાદગ્રસ્ત રસ્તો બંધ કર્યો હતો.

ટોલનાકાને સ્થળાંતર કરવાની સૂચના

આગામી સમયમાં આ રસ્તા મામલે જાહેરનામું પણ બહાર પાડવામાં આવશે અને ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ માટે બેરિયર લગાવાશે. આ સાથે જ ટોલનાકાને સ્થળાંતર કરવા પણ સૂચના અપાઇ છે. જેથી ગેરકાયદે વાહનો પસાર નહીં થઇ શકે અને વાહનોને ટોલ ટેક્સ ચૂકવવો પડે.

શું છે સમગ્ર મામલો?

જૂનાગઢ જિલ્લાના જેતપુરથી સોમનાથ જતા નેશનલ હાઈવે પર વંથલી નજીક આવેલા ગાદોઈ ટોલનાકાના મેનેજર દ્વારા આક્ષેપ કરાયો હતો કે, ગાદોઈ ગામના કેટલાક અસમાજિક તત્વો દરરોજ ટોલનાકાથી થોડેક આગળ ઉભા રહી જાય છે. તેઓ રસ્તા પર વાહનો આડા ઉભા રાખી દે છે અને ગામના રસ્તેથી વાહનોને ડાયવર્ટ કરી દે છે. જેના બદલામાં તેઓ વાહનચાલકો પાસેથી પૈસા પણ વસુલે છે.
ટોલનાકાના મેનેજરે જણાવ્યું હતું કે, અસમાજિક તત્વો દ્વારા એકહજારથી વધારે વાહનોને ગામના રસ્તેથી ડાયવર્ટ કરવામાં આવતા ટોલબુથને દરરોજ આશરે 2થી અઢી લાખ રૂપિયાનું નુકસાન થાય છે. અમે તેમને અનેક વખત રોકવાનો પ્રયાસ કર્યો છે. તાજેતરમાં તેઓને સમજાવવામાં આવતા અસમાજિક તત્વોએ ટોલબુથના કર્મચારીઓ પર હુમલો કર્યો હતો. જેની ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે.

અમે કોઈને રસ્તા પરથી પસાર થતાં ન રોકી શકીએઃ સરપંચના પતિ

તો આ મામલે ગાદોઈ ગામના સરપંચના પતિ રાયમલભાઈ જલુએ કહ્યું હતું કે, તેઓ ગામના રસ્તેથી વાહનચાલકોને પસાર થતાં રોકી શકે નહીં. કોઈપણ વ્યક્તિ ગમે તે રસ્તે ચાલી શકે છે. આપણે કોઈને મનાઈ ન કરી શકીએ.

સામે-સામે નોંધાઈ હતી ફરિયાદ

અત્રે ઉલ્લેખનીય છે કે, ગાદોઈ ટોલનાકા મામલે સામ સામે ફરિયાદ નોંધાઈ છે. આ મામલે વંથલી પોલીસ સ્ટેશનમાં બે ફરિયાદ નોંધાઈ છે. જેમાં એક ફરિયાદ ટોલનાકાના મેનેજર દ્વારા  નોંધાવવામાં આવી છે. તો ગાદોઈ ગામના સરપંચના પતિએ ટોલનાકાના મેજેનર સામે ફરિયાદ નોંધાવી છે. આ બન્ને ગુન્હાઓની તપાસ વંથલીના PSI ચલાવી રહ્યા છે.
    follow whatsapp