Rajkot Accident News: રાજ્યમાં અવારનવાર અનેક અકસ્માતના બનાવો સામે આવતા હોય છે. ત્યારે આવો જ એક ગમખ્વાર અકસ્માતનો બનાવ રાજકોટ જિલ્લામાંથી સામે આવ્યો છે. આ ભયાનક અકસ્માતમાં 4 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. હાલ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ધોરાજીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ADVERTISEMENT
ભાદર-2 નદીમાં ખાબકી કાર
પ્રાપ્ત વિગતો અનુસાર, ધોરાજીનો ઠુમ્મર પરિવાર માંડાસણ ગામે સોમ યજ્ઞ માટે ગયો હતો. જે બાદ માંડાસણથી ધોરાજી તરફ જતી વખતે કારનું ટાયર ફાટતા ચાલકે સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતા કાર ધોરાજી ભાદર-2 નદીના પુલ ઉપરથી રેલિંગ તોડીને નદીમાં ખાબકી હતી.
પોલીસની ટીમ દોડી આવી
આ અકસ્માતને પગલે રાહદારીઓના ટોળેટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તો પોલીસને આ અંગેની જાણ થતાં પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. આ દુર્ઘટનામાં કારમાં સવાર ચારેય લોકોના મૃત્યુ થયા હતા. જે બાદ તરવૈયાઓની મદદથી મૃતદેહને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
પરિવારમાં વ્યાપી ગયો શોક
આ ગોઝારા અકસ્માતને લઈ મૃતકોના પરિવારની સાથે સાથે સમગ્ર ધોરાજી પંથક અને આસપાસના ગામોમાં પણ શોકનો માહોલ છવાયો છે. હાલ પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
મૃતકોના નામ
- ગીતાબેન કોયાણી (ઉં.વ 55)
- લીલાવંતીબેન ઠુમ્મર (ઉં.વ 52)
- દિનેશભાઈ ઠુમ્મર (ઉં.વ 55)
- હાર્દિકાબેન ઠુમ્મર (ઉં.વ 22)
ઈનપુટઃ રોનક મજીઠિયા, રાજકોટ
ADVERTISEMENT